જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને લઈ કલેક્ટર શ્રી અનિલ રાણાવસીયા એ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી આવેલ વરસાદની આંકડાકીય માહિતી, ડેમ જળાશયોની માહિતી મેળવી હતી. તેમજ જૂનાગઢ જિલ્લા વિસાવદર અને ભેંસાણ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ભારે વરસાદના પગલે બંધ કરવામાં આવેલ રસ્તાઓ – વૈકલ્પિક રસ્તાઓ, જૂનાગઢના ચાર ગામોમાં લાઈટ ફોલ્ટ ની સમીક્ષા, ઘેડ વિસ્તારમાં ફૂલરામાં અને મીતી ગામે જરૂર જણાયે સગર્ભા બહેનોને શિફ્ટિંગ કરવા અંગે, શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો નિકાલ કરવા તેમજ રોગચાળો ન ફેલાય એ માટે ક્લોરીનેશન ટેબલેટનું વિતરણ, દવાનો છંટકાવ, ક્લોરીનેશન કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત જે રસ્તાઓ બંધ છે ત્યાં ટ્રાફિક નિયમન માટે સાઈનબોર્ડ, પોલીસ બંદોબસ્ત રાખવા પણ જણાવ્યું હતું.જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને ઘેડ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે એની ઉપર ખાસ તકેદારી રાખવા અને કોઈ જાનહાની કે પશુહાની ન થાય એ એ બાબતે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.આ ઉપરાંત ઘેડ વિસ્તારના ૨૪ ગામો જ્યાં પાણી ભરાયા છે ત્યા ટેલીફોનીક સંપર્ક,વાયરલેસ કનેક્શનની સમીક્ષા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે બાંટવા ડેપો હેઠળ ઘેડ વિસ્તારની ૫૫ જેટલી ટ્રીપ રદ કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢ ડેપોની ૧૫૮ જેટલી ટ્રીપ રદ કરવામાં આવી છે. આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તન્ના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખ, નિવાસી અધિક કલેકટર શ્રી પી.જી.પટેલ,માર્ગ અને મકાન વિભાગ,આરોગ્ય, પીજીવીસીએલ, શિક્ષણ, કોર્પોરેશન સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


