ઓગસ્ટ એટલે કે “વિશ્વ સિંહ દિવસ” નિમિત્તે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના લાઈફ સાયન્સ અનુસ્નાતક ભવન દ્વારા સમાજમાં જાગૃતિ લાવતી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં તજજ્ઞ તરીકે જુનાગઢના મુખ્ય વન સંરક્ષકશ્રી કે. રમેશનું ઉપયોગી વ્યાખ્યાન, સિંહનું મોરું પહેરેલા વિદ્યાર્થીઓની રેલી, આંતર અનુસ્નાતક ભવન નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ક્વીઝ વિગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. સિંહો અને વન્ય જીવન, સિંહોનું સંવર્ધન, સોરઠના સિંહો, માનવ અને વન્ય જીવો વચ્ચેનો સંઘર્ષ વિગેરે વિષય ઉપર વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
મુખ્ય વન સંરક્ષકશ્રી કે. રમેશે જણાવ્યું હતું કે સમાજમાં વન્યજીવો સંદર્ભે સંશોધનની ઘણી બધી તકો રહેલી છે. સિંહોનું સંવર્ધન અને લોકભાગીદારી, પ્રાણીશાસ્ત્ર, પ્રાણી સંગ્રહાલય, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી વિગેરે ઉપર તેઓએ વિસ્તૃત માહિતી આપી હતી. અધ્યક્ષ સ્થાનેથી બોલતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડૉ.) ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં અત્રેની યુનિવર્સિટી ખાતે ગુજરાતનું સૌ પ્રથમ વાઈલ્ડલાઈફ રીસર્ચ સેન્ટર નજીકના ભવિષ્યમાં શરુ થવા જઈ રહ્યું છે ત્યારે વન્ય જીવો અને જંગલો ઉપર વૈશ્વિક સંશોધનને વેગ મળશે તે ચોક્કસ છે. સમગ્ર એશિયાનું નજરાણું ‘સિંહ’ને કારણે સમગ્ર ભારતમાં પ્રવાસન ઉદ્યોગને ભારે વેગ મળ્યો છે તેવું પણ અંતમાં કુલપતિશ્રીએ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ કાર્યક્રમના કોઓર્ડીનેટર ડો.જતીનભાઈ રાવલે કરી હતી. લાઈફસાયન્સ અનુસ્નાતક ભવનના પ્રાધ્યાપકો ડો.રાજેશ રવિયા તથા ડો.સંદીપ ગામીત પણ હાજર રહ્યા હતા.


