Gujarat

વારલી પેન્ટિંગના શોખને પૂરો કરવા કોમ્પુટરની કેરિયર છોડી વારલી ચિત્ર દોરે છે અર્ચના રાઠવા

૭ ઓગસ્ટના રોજ ઇન્ડેક્ષ-સી દ્વારા તેમને રાજ્ય કક્ષાનો પારિતોષિક એનાયત થવાનો છે.
આજે એક એવી મહિલાની વાત કરવી છે જેને પોતાના લગ્નને દિવસે જ પોતાની કલા વિકસાવવાની પ્રેરણા મળી. તેમના લગ્નમાં તેમણે વારલી પેન્ટિંગ જોયું, અને ત્યારથી નક્કી કર્યું કે તેઓ આ પેન્ટિંગ શીખશે. અર્ચના મિલનભાઈ રાઠવા છોટાઉદેપુરના ગુરુકૃપા સોસાયટીમાં રહે છે. આઈટીમાં ડીપ્લોમાં કરીને અર્ચનાબેને પોતાના બાળપણના શોખને વિકસાવવા વારલી પેઈન્ટીંગને એકડે એકથી શીખવાનું શરુ કર્યું અને હવે વ્યવસાય તરીકે તેમના પતિની મદદથી ચિત્રો દોરી પોતાનું ઘર ચલાવે છે. વારલી ચિત્રકળા એ મહારાષ્ટ્રના વારલી જાતિના આદિવાસી સમુદાયે વિકસાવેલી છે, ખાસ કરીને નવસારી, તાપી, ડાંગ, પાલઘર જેવા વિસ્તારમાં વધારે પ્રચલિત છે. કોઈપણ આદિવાસી કળા પ્રકૃતિ સાથે જોડાયેલી હોય છે. જેમાં ઝાડ, જંગલ અને જમીનને સાચવવાનો એક મેસેજ હોય છે. વારલી પેન્ટિંગમાં પણ પ્રકૃતિના જતન અને આદિવાસી સમુદાયની રહેણીકરણી પ્રદર્શિત થતી હોય છે. સામુદાયિક રીત-રીવાજો, તર્ર્પા નૃત્ય અને સામાજિક પ્રસંગો આ ચિત્રોમાં વણી લેવામાં આવે છે. સદીઓ પહેલા રોજની દિનચર્યા પત્થરો પર રજુ કરી આ જાતિ પોતાના જીવન વિષેના ડોક્યુમેન્ટેશનને આ રીતે સ્ટોર કરતા હતા. જેમાં ઘર સજાવટ અને ઉત્સવપ્રિય સમુદાયની વાર્તા જોવા મળતી. પહેલાના જમાનામાં કાચા મકાનોની લીપણ વાળી દીવાલો પર આ ચિત્રકળા થતી. આ કળામાં ફક્ત સફેદ કલર વપરાય છે જેમાં ચોખાને દળીને તેમાં ગુંદર ભેળવી સફેદ કલર અને વાંસની પીછી બનાવી અને ગેરુની મદદથી ચિત્રાંકન કરતા. વર્તુળ, ત્રિકોણ અને સીધી લાઈન જ દોરીને ચિત્રનું સર્જન થાય છે.
અર્ચનાબેન કેનવાસ, એમડીએફ, માટીના વાસણ, કી-ચેઈન, કાર-હેન્ગીંગ, શો પીસ, બોટલ, વોલ હેન્ગીંગ પીસ વગેરે વસ્તુઓ પર પોતાનું વારલી પેન્ટિંગ કરે છે અને બજારમાં વેચે છે. સોસીયલ મીડિયાના પ્રચાર થકી તેમની પાસે લોકો આર્ટપીસ લઈ જાય છે. તેઓ ગુજરાત સરકારની ઇન્ડેક્ષ-સી અને હાથશાળ-હસ્તકલા વિભાગ સાથે જોડાયેલા છે. તેઓ વિવિધ એક્ઝીબીશનમાં પણ ભાગ લે છે. આ ૭ ઓગસ્ટના રોજ તેમને રાજ્યકક્ષાનો એવોર્ડ વડોદરા ખાતે એનાયત થનારો છે. તેમણે ગાંધીનગરમાં ઇન્ડેક્ષ-સી ભવન ખાતે અને કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી દીવાલો પર તેમજ તાજેતરમાં કવાંટમાં થયેલા રાષ્ટીય આદિવાસી સંમેલનમાં પણ પોતાના ચિત્રો દોર્યા છે. અર્ચનાબેન ફક્ત વારલી પેન્ટિંગ જ કરવા માંગે છે અને નારી વંદન સપ્તાહ નિમિતે બહેનોને સંદેશ દેવા માંગે છે કે બહેનો પોતાની આવડતને બહાર કાઢે અને સમાજ સમક્ષ લાવે, ફક્ત ઘર સાચવવું એ જીવન નથી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

vaarli-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *