મકસુદ કારીગર,કઠલાલ
વાસદ ગ્રામપંચાયત તા. જી. આણંદમાં આવેલ પે-સેન્ટર કુમાર શાળામાં તારીખ 10/08/2023 ને ગુરુવારે “મેરી માટી મેરા દેશ” અંતર્ગત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત,અને ગ્રામપંચાયત ના સભ્યો જોડાયા હતા. વહીવટદાર એલ. બી. ગઢવી (વિસ્તરણ અધિકારી, તાલુકા પંચાયત આણંદ) તથા જિલ્લા પંચાયતના સભ્ય અલ્પાબેન કમલેશભાઈ પરમારે શીલાફલકમને ગ્રામજનો સમક્ષ ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ મારિયાબેને સૌ ગ્રામજનો તથા મહેમાનોને હાથમાં દેશની માટી તથા દીવડા લેવડાવીને પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવડાવી હતી. એ માટીને એક કળશમાં મૂકવામાં આવી હતી. આવેલ મહેમાનોએ વસુધાવંદન દરમ્યાન વૃક્ષોના રોપાઓ રોપ્યા હતા. સમગ્ર સભામાં એક્સ આર્મીમેનોની હાજરી ઊડીને આંખે વળગતી હતી. ભારત દેશના વીર સપૂત પરબતસિંહ એસ. રાઠોડ તેમજ રંગીતભાઈ કાળુભાઈ રાજનું વહીવટદાર ગઢવી તથા જિલ્લા પંચાયત સભ્ય અલ્પાબેને વીરોને વંદન કરીને પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું.
આજના આ શુભદિને રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. અંતમાં વહીવટદાર ગઢવીએ ગ્રામજનોને સંબોધ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું આયોજન વાસદ ગ્રામપંચાયત ના તલાટી કમ મંત્રી જેક્સનભાઈએ કર્યું હતું. આમ ચાલુ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવના રાષ્ટ્રીય કાર્યક્રમમાં એક વધુ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો.


