આ એક વ્યાપાર માટેની વ્યવસ્થા માત્ર નહી પરંતુ એક પ્રકારનો સામાજિક મેળાવડો પણ બની જાય છે
બોક્સ
પૂર્વ પટ્ટીના છોટાઉદેપુર,પંચમહાલ,દાહોદ જિલ્લાઓમાં અને મધ્ય પ્રદેશના સરહદી આદિવાસી જિલ્લાઓ માં સાપ્તાહિક હાટ ની એક સરખી પરંપરા સદીઓ થી ચાલી આવી છે.
છોટાઉદેપુર જિલ્લામાં ક્યાં કયા દિવસે હાટ ભરાય છે?
રવિવાર- પાનવડ, નસવાડી
સોમવાર- કવાંટ, તેજગઢ
બુધવાર- રંગપુર ( સઢલી )
ગુરૂવાર- દેહવાંટ, ભીખાપુરા
શુકવાર- ઝોઝ
શનિવાર- છોટાઉદેપુર
આદિવાસી સંસ્કૃતિ સાથે ઘણી વિવિધતા જોડાયેલી છે.જેમાં સાપ્તાહિક હાટ બજાર નો સમાવેશ થાય છે. આ સંસ્કૃતિમાં મેળાઓ નું પણ ખૂબ મહત્વ છે.હાટ બજારને આ મેળાઓ ના પૂર્વજ ગણી શકાય કારણ કે મેળો એટલે મોટા પાયે ભરાતો અને દૂર દૂર થી લોકોને આકર્ષતો હાટ બજાર.મેળો વર્ષમાં એક કે બે વાર ભરાય.હાટ દર સપ્તાહે ભરાય.આદિવાસી પૂર્વ પટ્ટીના જાહેર જીવનમાં હાટ અને મેળા,બંને ની ભરમાર છે.લગભગ પ્રત્યેક મોટા ગામમાં અઠવાડિયા ના એક નિશ્ચિત દિવસે હાટ ભરાવાની પરંપરા સ્થાપિત છે.છોટા ઉદેપુર આજે તો એક નાનકડું મહાનગર બની ગયું છે છતાંય એના એક ભાગમાં હાટ તો ભરાય જ છે.એટલે કે વિકાસ કે વ્યાપ વધે તેની સાથે આ પરંપરા ભૂસાતી નથી.
હાટ ની પરંપરા ક્યાર થી શરૂ થઈ એની ઇતિહાસમાં કોઈ વિગતો મળતી નથી.પરંતુ માત્ર આદિવાસી પંથકમાં નહિ પરંતુ તમામ ગ્રામીણ અંચલમાં અઠવાડિક હાટ ભરાતા આવ્યા છે.ચાર થાંભલા ખોડી અને ઉપર આવરણ રાખી જે દુકાન બનાવવામાં આવે અથવા ઘરના બહાર થી ખૂલે એવા એક રૂમમાં ઘર ઉપયોગી સાધન સામગ્રી રાખી વેચાણ કરવાની વ્યવસ્થા એ હાટડી કહેવામાં આવતી.એના પરથી હાટ શબ્દ ઉદભવ્યો હશે.ટુંકમાં હાટડીઓ નો સમૂહ એટલે હાટ.
પૂર્વ પટ્ટીના છોટાઉદેપુર,પંચમહાલ,દાહોદ જિલ્લાઓમાં અને મધ્ય પ્રદેશના સરહદી આદિવાસી જિલ્લાઓ માં સાપ્તાહિક હાટ ની એક સરખી પરંપરા સદીઓ થી ચાલી આવી છે.
ક્યારેક મોટાભાગના ગામડાઓ ખૂબ નાના નાના,વીસેક ઘરો અને માંડ સો બસો ની વસતી ધરાવતા હતા.ખેતી અને મજૂરીમાં થી જીવન જરૂરિયાતો લગભગ પૂરી થઈ જતી.આવા ગામોમાં દુકાનો લગભગ ન હતી અને વ્યાપાર કરવાની આવડત અને ફુરસદ,બંનેનો અભાવ હતો.
તે સમયે આવા અનેક ગામડાઓની વચ્ચે જે મોટા ગામો હતા ત્યાં દુકાનો આવેલી હતી.વાહન વ્યવહારના સાધનો હતા નહિ.લોકો ઘોડા કે ગાડા નો પ્રવાસ માટે ઉપયોગ કરતા અને દશ વીસ માઈલ નું અંતર તો ચાલીને કાપી નાંખતા.
આવા નાના ગામોના લોકોને એક જ સ્થળે જીવન ઉપયોગી અનાજ,કરિયાણું, મરી મસાલા,શાકભાજી, કાપડ,વસ્ત્રો,માટીના વાસણો,ખાદ્ય વાનગીઓ,બધું જ મળી રહે એ માટે હાટ ભરવાની પરંપરા શરૂ થઈ.ગામની એકાદ બે દુકાનોમાં મર્યાદિત ચીજ વસ્તુ મળે.પણ હાટ માં ગામ પરગામ થી વેપારીઓ આવે એટલે સોય થી ખેતીના સાધનો સુધી બધું મળી રહે.
