Gujarat

નાંદોદ તાલુકાના ગુવાર ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું કંકુતિલક કરીને રથનું ભવ્ય સ્વાગત કરાયું

કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ નર્મદા જિલ્લાના વંચિત આદિવાસી જનસમુદાય સુધી પહોંચે અને તેમની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવે તેવા ધ્યેયમંત્ર સાથે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથ ગામેગામ ભ્રમણ કરી રહ્યો છે. વિકસિત ભારતના સંકલ્પ સાથે શરૂ થયેલી આ યાત્રાનું શનિવારના રોજ નાંદોદ તાલુકાના ગુવાર ગામમાં આગમન થતા ગામની બાળાઓએ કંકુતિલક કરીને રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જે બાદ ગ્રામજનોએ રથના માધ્યમથી આરોગ્ય, શિક્ષણ, પોષણ, રોજગાર, ખેતી-પશુપાલન, નારી શક્તિ સહિત ગ્રામીણ વિકાસ સાથે દેશની ઉત્તરોતર પ્રગતિની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળી હતી.

આ વેળાએ તલાટીશ્રીએ સરપંચશ્રીને અભિલેખપત્ર અર્પણ કર્યું હતું. ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ સંદર્ભે ગામના જાગૃત નાગરિક નરેન્દ્રભાઈ બારોટે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, ગુવારના ગ્રામજનો જાગૃત છે અને ગ્રામસભા દ્વારા સમયાંતરે સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી ગ્રામજનોને આપવામાં આવે છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અમારા ગામમાં આવી પહોંચતા હવે વંચિત લાભાર્થીઓ પણ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ લઈને પોતાની જીવનશૈલીને બહેતર બનાવી શકશે. ગુવારના ગ્રામજનો દ્વારા ૦-૬ વર્ષના બાળકોના પોષણ અને આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આંગણવાડી કાર્યકર બહેનો બાળકોના પોષણસ્તરને સુધારવા સહિત સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોરીઓના સ્વાસ્થ્ય અને પોષણની જરૂરિયાતોની સંભાળ રાખવા સહિત માતાની પોષણક્ષમતામાં વધારો કરવા માટે સરાહનીય કામ કરી રહી છે. ગુવાર આંગણવાડી કેન્દ્રમાં સગર્ભા-ધાત્રી બહેનો, કિશોરી, બાળકોના પોષણસ્તરને સુધારવા માટે બાલશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ (ટીએચઆર) ના ફાયદાઓથી વાકેફ કરતા બેનરો થકી ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પૂરક પોષણ અને નિદર્શક ભોજનના સ્ટોલ સહિત આરોગ્ય કર્મીઓ દ્વારા બાળકોને પોલીયોના ટીપા પીવડાવીને સુરક્ષિત કરાયા હતા. આ તકે ગ્રામજનોએ પણ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. આંગણવાડી કેન્દ્ર ગુવાર ખાતે લાગેલા રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ અને આભા કાર્ડ બનાવી ડિજિટલ પ્લેટફોર્મ પર આવવાની સરળ સુવિધાઓથી વાકેફ કરતા બેનરો પ્રદર્શનીમાં લગાવી બાળકો-ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી નર્મદાના કર્મનિષ્ઠ કર્મચારીશ્રી રસિકભાઈ તડવીએ સરકારની ગૌરવવંતી વિકાસગાથા, સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ, કામગીરી તેમજ નાગરિકો માટેની અનેકવિધ આશીર્વાદ સમાન યોજનાઓને આવરી લેતી માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત સાહિત્ય ગુજરાત પાક્ષીકનું વિતરણ કરીને સરાહનીય કામગીરી કરી હતી. યાત્રા દરમિયાન ખેડૂતમિત્રોને અદ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વેળાએ ગુવારના ગ્રામજનો, આંગણવાડી વર્કરો, આશાવર્કરો, આરોગ્ય કર્મીઓએ ગુવારના વિકાસ થકી રાષ્ટ્રના વિકાસના વિકાસને સુનિશ્ચિત કરવાની સામુહિક શપથ લીધી હતી.

Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *