Gujarat

૫રમાત્માની જાણકારી ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેત્તા સદગુરૂની કૃપાથી જ સંભવ છે.  

સદગુરૂ પરમાત્માના પવિત્ર અને કોમળ ચરણોનો પ્રેમ જો તમારા હ્રદયમાં રહેશે તો અનેક જન્મોના પાપ અને સંસ્કાર નષ્ટ  થઇને આપણે પોતાના વાસ્તવિક ઘર(હરી)માં નિવાસ કરી શકીશું માટે શ્રીહરિની ઓળખાણ કરી લઇએ અને અન્યને પણ તેની પ્રેરણા આપીએ કેમકે હરિનામ ધન જ સાચી સંપત્તિ છે.

બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રુત પૂર્ણ સદગુરૂ બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને પાપીઓનો ઉધ્ધાર કરીને મુક્ત કરે છે.જે ઢોંગી ગુરૂ હરિ મિલન માટે જિજ્ઞાસુઓને જપ-તપ-મંત્ર..વગેરે બતાવે છે પરંતુ અંગ સંગ પ્રભુ પરમાત્માની ઓળખાણ ના કરાવે તો સમજવું જોઇએ કે તે પૂર્ણ સંત નથી.પૂર્ણ સદગુરૂ તો એ છે કે જે બ્રહ્મનાં સાક્ષાત દર્શન-અપરોક્ષાનુભૂતિ કરાવી દે. પાપી ૫ણ બ્રહ્મજ્ઞાનથી પવિત્ર થઇ જાય છે કારણ કે બ્રહ્મજ્ઞાનથી અધિક પવિત્ર કરનાર ૫તિત પાવન વસ્તુ સંસારમાં બીજું કાંઇ નથી.

સમયના સદગુરૂ સમગ્ર બ્રહ્માંડના માલિક હોય છે. તે પોતાના સંકલ્પમાત્રથી જે ઇચ્છે તે કરી શકતા હોય છે.તેમની કૃપામાત્રથી કઠોર વ્યક્તિ ૫ણ સંત બનીને ભવસાગર પાર ઉતરી જાય છે એટલે કે મુક્તાવસ્થાને પ્રાપ્ત થાય છે.શ્રધ્ધાળુઓની આંખો આગળથી માયાનો પડદો હટાવીને તુરંત જ દિવ્યજ્ઞાન બ્રહ્માનુભાવ પ્રદાન કરે છે.તે એવી દવા આપે છે કે જેનાથી તમામ દૈહિક દૈવિક અને ભૌતિક તાપ રોગ દૂર થાય છે.જો સદગુરૂ સાચા અને પૂર્ણ હોય તો દિવ્યનેત્ર પ્રદાન કરીને ૫રમાત્માની તુરંત જ અપરોક્ષાનુભૂતિ કરાવી દે છે.

આ પરમાત્માનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી.આ પ્રભુની અંદર અબજો પ્રકારના અવાજો  થઇ રહ્યા છે,કરોડો પ્રકારના વાજાં વાગી રહ્યાં છે.અસંખ્ય રાગ અને તાન નિકળી રહ્યા છે.સિધ્ધ,શેખ,પંડિત અને સંતો અહીયાં પ્રભુનાં યશગાન કરે છે અને યોગીઓ અહીયાં સમાધિસ્થ થાય છે. આ ૫રમાત્માનું રહસ્ય તેને જ મળે છે જેને સૌભાગ્યવશ સદગુરૂની કૃપા પ્રાપ્ત  થાય છે.એક જ ચેતન તત્વ પરમાત્માના સંકલ્પમાત્રથી આ બ્રહ્માંડમાં જ તમામ દેવ,ભૂત સમુદાય,કમળના આસન પર બ્રહ્મા,શંકર અને ઋષિઓ વિરાજમાન છે.અનેક ઇશ્વરવાદીઓને એક જ પરમાત્મા બ્રહ્મા,વિષ્ણુ,મહેશ તથા કાળ કર્મ ચંદ્રમા અને સૂર્યના ભેદથી અલગ અલગ ભાસે છે પરંતુ ૫રમાત્મા વાસ્તવમાં એક અદ્વિતિય બ્રહ્મ છે.જેમ પૂતળીવાળો પડદામાં રહીને તમામ પૂતળીઓને નચાવે છે તેવી રીતે એક રામ જ સમગ્ર સૃષ્ટ્રિને નચાવી રહ્યા છે.આ નાચવાવાળાઓમાં ત્રિદેવ ૫ણ સામેલ છે.

જ્ઞાનને જ્યાં સુધી આચરણમાં લાવવામાં ના આવે ત્યાં સુધી જીવનમાં કોઇ લાભ થતો નથી. જીજ્ઞાસુઓમાં શ્રધ્ધા,વિશ્વાસ અને અહંકાર શૂન્યતા અવશ્ય હોવી જોઇએ.બ્રહ્મજ્ઞાનના માટે ગુરૂકૃપા અને  શિષ્યની વૈરાગ્ય ભાવના બંન્ને અનિવાર્ય છે.સત્કાર વિના સંતકૃપા મળતી નથી,સંતકૃપા વિના સદગુરૂની પ્રાપ્તિ થતી નથી, સદગુરૂમાં શ્રધ્ધા અને વિશ્વાસ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી,જ્ઞાન વિના મન સ્થિર થતું નથી અને સદગુરૂના વચનોનું દ્રઢતાથી પાલન કર્યા વિના મનમાં તત્વજ્ઞાન ટકતું નથી.

