વિજળી પડતા ઇજાગ્રસ્તને પ્રથમ પાનવડ CHC ત્યાંથી છોટાઉદેપુર રીફર કરાયો!
કવાંટ તાલુકામાં સમી સાંજે અચાનક વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા નાની ટોકરી ગામે એક આદિવાસી યુવાન પશુઓ ચરાવવા માટે ગયો હતો ત્યારે તેના પર વિજળી પડી હતી. જેને પાનવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાયો હતો. વધુ સારવાર માટે છોટાઉદેપુર દવાખાને રીફર કરાતા ત્યાં ગંભીર અવસ્થામાં તેઓ સારવાર લઈ રહ્યા છે. સદર ઘટના સાંજે 5:00 વાગે બની હતી.
કવાંટ તાલુકાના નાની ટોકરી ગામના સુરજીભાઈ ઉં.વ. 48) પોતાના ઘરેથી બકરા ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા. સમી સાંજે અચાનક વિજળીના કડાકા ભડાકા થયા હતા અને વરસાદ પણ પડ્યો હતો. તે દરમિયાન સુરજીભાઈ પર આકાશી વિજળી પડી હતી. જેને પગલે તેઓના શરીરે ગંભીર ઇજાઓ થતા તુરત જ પાનવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. કવાટ તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રશાંત વણકર ઇજાગ્રસ્ત ની દેખરેખ માટે મોનિટરિંગ કરી રહ્યા હતા. વિજળી પડવાને પગલે સુરજીભાઈ બેહોશ થઈ ગયા હતા. પાનવડ ખાતે તેઓને સારું ન થતા વધુ સારવાર અર્થે છોટાઉદેપુર મેડીટોપ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા. બનાવ અંગે સ્થાનિક પંચાયતના તલાટી કમ મંત્રી રમેશભાઈ બારીયાએ મામલતદાર ઓફિસમાં રિપોર્ટ કરી નાની ટોકરી ગામે આદિવાસી યુવાન પર વીજળી પડવાની ઘટના બની હોવાની જાણકારી આપી હતી.સદર ઘટનાની વિગત કવાંટ મામલતદાર કચેરીના ડિઝાસ્ટર વિભાગના આપી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


