માતર, મહુધા, મહેમદાવાદ અને કપડવંજના ધારાસભ્યોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી સંલગ્ન અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવ્યું
***
જિલ્લા કલેકટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં તથા જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્ય ઓની ઉપસ્થિતીમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા તથા કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા દ્વારા તેમના વિસ્તારના વિકાસલક્ષી કામો સંદર્ભે વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલ માર્ગ અને મકાનના કામો, એસ. ટી બસોની નિયમિતતા, જમીન સંપાદન, સ્વચ્છતા, સિંચાઇના કામો, વીજ પુરવઠા અંગેના પ્રશ્નોના સંબધિત વિભાગના ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ઉત્તરો આપવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણી દ્વારા પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કલેક્ટરશ્રીએ તમામ અધિકારીઓને ધારાસભ્યોના સંકલનમાં રહી જિલ્લાના તમામ નાગરિકના હિત માટેની કાર્યવાહી કરવા અને સહકારાત્મક અભિગમ કેળવવા અપીલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, અધિક નિવાસી કલેક્ટર બી. એસ. પટેલ, પ્રાંત અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત જિલ્લાના અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.