ગ્રામજનો સહિત આજુબાજુના વિસ્તારના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો
બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામે પ્રાથમિક શાળામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્હાદપુરાના ગ્રામજનો અને બોડેલી લાઈવ સંયુક્ત ઉપક્રમે સદર રક્તદાન કેમ્પ યોજાયો હતો.અલ્હાદપુરા ગામ સહિત તાલુકા અને આજુબાજુના વિસ્તારના યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
ગત વર્ષે અલ્હાદપુરાના વીર શહીદ તુલસીભાઈ બારીયાની યાદમાં પહેલી વખત રક્તદાન શિબિર યોજાઈ હતી. અલ્હાદપુરાની ભૂમિ ત્યાગ, તપસ્યા, બલિદાન માટે જાણીતી છે. સ્વર્ગસ્થ તુલસીભાઈ બારીયા બોર્ડર ઉપર ફરજ બજાવવા દરમિયાન વીરગતિ પામ્યા હતા. તેમનું સ્મારક પણ અલ્હાદપુરા મહાદેવ મંદિરની બાજુમાં બનાવાયેલું છે. આ ગામના નવ યુવાનોમાં તુલસીભાઈ બારીયાએ નવી ચેતના અને દેશપ્રેમનો સંચાર કર્યો છે. તેનાથી પ્રેરિત થઈ યુવાનોએ રક્તદાન કરી માનવજાત ને મદદરૂપ થવા સેવા યજ્ઞ જેને માનવતાનો યજ્ઞ પણ કહી શકાય તેવી પ્રેરક કામગીરી નો આરંભ કર્યો હતો.
ચાલુ વર્ષે તા.14 જુન 2023 ના રોજ વિશ્વ રક્તદાતા દિવસના અવસરે અલ્હાદપુરાના ગ્રામજનો અને બોડેલી લાઈવના સંયુક્ત ઉપક્રમે ઈન્દુ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. સવારે આઠ વાગ્યાથી સાંજ સુધી આ કેમ્પમાં અલ્હાદપુરાના નવ યુવાનો, બોડેલી તાલુકા અને આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રક્ત દાતાઓ ઉમટી પડી રક્તદાનનો લાભ લીધો હતો.
બોક્સ 1
ગત વર્ષે અમર જવાન શહીદ તુલસીભાઇ બારીયાની યાદમાં પહેલો બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો: આ વર્ષે તે પરંપરા વિશ્વ રક્તદાતા દિવસે ચાલુ રાખી છે
– વિનોદભાઇ સોલંકી, મુ.અલ્હાદપુરા
ગઈ સાલ ગ્રામજનો દ્વારા અમર શહીદ જવાન તુલસીભાઈ બારીયાના સ્મરણાર્થે સર્વ પ્રથમ વખત રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ વખતે પણ સતત બીજા વર્ષે વિશ્વ રક્તદાતા દિવસના અવસરે બોડેલી લાઈવના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર નવ યુવાનોએ સફળતાપૂર્વક યોજેલ છે. અમો સૌ રક્તદાતાનો આભાર વ્યક્ત કરીએ છીએ.
બોક્સ 2
‘રક્તદાન એ જ મહાદાન છે’ એ વાત અમને સમજાતાં અમે સૌ ગ્રામજનોએ ભેગા મળી ફરી એક વખત આ શિબિર યોજી
– રમેશભાઈ બલુભાઈ બારીયા, સરપંચ: અલ્હાદપુરા
અલ્હાદપુરાના નાગરિકો ખાસ કરીને નવ યુવાનોમાં શહીદ તુલસીભાઈ બારીયા એ દેશ પ્રેમ અને નવી જાગૃતિ નો સંચાર કર્યો છે. નવ યુવાનોને એ વાત સમજમાં આવી છે કે, રક્તદાન એ જ આ દુનિયામાં સૌથી મહાન કાર્ય છે. એથી જ ગ્રામજનોએ ગત વર્ષની જેમ ફરી એક વખત ગામમાં આ માનવતાનો યજ્ઞ એટલેકે રક્તદાન શિબિર યોજી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર