આદિવાસી સમાજની સંસ્કૃતિ ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા દર વર્ષે તા. ૯ મી ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા રાજ્ય સરકાર દ્વારા આ દિવસે આયોજન કરવામાં આવે છે. આજે રાજ્ય સહિત સમગ્ર દેશમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના છેવાડે આવેલા છોટાઉદેપુર જિલ્લાનાં કવાંટ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કવાંટ તાલુકા ખાતે આદિવાસી સમુદાય દ્વારા મોટી સંખ્યામાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
કવાંટ સૈડીવાસણ બિરસા મુંડા સર્કલ પાસે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને કવાંટ નગરની અંદર રેલીઓ યોજીને આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી અને કવાંટના બિરસામુંડા સર્કલ જય જોહર, જય આદિવાસી ના નારા થી ગુંજી ઉઠ્યું હતું.
કવાંટ તાલુકામાં આદિવાસી સમુદાય દ્વારા આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે ડીજે તેમજ સાંસ્કૃતિક પરંપરાગત વાજિંત્રો, આદિવાસી નૃત્ય તેમજ આદિવાસી વેશભૂષા સાથે આદિવાસી પરંપરાગત વાદ્યો જેવાકે તુર,માદળ,પેપા, તારપા તથા આદિવાસી ઓના હળ, છટકો, દાંતરડું, સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજની જનમેદની ઉમટી પડી હતી અને ધામધૂમ પૂર્વક આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આજના આ કાર્યક્રમમાં જેતપુરપાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, ટ્રાયફેડના ચેરમેન રામસિંગ રાઠવા, જિલ્લા પ્રમુખ મલકાબેન પટેલ , કવાંટ આદીવાસી સમાજના અગ્રણી વિજયભાઈ રાઠવા, જેતપુરપાવી, કવાંટ તાલુકાના પ્રમુખો, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


