Gujarat

અજામિલની કથા

દૃષ્ટાંત વગર સિદ્ધાંત બુદ્ધિમાં ઠસતો નથી. “નામ” ના મહિમાના સંબંધમાં અજામિલની કથા કહી છે. અજામિલ અધમ હતો,માયામાં મળી ગયો હતો પણ ભગવાનના નામનો આશ્રય કરી કૃતાર્થ થયો. આપણે બધા અજામિલ જેવા જ છીએ.આ જીવ માયામાં ફસાયો છે.ભોજનમાં માયા છે.કેટલાક જીવ ભોજનની માયામાં ફસાયેલા હોય છે તેમને અથાણાં પાપડ વગર ચાલતું નથી.કામસુખમાં માયા છે.કેટલાકનું મન કામસુખમાં ફસાયેલું હોય છે,તેમને કામસુખ પ્રત્યે ધૃણા આવતી નથી.પૈસામાં માયા છે.લાખ મળે કે કરોડ મળે પણ મનુષ્યને એવી ઈચ્છા થતી નથી કે હવે એક પૈસો પણ ન મળે.સ્થાનમાં માયા છે.કોઈ મકાનમાં બે ચાર વર્ષ રહે તો પછી તે મકાન છોડવું ગમતું નથી આવી તો અનેક માયા આસપાસ છે, સ્ત્રીની, પુત્રની, પુત્રના પુત્રની વગેરે.. જીવ માયા સાથે મળી જાય છે તેથી તે દુઃખી થાય છે. જીવ ઈશ્વર સાથે મળી જાય તો સુખી થાય.

માયા જ્યાં જઈએ ત્યાં સાથે આવે છે.કોલસાની ખાણમાં ઉતરે અને હાથ ચોખ્ખા રહે તે અશક્ય છે. સંસારમાં માયાના સંસર્ગમાં આવવું જ પડે છે.આ સંસાર માયામય છે.સંસારમાં માયા વિના કોઈ કામ થતું નથી. માયાનો ઉપયોગ કરો પણ સ્વરૂપને ન ભૂલો.માયાને આધીન ન બનો.જે માયાને આધીન છે તેને માયા ત્રાસ આપે છે પણ જે માયાનો વિવેકથી ઉપયોગ કરે છે તેને માયા મદદ કરે છે. માયા એ અગ્નિ જેવી છે.અગ્નિને કોઈ હાથમાં લેતું નથી પણ ચીપિયાથી અગ્નિને ઉપાડે છે તેવી જ રીતે માયાને વિવિકરૂપી ચીપિયાથી જ પકડવાની છે.વિવેકથી તેનો ઉપયોગ કરવાનો છે.વિવેક એટલે “હું પરમાત્માનો દાસ છું” એમ માનીને માયાના દાસ થવાનું નથી, તે માયા ખરાબ નથી પણ જીવ જયારે માયાનો દાસ બને છે ત્યારે માયા તેને રડાવે છે મારે છે.

માયા આપણી પાછળ ન પડે તેનાથી બચવાનું છે અને ઈશ્વરની પાછળ પડવાનું છે.માયાને સ્પર્શ કરતા સાવધાન રહેવાનું છે,સંસારમાં રહી માયાનો ત્યાગ કરવો તે ખુબ જ અઘરો છે,અશક્ય છે.સંસારમાંથી જેનું મન હટી જાય તેનું મન માયામાંથી હટી જાય છે.જેવી રીતે અજામિલ કૃતાર્થ થયો હતો તેમ જીવ નામસ્મરણથી કૃતાર્થ થાય છે.

અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં રહેતો હતો.અજા=માયા, માયામાં ફસાયેલો જીવ તે અજામિલ.અજામિલ અનેક પ્રકારનાં પાપો કરી ગુજરાન ચલાવે છે.આ જ અજામિલ ૨૦ વર્ષનો હતો ત્યાં સુધી તો સંધ્યા ગાયત્રી કરતો,મંત્રવેતા,પવિત્ર અને સદાચારી હતો.પણ એક વાર તે જંગલમાં દુર્વા-તુલસી લેવા ગયો હતો.ત્યારે રસ્તામાં એક શૂદ્રને વેશ્યા સાથે કામક્રીડા કરતો જોયો.વેશ્યાનું રૂપ અને દૃશ્ય જોઈને અજામિલ કામવશ થયો-કામાંધ થયો. વેશ્યાને જોવાથી તેનું મન બગડ્યું.

