રાજકોટ
રાજકોટમાં સરધાર પાસે આવેલા ખારચિયા ગામમાં વરસાદને કારણે ભારે નુકસાન થયુ છે. ભારે વરસાદમાં અનેક કાચા મકાનો પડ્યા હોવાના બનાવો બન્યા છે. ગામડાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાનો ગ્રામજનોનો દાવો છે. સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા એક ૭૫ વર્ષીય વૃદ્ધ તણાયા હતા. મહત્વનું છે કે સરધાર અને આસપાસના ગામોમાં ૧૦થી ૧૨ ઇંચ વરસાદ પડ્યો છે. જેને કારણે લોકોની ઘરવખરી અને માલઢોરને ભારે નુકશાન થયું છે. અનેક પશુઓના આ ઘટનામાં મોત થયા છે. પશુપાલકો અને ગરીબ લોકોને ભારે નુકસાન થયું છે. રાજ્ય સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટનો આજી-૧ ડેમ, ધોરાજી તાલુકાના ભૂખી ગામ નજીક આવેલો ભાદર-૨ ડેમ અને ન્યારી-૧ ડેમ ઓવરફ્લો થયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે.


