ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને એક કાઉન્ટી મેચમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પૂજારાના નેતૃત્વ હેઠળની ઈંગ્લિશ કાઉન્ટી ક્લબ સસેક્સે લિસેસ્ટરશાયર સામેની મેચમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા ટીમને ૧૨ પોઈન્ટ્સનું નુકસાન સહન કરવું પડ્યું છે. ઈએસપીએનક્રિકઈન્ફોના અહેવાલ મુજબ સસેક્સ આ સિઝનમાં ચાર નિર્ધારિત પેનલ્ટી કરતાં કેપ્ટન પૂજારા ઓટોમેટિક સસ્પેન્ડ થઈ ગયો છે. આ કારણથી હવે ચાલુ સપ્તાહે ડર્બીશાયર સામેની મેચમાં તે ટીમમાં ઉપલબ્ધ થઈ શકશે નહીં. સસેક્સે આ ઉપરાંત ત્રણ ખેલાડીઓ જેક કાર્સન, ટોમ હેન્સ અને એરી કારવેલસને તેમની ખરાબ વર્તણૂકને કારણે ટીમમાંથી બહાર કરવાનો ર્નિણય કર્યો છે. સસેક્સના મુખ્ય કોચ પોલ ફારબ્રેસે જણાવ્યું કે આ ખેલાડીઓના વર્તનને પગલે ગત સપ્તાહે લિસેસ્ટરશાયર સામે ટીમના ૧૫ રને મળેલા રોમાંચક વિજયની ઉજવણીમાં પણ ભંગ પડ્યો છે અને પૂજારા પર એક મેચનું સસ્પેન્શનથી ટીમને આગામી મેચમાં તેની સેવા પ્રાપ્ત નહીં થઈ શકે.
પોલે જણાવ્યું કે, આ ખેલાડીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જરૂરી હતી. શિસ્તભંગ કોઈપણ કાળે સાંખી નહીં લેવામાં આવે. ટીમને ૧૨ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સનું પણ નુકસાન થયું છે. જેક અને ટોમ આગામી ડર્બીશાયર સામેની મેચમાં ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ નહીં રહે. ગત મેચમાં અમ્પાયર અને મેચ રેફરી દ્વારા આ બંને ખેલાડીઓ પર ઓન ફિલ્ડ લેવલ-વન અને લેવલ-ટુ ઉલ્લંઘના આરોપ લગાવવામાં આવ્યા હતા જેથી અમને કડક હાથે કામગીરી કરવાની ફરજ પડી છે. અગાઉ પણ સિઝનમાં સસેક્સના ખેલાડીઓ પર અમ્પાયરે દ્વારા બે ઉલ્લંઘનનો આરોપ લગાવાયો હતો.
પૂજારા પર ડુરહામ સામેની મેચમાં જ્યારે હેઇન્સ પર યોર્કશાયર સામેની મેચમાં લેવલ-વનનો આરોપ લાગ્યો હતો. ચેતેશ્વર પૂજારા ભારત માટે છેલ્લે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓવલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમ્યો હતો. ત્યારબાદ તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટની સિરીઝમાં ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ૩૫ વર્ષીય પૂજારાએ ભારત માટે ૧૦૩ ટેસ્ટમાં ૪૩.૬ની એવરેજ સાથે ૭,૧૯૫ રન ફટકાર્યા છે. પૂજારાના નામે ટેસ્ટમાં ૧૯ સદી અને ૩૫ અડધી સદી નોંધાયેલી છે.