અજામિલ બ્રાહ્મણનો દીકરો હતો,સંધ્યા ગાયત્રી કરતો હતો પણ એકવાર વેશ્યાને જોવાથી તેનું મન બગડ્યું તો આજકાલ દર રવિવારે ફિલ્મ જોવા જતાં કે દરરોજ ટી.વી. પર ફિલ્મો જોનારના મનની શી હાલત હશે ? ઘણા તો બાળકો ને પણ ફિલ્મ જોવા સાથે લઇ જાય કે ટી,વી. પર બાળકો સાથે આખો દિવસ બેસી રહે છે. “અમારું તો બગડ્યું ભલે તારું પણ બગડે”

પાપ સહુથી પહેલું આંખથી આવે છે તે મનને બગાડે છે મન બગડે એટલે જીવન બગડે અને પછી નામ બગડે.રાવણ બહુ બળવાન ભણેલો હતો પણ તેની આંખ બગડેલી હતી તેથી તેનું જીવન બગડ્યું અને નામ બગડ્યું. પતનનો પ્રારંભ આંખથી થાય છે અને ભક્તિની શરૂઆત પણ આંખથી થાય છે.

અજામિલ વેશ્યામાં આસક્ત બન્યો.ઘરનું બધું ધન તે વેશ્યાને આપવા લાગ્યો.અને માત-પિતાના મરણ પછી વેશ્યાને સમજાવી પોતાના ઘરમાં લઇ આવ્યો.તે પાપાચાર કરવા લાગ્યો. ચોરી, જુગાર,છળકપટ કરવા લાગ્યો.

એક દિવસ કેટલાક સાધુઓ ફરતા ફરતા અજામિલને ઘેર આવ્યા.અજામિલ ઘેર ન હતો. વેશ્યા એ વિચાર્યું કે મેં ઘણા પાપો કર્યા છે આજે તો સંતોને ભોજન કરાવું તેણે સંતોને સીધું સામગ્રી આપ્યા છે. સાધુઓ જાણતા નહોતા કે આ વેશ્યા છે.ભોજન કર્યા પછી સાધુઓને ખબર પડી દુઃખ થયું પણ સાચા સાધુ જેના ઘરનું જમે છે તેનું કલ્યાણ કર્યા વગર જતા નથી.

અજામિલ ઘેર આવ્યો.વેશ્યાના કહેવાથી તેણે સાધુઓને વંદન કર્યા.સાધુઓને ઈચ્છા હતી કે અજામિલ બ્રાહ્મણ હોવા છતાં પાપો કરે છે તે છોડી દે તો તેનું કલ્યાણ થાય અને તેનું જીવન સુધરે. માબાપની સંતાન પર પ્રીતિ હોય છે સાધુઓએ જોયું કે વેશ્યા સગર્ભા છે.પુત્ર જન્મે અને તે પુત્રનું નામ જો નારાયણ રાખે તો તે નિમિત્તથી તે પ્રભુનું નામ લેશે. તેનું પાપ ઓછું થશે અને તેનું કલ્યાણ થશે.

સાધુઓએ કહ્યું તમારાં પુત્રનું નામ નારાયણ રાખજો એ અમારી દક્ષિણા છે.

બાળકોના નામ એવું રાખો કે જેથી સાંભળનારને કંઈક પ્રેરણા મળે. પુત્રના નામ ઉપરથી માબાપના સ્વભાવ અને બુદ્ધિની ખબર પડે છે. આજકાલ લોકો માને છે કે જુનું બધું ખરાબ છે જુનાં નામ તેમણે ગમતાં નથી.કહેશે કે અમે નવું શોધી કાઢ્યું છે. નવું કાંઇક સારું લાગે તો ભલે વિવેકથી ગ્રહણ કરો પણ આપણા ધર્મને જુનો હલકો ગણશો નહિ. આપણો સનાતન ધર્મ શ્રેષ્ઠ છે. સૃષ્ટિના આદિકાળથી આ ધર્મ ચાલ્યો આવે છે.આપણો જુનો ધર્મ હલકો નથી.

