દિલ્હી
છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં ૨ લાખ ૭૫ હજારથી વધુ બાળકો ગુમ થયા છે. ગુમ થયેલા બાળકોમાં ૨ લાખ, ૧૨ હજાર છોકરીઓ છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગયા અઠવાડિયે લોકસભામાં આ માહિતી આપી હતી. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં રજૂ કરેલા આંકડાઓ અનુસાર, ૨૦૧૮થી જૂન ૨૦૨૩ સુધીમાં કુલ ૨,૭૫,૧૨૫ બાળકો ગુમ થયા છે, જેમાંથી ૨,૧૨,૮૨૫ છોકરીઓ છે. લોકસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ૨ લાખ, ૪૦ હજાર (૨,૪૦,૫૦૨) બાળકો શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાંથી ૧,૭૩,૭૮૬ (૧.૭૩ લાખ) છોકરીઓ છે. સ્મૃતિ ઈરાનીએ એક લેખિત જવાબમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારની ચાઈલ્ડ હેલ્પલાઈન ગુમ થયેલા બાળકોને શોધવા માટે દેશભરમાં કામ કરી રહી છે. ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે એક ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ પણ છે. મધ્યપ્રદેશમાંથી સૌથી વધુ બાળકો ગુમ થયા છે. મધ્યપ્રદેશમાં ગુમ થયેલા બાળકોની સંખ્યા ૬૧ હજારથી વધુ છે. ગુમ થયેલા બાળકોના મામલામાં પશ્ચિમ બંગાળ બીજા નંબરે છે. આ રાજ્યના ૪૯ હજારથી વધુ બાળકો ગુમ છે. રિપોર્ટ અનુસાર, સાત રાજ્યો મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, દિલ્હી અને છત્તીસગઢમાં સૌથી વધુ બાળકો ગુમ થાય છે. આ રાજ્યોમાં ગુમ થયેલા બાળકોની કુલ સંખ્યા ૨ લાખ, ૧૪ હજાર, ૬૬૪ છે. એટલે કે કુલ ગુમ થયેલા બાળકોમાંથી ૭૮ ટકા આ સાત રાજ્યોના છે.
