પાટણ
બિપરજાેય વાવાઝોડા બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જામ્યો છે. પાટણના રાધનપુર અને સાંતલપુરમાં અનરાધાર વરસાદ પડ્યો છે. છેલ્લા ૩ કલાકમાં રાધનપુર અને સાંતલપુરમાં ૩-૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા છ કલાકમાં ૫-૫ ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લાના સિદ્ધપુર, રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારની દુકાનોમાં પાણી ભરાયા છે. રાઘનપુરના બસ સ્ટેશનથી હાઇવે પરની દુકાનોમાં પાણી ભરાયા છે. જેના કારણે માલસામાનને નુકસાન થવાની શક્યતા છે.એટલું જ નહીં રાધનપુરના લાલ બાગ, મન્ડી ચોક સહિતના વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે. જ્યારે સાંતલપુર પંથકમાં ભારે પવનના કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે પવનના કારણે કેટલીક હોટલોના પતરા ઉડ્યા છે. તો અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પાટણ- હારીજ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. જેના કારણે એક તરફનો રસ્તો બંધ કરવાની પણ ફરજ પડી છે.