અજામિલને ત્યાં પુત્ર થયો.અને તેનું નામ નારાયણ રાખ્યું છે. અજામિલને પુત્ર પ્રતિ અતિશય પ્રેમ છે.વારંવાર તેને તેનું નામ નારાયણ નારાયણ કહી બોલાવે છે.અજામિલે બહુ પાપ કર્યું હતું,તેનું બાર વર્ષનું આયુષ્ય બાકી હતું તેમ છતાં યમદૂતો તેને લેવા આવ્યા છે.મૃત્યુકાળ નજીક આવ્યો અને યમદૂતોને જોઈ અજામિલ ગભરાયો છે. ગભરાટમાં અને ગભરાટમાં પોતાના પુત્ર નારાયણમાં તે અતિ આસક્ત એટલે બોલવા લાગ્યો નારાયણ-નારાયણ રોજની આદત પ્રમાણે અજામિલ નારાયણ-નારાયણ એમ બે વાર બોલ્યો.તેનો દીકરો તો ત્યાં આવ્યો નહિ. પણ વૈકુંઠલોકમાંથી ભગવાનના પાર્ષદો-વિષ્ણુદૂતો ત્યાં આવ્યા છે અને યમદૂતોને કહે છે આને છોડી દો.

યમદૂતો કહે છે કે આ બ્રાહ્મણનો પુત્ર છે પણ તેણે હિંસા ,ચોરી વ્યભિચાર વગેરે અનેક પાપ કર્યા છે એટલે યમરાજાની આજ્ઞાથી અમે તેને પકડવા આવ્યા છીએ.

વિષ્ણુદૂતોએ કહ્યું તમારી વાત સાચી છે પણ તેણે ભગવાનનું નામ લઇ પોતાના પાપનું પ્રાયશ્ચિત કર્યું છે.તેનાં થોડાં પાપ બળી ગયાં છે. હવે તેને જીવવા દો,તેના આયુષ્યના બાર વર્ષ હજુ બાકી છે.

યમદૂતો કહે છે તેના પુત્રનું નામ નારાયણ છે તેને તે નામ દઈ બોલાવતો હતો,વૈકુંઠવાસી નારાયણને નહિ.

વિષ્ણુદૂતો કહે છે અજાણતાં પણ તેના મુખમાંથી પ્રભુનું નામ નીકળ્યું છે.જ્ઞાન હોય કે અજ્ઞાન હોય,પણ વસ્તુ-શક્તિ કામ કરે છે. અજાણતાં પણ અગ્નિ પર પગ પડે તો પગ દાઝે છે તેમ અજાણતાં ભગવાન નું નામ લેવાથી કલ્યાણ થાય છે.

મહાત્માઓ આ વાત જાણે છે કે સંકેતથી,પરિહાસથી (મશ્કરીમાં),તાનનો આલાપ લેવામાં અથવા કોઈની અવહેલના કરવામાં પણ જો કોઈ ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે તો તેનાં પાપ નષ્ટ થાય છે.જો મનુષ્ય લપસે અને પડે ત્યારે,અંગભંગ થાય ત્યારે (મૃત્યુ વેળાએ),સાપ ડંસે ત્યારે,ચોટ લાગે ત્યારે, તાવ-દાહ થાય ત્યારે-વગેરે સમયે વિવશતાથી “હરિ-હરિ” નામનું ઉચ્ચારણ કરે-છે-તે નરકની યાતનાને પાત્ર રહેતો નથી.

અતિ ઉતાવળમાં કોઈ ભોજન કરે તો તેને ભોજનમાં સ્વાદ આવતો નથી પણ તે ભોજન ભુખને તો મારે છે.તેમ વ્યગ્ર ચિત્તથી કરેલું ભજન પાપને તો બાળે જ છે. એકાગ્ર ચિત્તથી કરેલ જપથી આનંદ મળે છે.સાવધાન થઇ એકાગ્ર ચિત્તથી જપ કરવાનું ઉત્તમ છે પણ- શાંત મન ન હોય તે છતાં જપ કરો તો લાભ તો થાય જ છે.

ઘણાં ઠોકર વાગે તો હાય-હાય કરે છે.કંઈક નુકસાન થાય તો હાય-હાય કરે છે. પણ હાય-હાય ને બદલે હરિ-હરિ કરો ને !!

ઘરમાં કાંઇક નુકશાન થાય તો માનો કે ઘરમાં કંઈક અધર્મનું આવ્યું હશે તેનો નિકાલ થયો, સડો બહાર નીકળ્યો. ઘરમાં દૂધ ઉભરાય તો માતાજીઓ હાય-હાય કરે છે. ઉપરની મલાઈ જતી રહી.(ભલે મલાઈ ગઈ તું તો નથી ગઈ ને ?) હાય-હાય કરે શું વળવાનું હતું ? તેને બદલે હરિ હરિ કહો. હરિ-હરિ બોલતાં અગ્નિમાં આહુતિ અપાઈ જશે. અને યજ્ઞ કર્યાનું પુણ્ય મળશે. બાકી કોઈ અગ્નિમાં આહુતિ આપવાના નથી.

