અમદાવાદ
ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાની તૈયારીઓ હાલ પુરજાેશમાં ચાલી રહી છે, જેમાં ભગવાનના વિશેષ વાઘા સૌનું આકર્ષણનું કેન્દ્ર હોય છે. દર વર્ષે અલગ-અલગ થીમ પર ભગવાનના વાઘા બનાવવામાં આવે છે. ભગવાન જ્યારે મામાના ઘરેથી નિજ મંદિર પરત આવે છે, ત્યારથી અમાસથી બીજ અને ત્રીજ સુધી ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે. અમદાવાદના સુનિલભાઈ ૨૦ વર્ષથી ભગવાનનાં વાઘા બનાવી રહ્યા છે.ભગવાન જગન્નાથ માટે આ વર્ષે વિશેષ મુઘટ તૈયાર કરાયો છે. જેમાં કલકત્તી ભારે ડિઝાઈન કરવામાં આવી છે. આ સાથે મોરપીંછના છોગા મૂકવામાં આવશે, જેથી ભગવાનનું મનમોહક રૂપ દેખાશે. ભગવાનના હાથના કાંડા પણ તૈયાર કરવામાં આવ્યા છે.બીજના દિવસે મંગળા આરતીમાં ભગવાન જગન્નાથજી લાલ મખમલના વાઘા પહેરશે, જગન્નાથજી ભગવાનનાં વાઘામાં રેશમ વર્ક અને કલકત્તી શિલ્ક છે. ભગવાનની પાઘમાં પણ વિશેષ વર્ક કરાયું છે. એકમ બીજ અને ત્રીજની દિવસે ભગવાનના વિશેષ વાઘા અને પાઘ પહેરશે. રજવાડી અને ગુજરાતી અને ૩ છોગા વાળી પાઘ સાથે જગન્નાથ દર્શન આપશે.ગુલાબી કલરના વાઘા પાછળ ભાવના એવી છે કે, ભગવાન દરેક ભક્તોનું જીવન ગુલાબી રાખે તેવા ભાવથી આ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. બહેન સુભદ્રા માટે પણ તેમના શણગાર કરવામાં આવ્યા છે. જેમાં ટેમી માથાના ચોટલા, બટવો, ચુંદડી પણ તૈયાર કરવામાં આવી છે.
