ચંડીગઢ
પંજાબના મોટાભાગના વિસ્તારો આ દિવસોમાં પૂરની ઝપેટમાં છે. ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું લેવલ વધારે જાેવા મળી રહ્યુ છે. તેના કારણે ઘણી જગ્યાએ રોડ રસ્તાઓ પર તિરાડો પડી ગઈ છે, જે લોકોને વધુ મુશ્કેલીમાં મુકી રહ્યા છે. એક તરફ જ્યાં પાણીના કારણે સમસ્યા સર્જાઈ છે તો બીજી તરફ પૂરગ્રસ્ત વિસ્તારોમાં શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આ દિવસોમાં સમગ્ર દેશમાં ટામેટાના ભાવમાં વધારો થયો છે, પરંતુ પંજાબમાં આ સમયે ટામેટાના ભાવ સૌથી વધારે છે. પંજાબના પૂર પ્રભાવિત વિસ્તારોમાં ટામેટા ૩૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. અમૃતસરના શાક માર્કેટના જથ્થાબંધ વેપારી કિશન લાલ કહે છે કે, થોડી ઓછી ગુણવત્તાવાળા ટામેટા ૧૨૦-૧૮૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે, જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં સારી ગુણવત્તાવાળા ટામેટા ૨૫૦ થી ૩૦૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. ટામેટા તેમજ અન્ય શાકભાજી સામાન્ય માણસની પહોંચની બહાર છે. એક તરફ જ્યાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં ટામેટાંના ભાવ ૨૫૦-૩૦૦ રૂપિયાની ઉપર છે, ત્યારે ગ્રાહક બાબતોના વિભાગની વેબસાઇટ અનુસાર, ભટિંડામાં ટામેટાની કિંમત ૨૦૩ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. આ સાથે જ બરનાલામાં ટામેટાનો ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો, શ્રી મુક્તસર સાહિબમાં ૧૬૦ રૂપિયા અને હોશિયારપુરમાં ૧૫૮ રૂપિયા પ્રતિ કિલો, જાલંધરમાં ૧૩૦-૧૫૦ રૂપિયા, પટિયાલામાં ૧૬૦ રૂપિયા પ્રતિ કિલો થયો છે.