હાયમાં થોડો ફેરફાર કરી હરિ કહો. અનાયાસે નામ-સ્મરણ થશે.હરિના જાપ થશે.વાલ્મીકિ રામાયણમાં લખ્યું છે: મૃતાત્મા પાછળ લોકો બહુ હાય હાય કરે છે.તો તેનું દુઃખ મૃતાત્માને થાય છે.

જો હરિનું સ્મરણ કરે તો તેનું પુણ્ય મૃતાત્માને મળે છે.

વિષ્ણુદૂતો યમદૂતોને કહે છે કે અજામિલનું બાર વર્ષનું આયુષ્ય બાકી છે તે તેને ભોગવવા દો. તે હવે સુધરશે.આમ વિષ્ણુદૂતોએ અજામિલને યમદૂતોના પાશમાંથી છોડાવ્યો.તેનો ઉદ્ધાર થયો.

આયુષ્ય બાકી હોય અને મૃત્યુ આવે તે અપમૃત્યુ. આયુષ્ય પૂરું થાય તે પછી મૃત્યુ આવે તે મહામૃત્યુ.મહામૃત્યુ ટળતું નથી. પાપકર્મોને લીધે આવેલું અપમૃત્યુ ટળી શકે છે.અજામિલનું મૃત્યુ તેથી ટળ્યું.

અજામિલે આ બધું પથારીમાં પડ્યો પડ્યો સાંભળતો હતો. વિચારે છે-“યમદૂતો મને મારવાના હતા પણ નારાયણના નામ સ્મરણે મને બચાવ્યો.હવે હું આ મંદવાડમાંથી ઉઠીશ તો મારું બાકીનું જીવન પરમાત્માને અર્પણ કરીશ” અતિ પાપીને પણ પશ્ચાતાપ થાય તો તેના જીવનમાં પલટાવો આવે છે.તે સુધરી જાય છે.હૃદયથી પાપનો પસ્તાવો થાય તો પાપ બળે છે પણ પ્રાયશ્ચિત ચિત્તને શુદ્ધ કરે છે.

અજામિલ સર્વ છોડી ગંગાકિનારે આવી, ભગવત સ્મરણમાં લીન બન્યો છે.આખો દિવસ જપ કરે છે.

જગતમાં જે ભગવાન માટે જીવે છે તેને માન મળે છે તેને માટે વિમાન આવે છે. (વિશિષ્ટ માન=વિમાન) અતિ પાપીનો પણ ભગવાન ના નામથી ઉદ્ધાર થાય છે. અજામિલ ભગવાનના ધામમાં ગયો છે.

ભક્તિમાં જીભ મુખ્ય છે.જીભમાં પરમાત્મા નું નામ સ્થિર થાય તો જીભ સુધરે છે. જીભને સમજાવો તો જીભ સુધરે છે.આપણી લૂલી (જીભ) શીખંડ માગે તો તેને કડવા લીંબડાનો રસ આપો. જીભને કહો કે તું વ્યર્થ ભાષણ કરે છે નકામી ટકટક કરે છે.ભગવાનનું નામ લેતી નથી તેની આ સજા છે તો જીભ રામનામ પર ચડી જશે. ઓછું બોલવાથી અને સાત્વિક આહારથી જીભ ધીરે ધીરે સુધરે છે. જીવન સુધરે છે.

ભગવદભક્તિ કરનારને આ લોકમાં અને પરલોકમાં માન મળે છે.ભગવદભક્તિ ભગવાનના નામનો આશ્રય કરનાર અજામિલ ભગવાનના ધામમાં ગયો છે. અજામિલ તરી ગયો છે.પહેલાં અજામિલ ના “અજા” શબ્દ નો અર્થ માયા કરેલો. પણ અજામિલે હવે પ્રભુના નામનો આશ્રય કર્યો એટલે હવે અજ- શબ્દનો અર્થ કર્યો છે: બ્રહ્મ..અજામિલ આજે અજ (બ્રહ્મ) સાથે મળી બ્રહ્મરૂપ થયો છે. આજે જીવ અને શિવ એક થયા છે.

વિનોદભાઈ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *