મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતીમાં ભવ્ય સભા યોજાશે,મહંત સ્વામી હરીભક્તો ને કેસુડા ના રંગે રંગશે…..
બોટાદ જીલ્લામાં આવેલ તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી પુષ્પદોલોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે. આ વખતે પણ અતિપવિત્ર તીર્થ સારંગપુર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પુષ્પદોલોત્સવ તારીખ 7-3-2023, મંગળવારના રોજ યોજાનાર છે. જેની તડામાર તૈયારી છેલ્લા અઠવાડિયાઓથી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં ભારતના વિભિન્ન પ્રદેશોમાંથી ભક્તસમુદાય આ ઉત્સવમાં પધારશે. મોટી સંખ્યામાં આવનાર હરિભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે અત્યારે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સારી વ્યવસ્થા પૂરી પાડવા માટે ૩૦ જેટલા સેવા વિભાગોની રચના કરવામાં આવી છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત અને અનુભવી સંતો તથા અન્ય સ્વયંસેવકો આ વિભાગોમાં સેવા આપી રહ્યા છે. ટ્રાફિકના પ્રશ્નને પહોંચી વળવા સુંદર પાર્કિંગની વ્યવસ્થા પણ કરાઈ છે. ભક્તોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તબીબી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં મેડિકલ વિભાગના નિષ્ણાત તબીબો અને ઈમરજન્સી મેડિકલ વાહન પણ ચોવીસ કલાક સેવામાં રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયાઓથી ઘણા પુરુષ તથા મહિલા સ્વયંસેવકો રોજ ઉત્સાહપૂર્વક રાત-દિવસ ખડે પગે રહી સેવા કરી રહ્યા છે, આમ, સમગ્ર મંદિર પરિસરમાં ઉત્સાહ, આનંદ અને ભક્તિભાવનાં તરંગો ઝીલાઈ રહ્યાં છે.તારીખ 7 માર્ચના રોજ સાંજે 5 વાગ્યે પુષ્પદોલોત્સવની વિરાટ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે વિશાળ મેદાનને સ્વચ્છ અને સમતળ કરી સભામંડપ તરીકે ઉપયોગમાં લેવાયો છે. જેમાં સૌ ભક્તો ભગવાન તથા ગુરુના ચરિત્રોનું સ્મરણ કરશે તથા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંગે ભક્તિ તથા જ્ઞાનના રંગે રંગાશે. આમ ભારતીય ધુળેટીના તહેવારને ભક્તિ ભેળવીને ઉત્સવનું સ્વરૂપ અપાશે. આ રીતે, BAPS સંસ્થા દ્વારા ઉજવાતો આ પુષ્પદોલોત્સવ ભારતીય ઉત્સવ પરંપરાનું પોષણ કરનારો બની રહેશે…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


