બોડેલી માં એક સપ્તાહ વરસાદની જમાવટ બાદ આજે ઉઘાડ નીકળ્યો હતો. આકાશમાં વરસાદી વાદળો આચ્છાદિત હતા. તે વચ્ચે અચાનક આકાશ ખુલ્લું થઇ ગયું હતું.બપોરે 12 વાગ્યે સૂરજદાદાએ દર્શન દીધા હતા. વરસાદી વાતાવરણ સમેટાતા બજારોમાં લોકોની ચહલ પહલ સૂચક જણાતી હતી.ખેડૂતો બિયારણ, ખાતર, જંતુનાશકો લેવા બજારોમાં ધસી આવ્યા હતા.
છેલ્લા વરસાદથી જિલ્લાની ધરા પાણીથી સંતૃપ્ત થઇ છે.વરસાદે ખમૈયા કરતાં ખેડૂતો વાવેતર કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે.
જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર બોડેલી, સંખેડા તાલુકાનો કેટલોક ભાગ ભીંજવે છે.સુખી સિંચાઇથી કેટલાક વિસ્તારમાં પિયતથી શિયાળુ,ઉનાળુ ખેતી શક્ય બને છે.પરંતુ કવાંટ, છોટાઉદેપુર, નસવાડી, જેતપુરપાવી વિસ્તારમાં સિંચાઇ લગભગ ના બરાબર છે.ત્યારે આવા વિસ્તારોમાં કુદરત નિર્ભર એટલેકે વરસાદ આધારિત ખેતીનો જ મહિમા છે. આ ખેડૂતો પૈકી ઘણા ડુંગરો પર પણ ખેતી કરે છે.જ્યાં સિંચાઇ સગવડ નથી મળતી તેઓ ચામાસુ ખેતી કરી મળતા ધાન પણ પોતાના ઘરને ખાવા ઉપયોગમાં લેતા હોય છે.અત્યારે આવા કિસાનોની બજારોમાં નોંધપાત્ર દોડાદોડ જોવાય છે.ઉઘાડ નીકળતા જ ખેતીવાડીના સામાન, હળપાટ, કરબડી, બળદગાડા માટેનો સરંજામ એકઠો કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ઉઘાડ નીકળતાંજ ખેતરોમાં ચાસ પાડવા, બીજ વાવેતરનો તબક્કો પણ શરૂ થઈ ગયો છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


