સુરત
સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મદિવસ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂર્યપુત્રી મા તાપી નદીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સુરતમાં કુરૂક્ષેત્ર ધામના પૂજયમોટા સૂર્યોદય ઘાટે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની હાજરીમાં પૂજા અર્ચના સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મા તાપી નદીને ૧૧૦૦ મીટરની ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. સૂર્યપુત્રી તાપી નદીનો જન્મદિવસ ૨૫ જૂનના દિવસે ઉજવવામાં આવે છે. એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે. તાપી નદીના તટે વસેલા સુરત શહેરના લોકોની આસ્થા તાપી નદી સાથે અતૂટ રીતે જાેડાયેલી છે. ભક્તિ ભાવપૂર્વક તાપી માતાનો જન્મ ઉત્સવ દબદબાભેર ઉજવાય છે. ત્યારે આજે ૨૫ જૂન અને અષાઢ સુદ સાતમના દિવસે સુરતમાં સૂર્યપુત્રી મા તાપી નદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સહિત કુરુક્ષેત્ર ટ્રસ્ટના અગ્રણીઓ અને સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે સૂર્યપુત્રી મા તાપી નદીના કિનારે વસેલા સુરત શહેરમાં કુરુક્ષેત્ર પવિત્ર સ્થાને મા તાપી માતાના જન્મદિવસ નિમિતે લોકોએ શ્રદ્ધા પૂર્વક પૂજા અર્ચના કરીને ચૂંદડી અર્પણ કરી. તાપી નદીના કિનારે વસેલું સુરત શહેર હમેંશા વિકસતું અને દબકતું રહ્યું છે. આફતને પણ અવસરમાં બદલે છે અને અનેક વર્ષોથી વસેલા આ સુરત શહેરને સુખ સમૃદ્ધિ અને શાંતિ મળી રહે તે માટે તાપી માતાના જન્મદિવસે પૂજા અર્ચના કરી.
