ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૭ મે ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન ઉમેદવારો કોઈ પણ જાતના ભય વગર શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા પરીક્ષા ચોરીને ડામી શકાય એ માટે પરીક્ષા કેન્દ્રો સંબંધે ચોક્કસ પ્રતિબંધો સૂચવતું જાહેરનામું જૂનાગઢ જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ શ્રી પી.જી.પટેલ દ્રારા બહાર પાડવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરમાં આગામી તા.૭મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં કુલ-૭૪ પરીક્ષા કેન્દ્રો પર ૨૧૦૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે.
આ દરમિયાન સવારના ૯-૦૦ થી બપોરના ૧૫ કલાક સુધી પરીક્ષા પ્રક્રિયા દરમિયાન નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટર વીસ્તારનાં કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠાં થવું નહિં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં,પરીક્ષા કેન્દ્રની આસપાસનાં ૨૦૦ મીટરના વિસ્તારમાં કોપીઇંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વયવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ –મશીન ધારકોએ તેમના કોપીંગ મશીન ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્તાવેજો કાગળોની નકલો કાઢવી નહીં. ઝેરોક્ષ મશીન બંધ રાખવા.
પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રના સંચાલકશ્રીઓ, ખંડ નિરીક્ષકો,વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવેલ છે. તે વોટરમેન, બેલમેન, કે જેઓ સક્ષમ અધિકારીશ્રીઓ દ્વારા ઓળખ પત્ર આપવામાં આવ્યા છે. તે ચકાસીને જ પ્રવેશ આપવાનો રહેશે.
પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ, શિક્ષકો, કેન્દ્ર સંચાલક, વહીવટી કર્મચારીઓ કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીશ્રીઓએ પ્રશ્નપત્રને લગતું કે પરીક્ષા સંબંધી ગેરરીતી ગણાય તેવી કોઇ પણ વસ્તુ અથવા ઇલેકટ્રોનીક આઇટમ જેવીકેમોબાઇ, ફોન, સ્માર્ટફોન, સ્માર્ટવોચ, બ્લુ ટુથ, ઇયરફોન, કેમેરા, લેપટોપ, ટેબલેટ, આઇપેડ, કુલપેડ, આઇફોન, પેજર, કેલ્ક્યુલેટર, પુસ્તક, ગાઇડ, ચાર્ટ,
કાપલી, ઝેરોક્ષ, માઇક્રો ઝેરોક્ષની નકલો પરીક્ષા સ્થળમાં લઇ જવા નહી કે તેનુ વહન કરવુ નહી કે કરવા મદદગારી કરવી નહી. તેમજ તેવી કોઇ પણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશવુ નહીં.
પરીક્ષા કેન્દ્રો(શાળા/કોલેજો) ખાતે પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ સ્ટાફ જેવા કે, કેન્દ્ર નિયામક, બોર્ડ પ્રતિનિધિ, ઇન્વીજીલેટર, સુપરવાઇઝર, સી.સી.ટી.વી ઓબ્ઝર્વર, કલાર્ક, પટ્ટાવાળા વગેરે તમામ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુ ટુથ, ઇલેકટ્રોનીક્સ, ગેઝેટ વગેરે તમામ સ્વીચ ઓફ કરીને કબાટમાં કે લોકરમાં મુકી દેવાના રહેશે અને પરીક્ષાના દિવસે પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી પરીક્ષા કેન્દ્ર ખાતેથી તેનો ઉપયોગ કરી શકાશે નહીં. આ બાબત સુનિશ્વિત કરવાની જવાબદારી કેન્દ્ર સંચાલક અને બોર્ડ પ્રતિનિધિની રહેશે.
પરીક્ષાર્થી ઉમેદવારોની શાન્તી અને લેખન કાર્યમાં અડચણ/ધ્યાનભંગ થાય તેવુ કૃત્ય કરવુ/કરાવવુ નહીં. આ હુકમ પોતાના અંગત ઉપયોગ માટે કોપીઇંગ મશીનનો વપરાશ કરતી વ્યકિતઓને તથા ફરજની રૂએ જે કર્મચારીઓને મુકિત આપવામાં આવી હોય, તેવી વ્યકિતઓને એકત્રિત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.