સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના આગમનને હવે કલાકો ગણાય રહી છે ત્યારે જ્યાંથી મુખ્યમંત્રીશ્રી બાય રોડ પસાર થવાના છે તેવા અહીં સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર ખાડા બુરવાની (કદાચ એને કાચું પેચવર્ક પણ ગણી શકાય) કામગીરી આ વરસાદી વાતાવરણ વચ્ચે હાથ ધરવામાં આવી છે.!! લોકો પણ વ્યંગમાં કહી રહ્યાં છે કે કાશ! દર મહિને કોઈ મહાન નેતા કે મંત્રીશ્રી સાવરકુંડલા શહેરમાં પધારે તો કેવું સારું.!! સવાલ એ ઉપસ્થિત થાય છે કે વારંવાર રોડ પર ખાડા પડે છે શા માટે? શું વાહનો સડસડાટ દોડી શકે અને વૃધ્ધજનો તથા બાળકોને પણ રસ્તા પર ચાલતાં સમયે ઠેબાં (તળપદો શબ્દ) ન આવે તેવા સુંવાળા રસ્તાઓ બનાવવા માટે શું હવે સંશોધન કરવું પડશે? આમાં મહેમાનશ્રીઓને પણ શહેરની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ કેવી રીતે આવે?