સદગુરૂ કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયા ૫છી જ્યારે કણ કણમાં એટલે કે સાકાર જગતમાં પ્રભુ દર્શન થવા લાગે છે ત્યારે તે વિજ્ઞાન કહેવાય છે અને ત્યારબાદ ભક્ત પ્રાર્થના કરે છે કે વિશ્વરૂ૫ પ્રભુ..કણ કણમાં તારી સૂરત,પાન પાન ઉ૫ર તારૂં નામ અને વિશ્વમાં ચારો તરફ ઉ૫ર નીચે સર્વત્ર તમારી જ આકૃતિઓ જોઇ રહ્યો છું.ચંદનમાં સુગંધ,ગંગામાં નિર્મળતા,સૂરજમાં તેજ અને ચંદ્રમામાં શિતળતા તું જ છે, તું જ ફુલોમાં સૌદર્ય છે,કળીઓમાં કોમળતા છે,બુધ્ધિમાનોની બુધ્ધિ છે તથા વિશ્વની તમામ કલા કૌશલતામાં તું વિરાજમાન છે,તું જ બ્રહ્મરૂ૫ ગુરૂના રૂ૫માં મુજ શિષ્યને જ્ઞાન, ભાષા અને સંતત્વ પ્રદાન કરે છે.

સદગુરૂને સમર્પિત ભાવે પ્રેમ કરવો તેમની બ્રહ્મભાવે પૂજા કરવી એ જ્ઞાન અને ભક્તિના માટે આવશ્યક છે.૫રમાત્મા પ્રત્યે જેવો ભાવ અને શ્રધ્ધા દિલમાં હોય છે તેવો જ ભાવ સદગુરૂ પ્રત્યે સાકાર બ્રહ્મ જાણીને કરવામાં આવે તે જ્ઞાન જ દ્રઢ થાય છે.

૫રમાત્માની જાણકારી ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેત્તા મહાત્માની કૃપાથી જ સંભવ છે કે સ્વંયમ્ જે ૫રમાત્માને જાણતા હોય,શરીરધારી સદગુરૂની કૃપા વિના બ્રહ્માનુભૂતિ સંભવ નથી.સંત નિરંકારી મિશન પ્રાચીન ગુરૂઓ,પીરો,પૈગમ્બરો,અવતારી પુરૂષોની શિક્ષાઓને પ્રેરણા સ્ત્રોત માને છે પરંતુ જ્ઞાન પ્રદાતા ફક્ત પ્રવર્તમાન સદગુરૂનો જ સ્વીકાર કરે છે.સદગુરૂ વસ્તુતઃ નિર્ગુણ બ્રહ્મની જ સગુણ સત્તા છે,જે એક શરીરના માધ્યમથી કાર્ય કરે છે.આદિકાળથી સદગુરૂ આ ધરતી ઉ૫ર અવતરીત થાય છે અને બ્રહ્મજ્ઞાનના માધ્યમથી  માનવમાત્રનો ઉધ્ધાર કરે છે.

સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે. પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે,પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.સર્વ શક્તિમાન પરમાત્માને અંગસંગ જાણ્યા બાદ જ અહમભાવ દૂર થાય છે,દાસ ભાવનાનો જન્મ થાય છે,નમ્રતા જીવનનું અંગ બને છે.કર્તાની જાણકારી પછી જ સંતુષ્ટિનો ભાવ આવે છે.

માનવ શરીર મળ્યા છતાં ૫ણ પ્રભુ દર્શન ન કરવા..જીભથી હરિના ગુણગાન ન કરવા..અહંકારનો ત્યાગ ન કરવો..સંતોના ચરણમાં નમસ્કાર ન કરવા અને સંતોના માધ્યમથી સદગુરૂ સુધી પહોચી શ્રધ્ધા વિનમ્રતાપૂર્વક આત્મજ્ઞાનના માટે પ્રશ્ન ન કરવો..દશમું દ્વારા(નિરાકાર બ્રહ્મ) નું જ્ઞાન પ્રાપ્ત ન કરવું અને તેને પ્રાપ્ત કરીને પોતાના મનથી તેનું ચિન્તન ન કરવું તથા બ્રહ્મભાવથી ગુરૂનું ધ્યાન ન કરવું…એ સંસારના સૌથી મોટા પાપ છે અને સૌથી મોટું પુણ્ય એ છે કે માનવ પોતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને અન્ય જીવોનું ૫ણ કલ્યાણ કરે.બ્રહ્મજ્ઞાનનું દાન આપનાર વ્યક્તિ સૌથી મોટી દાની છે.જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.જે વિશાળ પ્રભુનાં દર્શન કરીને દૂર થાય છે.આપણા અહંકારનું કારણ જીવભાવ છે જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.

     આ દ્રશ્યમાન જગતને બનાવનાર,ચલાવનાર અને વિનાશ કરનાર બ્રહ્મ નિરાકાર છે.એક પ્રભુ પરમાત્મા જ એકમાંથી અનેક બનીને સમગ્ર સૃષ્ટિને ચલાવી રહ્યા છે.પરબ્રહ્મ પરમાત્મા નિરાકાર અને જાણવા યોગ્ય છે.બ્રહ્મવેત્તાની કૃપાથી તેને માનવ શરીરમાં રહીને જાણી શકાય છે કેમકે બ્રહ્માનુભૂતિ જ મનુષ્ય યોનિની સાર્થકતા છે.પરબહ્મનું જ્ઞાન પ્રદાન કરનાર વિભૂતિને સદગુરૂ કહેવામાં આવે છે.

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા) તા.ગોધરા જી.પંચમહાલ

Sdp.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *