રસ્તા પર પાણીને લીધે મોટો ખાડો પડતા પીડબ્લ્યુડીને રજુઆત કરતાં ઉડાઉ જવાબો અપાયા
અકસ્માત અને રોગચાળાની સેવાતી દહેશત
બોડેલી તાલુકાના સાલપુરા (ચલામલી) ગામે મુખ્ય રસ્તા ઉપર વારિગૃહની પાઇપલાઇન લીકેજ તથા ભરઉનાળે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સ્થાનિક સામાજિક કાર્યકર્તા જૈમીન ભાઈ પટેલ રજૂઆત કરતા જણાવે છે કે, વિવિધ સરકારી વિભાગોમાં રજૂઆત કરતા માર્ગ મકાન વિભાગ સહિતનાઓ આ અંગે જવાબદારીઓ માથે લેતા નથી અને પલાયનવાદમાં રાચે છે. જેને લીધે સાલપુરા પાસે ટ્રાફિક પ્રભાવિત થઈ રહ્યો છે. અકસ્માતનો ભય પણ સેવાઇ રહ્યો છે. પાણી ભરાઈ રહેતું હોય રોગચાળાની પણ ભીતી છે .જેથી વહેલી તકે પાઇપલાઇન રીપેર કરી રસ્તા પરના ખાડાઓ પૂરી પૂર્વવત સ્થિતિ કરવા માંગ છે.
કોસીન્દ્રાથી ચલામલી જવાના માર્ગ પર સાલપુરા ગામે મુખ્ય રસ્તા પર વોટર સપ્લાયની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયેલું છે. તૂટેલી પાઇપલાઇનને કારણે રસ્તા ઉપર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઇ રહ્યો છે. પાણીના ખાબોચિયાને કારણે વગર વરસાદે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ અંગે સ્થાનિક કાર્યકર્તાઓએ પી ડબ્લ્યુ ડી સહિતના વિવિધ વિભાગોને રજૂઆત કરતા અધિકારીઓએ ઉડાઉ જવાબ આપી હાથ ઉંચા કરી દેતા નારાજગી જોવા મળી રહી છે. એક તરફ લોકપ્રિય મોદી સરકાર મિનિમમ ગવર્મેન્ટ, મેકસીમમ ગવર્નન્સનું સફળતાનું સૂત્ર ગાજતું કરી દેશભરમાં ગુજરાત મોડલને પ્રસ્તુત કરી રહ્યું છે. ત્યારે અધિકારીઓના ઉડાવ જવાબથી સાલપુરાના રહીશો સ્થાનિક આગેવાનો ખૂબ જ રોષે ભરાયા છે. સરકારની નીતિ રીતિ પ્રમાણે વહીવટી તંત્ર કેમ ચાલતું નથી? તેવા સવાલો પણ કર્યા છે. જો આ પાઇપલાઇન બરાબર કરી રસ્તા ઉપર પડેલા મોટા ખાડાઓ પુરવામાં નહીં આવે તો સ્થાનિક આગેવાનો આંદોલનનો માર્ગ અપનાવશે તેમ જાણવા મળે છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર