પાટણ
રવિવારે મોડી રાત્રે પાટણના સાંતલપુરની પોલીસે સરાહનીય કામગીરી કરી. મોડી રાત્રે ભારે વરસાદના કારણે એક કાર સાંતલપુરના રણમાં ફસાઇ ગઇ હતી. જે બાદ પોલીસની ટીમને જાણકારી મળતા તરત જ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને કારનું રેસ્ક્યુ કરીને એક પરિવારને બચાવી લીધો હતો. રાજસ્થાનના કુંભલગઢનો એક પરિવાર કચ્છના ધોળાવીરા ખાતે પ્રવાસે ગયો હતો, પરંતુ પ્રવાસથી પરત ફરતા દરમિયાન મોડી રાતે કાર રણમાં ફસાઇ ગઇ હતી. કાર ફસાઇ ગયા બાદ પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રેક્ટરની મદદથી કારને રણમાંથી બહાર કાઢી અને પરિવારને બચાવી લીધા મહત્વનું છે, જ્યારે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ પ્રકારનો પ્રવાસ જીવલેણ બની શકે છે. તેથી કોઇ પણ પ્રવાસનું આયોજન કરતા પહેલા ચોમાસાની સ્થિતિ જાણી લેવી.
