ગાંધીનગર
માહિતી ખાતામાં ૩૩ વર્ષની લાંબી સેવા બાદ કેમેરામેન પ્રવિણભાઈ સોરઠીયા ગાંધીનગર ખાતેથી આજે વયનિવૃત્ત થતાં તેમને માહિતી પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
માન.રાજયપાલ શ્રીના પ્રેસ સચિવ અને સંયુકત માહિતી નિયામક હિરેનભાઈ ભટ્ટે નિવૃત્ત થતા પ્રવિણભાઈને શુભેચ્છાઓ પાઠવીને તેમના સંસ્મરણો તાજા કર્યા હતા અને એમનું નિવૃત્તિ જીવન નિરોગીમય રહે એવી શુભકામનાઓ આપી હતી.
માહિતી ખાતાની સમાચાર શાખાના નાયબ માહિતી નિયામક જિગર ખુંટે પ્રવિણભાઈને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, સરકારી સેવામાંથી નિવૃત્ત થવું એક ફરજનો ભાગ છે. ખાતામાં અનુભવી માણસો વયનિવૃત્ત થઈ રહ્યાં છે ત્યારે પ્રવિણભાઈની સેવાઓની માહિતી પરિવારને ચોક્કસ ખોટ પડશે. તેમણે ઉમેર્યું હતું કે, માહિતી ખાતામાં ૩૩ વર્ષની સુધી સેવા આપનારા પ્રવીણભાઈ સોરઠીયા કર્મઠ અને ફરજપરસ્ત કર્મચારી છે. તેઓએ તેમનો મોટા ભાગના સેવાકાળ દરમ્યાન મુખ્યમંત્રીના કાર્યાલયે પોતાની ફરજ અદા કરી છે. આગળનું જીવન તેમનું પરિવાર સાથે સુખમય અને નિરોગી નિવડે તેવી શુભેચ્છા આપી હતી.
નિવૃત્ત થઈ રહેલા પ્રવિણભાઈ સોરઠીયાએ તેમના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, સરકારી સેવાની આ સુદીર્ઘ સફરમાં માહિતી ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મળેલ માર્ગદર્શન અને સહયોગના પરિણામે હું આજે આટલો સફળ થઈ શક્યો છું. તેમના આ સફરમાં સાથ આપનાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તથા તેમના પરિવારજનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે માહિતી નિયામક કચેરી ગાંધીનગરની સમાચાર શાખાના કર્મચારીઓએ પણ નિવૃત્ત થતા પ્રવિણભાઈ સોરઠીયાનું નિવૃત્તિ જીવન નિરોગીમય રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.