બીજું કે પરિવહન ના સાધનો નો અભાવ હતો એટલે નાના ગામોના લોકોને રોજ રોજ ચીજ વસ્તુઓ ખરીદવા નજીકના મોટા ગામો સુધી જવાની ફુરસદ ના હોય.એટલે સાપ્તાહિક હાટ ની પરંપરા વિકસી.
અઠવાડિયામાં એક દિવસ ખેતી અને અન્ય વ્યસ્તતાઓ માં થી મુક્ત થઈ લોકો જરૂરી ખરીદી કરવા હાટ બજારમાં જવા લાવ્યા.
આ એક વ્યાપાર માટેની વ્યવસ્થા માત્ર ન હતી.પરંતુ એક પ્રકારનો સામાજિક મેળાવડો હતો.વિવિધ ગામોમાં વસતા કુટુંબીજનો હાટ માં આવે એટલા બધા સાથે હળવા મળવાનો અવસર મળે,એક બીજાના ખુશી ખબર ની આપલે થાય,યુવા સમુદાય ને એકબીજાને મળવાનો અવસર મળે અને નવા સંબંધોના સમીકરણ રચાય,આમ હાટ એક સામાજિક વ્યવસ્થા માટે આશીર્વાદ રૂપ વ્યવસ્થા છે.
તેની સાથે વધારાની કૃષિ ઉપજ અને ગ્રામીણ કારીગરોના ઉત્પાદન નું વેચાણ તેમાં થઈ શકે.
આજે શહેરોમાં મેગા મોલ બન્યા છે.આ પ્રાચીન હાટ એ મેગા મોલના પૂર્વજ જેવા હતા. હાટમાં એક દુકાનમાં તો નહીં પણ જુદી જુદી દુકાનોમાં પણ એક જ સ્થળે,જીવન જરૂરી અને મોજશોખનું પણ,લગભગ બધું જ મળી રહેતું.
પંચાયત જેવી પ્રશાસનિક વ્યવસ્થાઓ ના વિકાસ પછી હાટ બજારો શાસનિક સૂચનાઓ અને જાણકારીઓ મોટા સમૂહને એક જ જગ્યાએ આપવા માટેના કેન્દ્ર પણ બન્યા.
ખાસ કરીને ચુંટણી પ્રચાર માટે હાટ અગત્યના ગણાતા.આ ઉપરાંત કુટુંબ નિયોજન,નાની બચત,આરોગ્યની સૂચનાઓ ના પ્રચાર માટે તેનો ઉપયોગ થતો રહ્યો છે.તેની સાથે બેઠક ફી ની વસુલાતથી પંચાયતો ને આવક પણ થાય છે.
આમ,સાપ્તાહિક હાટ એ ગ્રામીણ જીવન,આદિવાસી પંથક સાથે વણાઈ ગયેલી અનિવાર્ય પરંપરા છે.
હાટ એ વિવિધ ગામોના લોકો માટેનો એક ગામમાં ઉજવાતો તહેવાર છે એવું કહીએ તો ખોટું ના ગણાય.
બોક્સ 1
મરચું – મસાલા તો હાટમાંથી જ ખરીદવાના !
આદિવાસી સમાજ મરચા મસાલા ખુલ્લા બજારમાં દુકાનો પરથી કદી ખરીદતા જ નથી હોતા. તેઓ તે ફક્ત અને ફક્ત હાટ બજારમાંથી જ તેમના વિશ્વાસુ વેપારીઓને ત્યાંથી ખરીદતા હોય છે. એકજ હાટમાં એક દિવસમાં ફક્ત મરચા મસાલાનો જ વેપાર એક લાખ રૂા ઉપરાંતનો થતો હોય છે.
બોક્સ 2
કવાંટમાં પહેલા એકલું હાટબજાર જ હતું
કવાટમાં પ્રારંભે એકલું હાટ બજાર જ ધમધમતું હતું. ગામમાં દુકાનો તો સાવ હતી જ નહીં. આજે દેખાતું કવાટનું બજાર એ પાછળથી વિક્સેલુ છે. કવાંટની જુની ઓળખ અહીંના હાટ બજાર છે. આર્થિક ઉપાર્જનનું હાટ મોટું કેન્દ્ર ગણાય છે. .
બોક્સ 3
હાટમાં મરચાતા ભજીયાતી પણ ઢગલીઓ
લીલા મરચાના ભજીયા હાટ બજારમાં આવતા પ્રત્યેક આદિવાસી ભાઇઓ અવશ્ય ખરીદતા હોય છે. આ ભજીયા વેચવાવાળા કાંટા પર તોલીને નહીં પણ આદિવાસીઓને ગમતી તેમની પધ્ધતિ પ્રમાણે ઢગલીઓ કરીને જ ભજીયા વેરો છે. એક હાટમાં ૩૦ થી ૪૦ હજાર રૂ.ના તો ફક્ત મરચાના ભજીયા જ વેચાઇ જાય છે !
બોક્સ 4
છોટાઉદેપુર જિલ્લામાં ક્યાં કયા દિવસે હાટ ભરાય છે?
રવિવાર- પાનવડ, નસવાડી
સોમવાર- કવાંટ, તેજગઢ
બુધવાર- રંગપુર ( સઢલી )
ગુરૂવાર- દેહવાંટ, ભીખાપુરા
શુકવાર- ઝોઝ
શનિવાર- છોટાઉદેપુર
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


