રોડના રિસર્ફેસિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરની તાકીદ
બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, જરૂરિયાત મુજબ સાઇન બોર્ડ મુકવામાં આવે સાથોસાથ કલેક્ટરે નો એન્ટ્રીમાં ટ્રાફિકની નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી વધુ કડક કરવા સૂચના આપી હતી.
વધુમાં કલેક્ટરે ઉમેર્યુ હતું કે, રસ્તાઓના પેચવર્ક તેમજ રિસર્ફેસીંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવી તેમજ ગત બેઠકમાં આપવામાં આવેલા સૂચનો બાબતે પણ અધ્યક્ષસ્થાનેથી ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ચાવડાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એક્શન ટેકન રિપોર્ટ, અકસ્માતો થતાં હોય તે સ્થળોની તપાસ કરી યોગ્ય પગલાં લેવા, શાળાઓમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવા સહિતના અનેક મુદ્દાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. ઉક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક કિશોરભાઈ બળોલિયા, નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઈ પરમાર, બોટાદ પ્રાંત અધિકારી દિપકભાઈ સતાણી, બરવાળા પ્રાંત અધિકારી પરેશ પ્રજાપતિ સહિત સંબધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર