રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ સતત ત્રીજા દિવસે ગ્રાઉન્ડ ઉપર જઈ સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે દરિયાકાંઠે માછીમારો કે અન્ય લોકોની અવર-જવર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ખાસ કરીને માંગરોળ બંદર વિસ્તારમાં જૂના બંદર અને જેટીની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે માછીમાર સમુદાયના આગેવાનો સાથે સંભવિત વાવાઝોડા સામે બંદર વિસ્તારમાં લોકોની સુરક્ષા માટેના જરુરી પગલાઓ અને તૈયારીઓ વિશે ચર્ચા કરી હતી.
મંત્રીશ્રીની સાથે પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ પણ રહી લોકોની સુરક્ષા માટેના જરુરી તકેદારી રાખવા માટે પણ પરામર્શ કર્યો હતો.
આ પ્રવાસ દરમિયાન વાવાઝોડા વખતે પવનની ગતિ, ઉછળતા દરિયાઈ મોજાની ઊંચાઈ, મોજાની અને સંભવિત મુશ્કેલીઓ નિવારવા માટે ચર્ચા કરી હતી.
મંત્રીશ્રીએ કહ્યુ કે, જિલ્લા અને સ્થાનિક પ્રશાસન પૂરી સતર્કતા સાથે કામ કરી રહ્યું છે. સલામતીના ભાગરુપે દરિયાકાંઠાના ૨,૫૦૦થી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને વાવાઝોડાની અન્ય જિલ્લાઓની સરખામણીમાં જુનાગઢ જિલ્લામાં ઓછી અસર થશે.
મંત્રીશ્રીએ માછીમાર સમુદાયના આગેવાનો સાથે માંગરોળ બંદર પરની જેટીના વિકાસ કામ માટેના પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ માટે ખારવા સમાજના અગ્રણી શ્રી વેલજીભાઈ મસાણીએ જુદા જુદા પ્રશ્નો સંદર્ભે મંત્રીશ્રીનું ધ્યાન દોર્યું હતું.
મંત્રીશ્રીની આ પ્રવાસ અને બેઠક દરમિયાન ધારાસભ્ય સર્વશ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, શ્રી દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલ, ખારવા સમાજના પટેલ શ્રી પરસોતમભાઈ ખોરાવા, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ શ્રી લીનેશભાઈ સોમૈયા, ખારવા સમાજના અગ્રણી સર્વશ્રી દામોદર ચામુંડીયા, ધનસુખભાઈ વોદર, જમનાદાસ વંડુ, ખીમજીભાઈ પરમાર સહિતના પદાધિકારી-અધિકારી સાથે રહ્યા હતા.


