Gujarat

પાટણમાં ૧૪૬ માં ગણેશ ઉત્સવની ઉજવણી

પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ ગણેશ ઉત્સવની શરૂઆત ૧૮૭૮ માં કરી હતી

ગુજરાતમાં ધામધૂમથી આજે દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી રહી છે. ઘર-મહોલ્લામાં ગજાનનની સ્થાપના કરી પૂજા-અર્ચના થઈ રહી છે. આ ઉત્સવમાં સમાજ એક થાય છે, લોકો વચ્ચે લાગણી બંધાય છે, જે તેનો મુખ્ય હેતુ હતો. આ હેતુથી જ સાર્વજનિક ગણેશ ઉત્સવની દેશભરમાં શરૂઆત કરાવી હતી. ત્યારે શું તમે જાણો છો કે એશિયાનો સૌથી પ્રથમ ગણેશ ઉત્સવ ક્યાં થયો હતો. સમગ્ર એશિયાના સૌ પ્રથમ ગણેશ ઉત્સવની શરૂઆત ઐતિહાસિક નગરી પાટણથી થઈ હતી અને આજે પાટણમાં ૧૪૬ માં ગણેશ ઉત્સવની ધાર્મિક વિધિવિધાન અને ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ થયો છે. સમગ્ર ભારત આજે ગણેશ ઉત્સવની ઉજવણીમાં રંગાઈ રહ્યો છે, ત્યારે ગણેશ ઉત્સવ એટલે મહારાષ્ટ્રીયન પરિવારોનો અનોખો મહોત્સવ. સૌ કોઈ લોકો આ ઉત્સવને શ્રદ્ધા સાથે માનવી રહ્યું છે.

લોકમાન્ય તિલકે સ્વાતંત્ર સંગ્રામની ચળવળ માટે ગણેશ ઉત્સવની શરૂઆત ૧૮૯૩ માં કરી હતી. જ્યારે તે પહેલા ગુજરાતમાં જ ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ હતી. પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ ગણેશ ઉત્સવની શરૂઆત ૧૮૭૮ માં કરી હતી. જેના પુરાવા હાલમાં સરકારી ગેજેટમાં પણ મોજુદ છે. માટે પાટણથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. આજે આ પ્રાચીન ગણેશ ઉત્સવની પરંપરા હાલમાં પણ અંકબદ્ધ જળવાઈ રહી છે. આજે ૧૪૬ માં ગણેશ ઉત્સવની શરૂઆત થઈ છે. ધામ ધૂમ અને ભક્તિ સાથે ગણેશજીને પાલખીમાં બિરાજમાન કરી પ્રાચીન ગણેશ વાડી ખાતે લઇ જવામાં આવે છે અને વિધિ વિધાન સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.

પાટણના પ્રાચીન ગણેશ ઉત્સવની ખાસિયત એ છે કે ગણેશજીની પ્રથમ મૂર્તિ જે માટીમાંથી બનાવવામાં આવી હતી, તે મૂર્તિના માટીના અંશ આજે સચવાયેલા છે. આ માટીના અંશોનો ઉપયોગ નવી મૂર્તિમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને મૂર્તિનું માપ પણ પ્રથમ મૂર્તિ પ્રમાણે જ રાખવામાં આવે છે. મૂર્તિ બનાવતી વખતે સતત ગણેશજીના જાપ કરી મૂર્તિ કંડારવામાં આવે છે. આ મૂર્તિ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવે છે. તો આ પ્રાચીન ગણેશ ઉત્સવનો સરકારી ગેજેટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પ્રાચીન ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્થીના શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. અને તે દિવસે જે કોઈ ભક્ત ભગવાન પાસે મનોકામના રાખે છે તે ચોક્કસથી પુરી થાય છે તેવું કહેવાય છે. ભક્તોની શ્રધ્ધા આ ગણેશજી પર છે અને ૧૦ દિવસ ખુબ જ ઉત્સાહ સાથે પાટણવાસીઓ પ્રાચીન ગણેશ ઉત્સવમાં સામેલ થાય છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *