ગુજરાત સરકાર દ્વારા સગર્ભાઓ અને બાળકોને ૧૦ જેટલા ગંભીર રોગો સામે રક્ષણ આપતી રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજ્યની અંદાજિત ૧૩ લાખથી વધુ સગર્ભા બહેનો અને ૧૩ લાખથી વધુ બાળકોને રાજ્ય સરકારના સાવર્ત્રિક રસીકરણ અભિયાન હેઠળ આવરી લઇને સબ સેન્ટરથી લઇ સિવિલ હોસ્પિટલ અને આંગણવાડીઓમાં બાળકોને રોગપ્રતિરોધક રસી વિનામૂલ્યે અપાય છે.
ગુજરાતમાં જન્મથી લઇ ૧૬ વર્ષની ઉંમર સુધીનાં બાળકોને ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડીપ્થેરીયા, ઊંટાટીયુ, ધનુર , હીબ બેકટેરિયાથી થતા રોગો, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રૂબેલા સામે રક્ષણ આપવા માટે ૧૦ પ્રકારની રસીઓ અપાય છે, જેની કિંમત અંદાજે રૂ. ૩૬ હજાર પ્રતિ બાળક છે. રાજ્યના ૧૩ લાખ જેટલાં બાળકોને અંદાજિત રૂ. ૪૦૮ કરોડની કિંમતની રસી સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા આ રસીના જથ્થાનો સંગ્રહ આઇ.એલ.આર.(આઇસ લાઇન્ડ રેફ્રિજરેટર)માં કરવામાં આવે છે. જેમાં તાપમાન નિયત કરેલ ૨થી ૮ ડિગ્રીમાં જળવાઇ રહે, જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે. પ્રવર્તમાન જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આપણા બાળકને રોગપ્રતિરોધક રસી ચોક્કસપણે અપાવવી જાેઇએ, તેમ બાળરોગ નિષ્ણાત તબીબોનું કહેવું છે.
રોગપ્રતિરોધક રસીનું શું મહત્ત્વ છે, તે આપણે સૌએ કોરાનાકાળમાં જાેયું છે. કેટલીક ગંભીર અને જીવલેણ બીમારીઓ સામે રક્ષણ આપવા માટે રસી લગાવવી ખૂબ જ જરૂરી છે. કેટલીક રસીના માત્ર એક ડોઝથી સમગ્ર જીવન દરમિયાન ગંભીર પ્રકારની બીમારીઓથી રક્ષણ મળે છે.


