આજકાલ છાપાઓમાં કે મીડિયા દ્વારા વારંવાર એવા સમાચાર વાંચવા-જોવા મળે છે કે ‘ સુરત માં (કોઈ એક અટક મેન્શન થતી હોય)…… પરિવારનું સ્નેહ મિલન યોજાયું. અમદાવાદમાં સમસ્ત (કોઈ ગામનું નામ લખ્યું હોય)….નું સ્નેહનમિલન યોજાયું.’ બહુ સારી બાબત છે કે આ બહાને સૌ સાથે હળે મળે છે. વાતો, વિચારો નું sharing થાય છે. કોઈ વક્તા દ્વારા સરસ મજાની વાતો કરવામાં આવે છે. અને સૌથી ગમતી બાબત કે કોઈ નાની દીકરી કે દીકરો સારું વક્તવ્ય આપી શકે છે એને શ્રોતાઓ તરીકે પોતાના જ પરિવારના લોકો સાથે સ્ટેજ મળે છે. એનો ઉત્સાહ વધે છે. ઇનામો અપાય છે. સન્માન થાય છે. અને લાસ્ટમાં સૌ સાથે બેસી મસ્ત મજાની મીઠાઈ સાથે ભોજન લે છે. ખૂબ સારી વાત છે કે લોકો પોતાની ભાગદોડની જિંદગીમાંથી સમય કાઢીને આ પ્રકારના આયોજન કરે છે. અને થવું જ જોઈએ. નવીપેઢીને પોતીકાઓની ઓળખાણ કરાવવા માટે તેમજ તેઓને encourage કરવા માટે આ પ્રકારના આયોજનો ઉત્તમ દિવેલ પુરવાનું કામ કરે છે.
આજે માણસ ગમે તે રીતે પેટ ની ભૂખ તો સંતોષી લે છે પણ ભાવની ભૂખનું શુ? વિભક્ત થતી કુટુંબ વ્યવસ્થા, શહેરીકરણ અને સ્ત્રી પુરુષ બન્ને જ્યારે પોતાની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત છે ત્યારે ભોગ લેવાય છે આપણા વડીલો પ્રત્યેના પ્રેમનો, સન્માનનો. કામથી થાકીને આવેલી પુત્રવધૂને ફટાફટ રસોડું પતાવવાની ઉતાવળ હોય છે કેમ કે એ પણ થાકેલી છે. રસોઈ કેવી બની? બધાએ સંતોષપૂર્વક ખાધું કે નહીં? દાદાને આ ભાવ્યું કે નહીં? બાએ પૂરું ખાધુ કે નહીં? એ જોવાની એ બિચારીને ત્રેવડ નથી હોતી. ને આ બધું આપણાં વડીલો બહુ સારી રીતે જાણે છે, સમજે છે. છતાં એ હેતરહિત જલ્દી જલ્દી કામ આટોપવાની ઉતાવળ સાથે બનેલા ભોજનથી એનું પેટ તો ભરાય જાય છે કદાચ. પણ ભાવ ભૂખ્યું મન સતત અતૃપ્ત રહે છે એનું શું?
આજે મન માં એક વિચાર એવો આવે છે કે આપણે આપણાં વડીલો માટે કંઈક કરવું જોઈએ. વિશાળ decorative નહિ છતાં મનને ગમે એવા ફાર્મ માં ‘સમસ્ત(ગામનું નામ)…..ના 60 થી ઉપર ની વય ધરાવતા વડીલો માટે ‘*વડીલ વંદના*’ કાર્યક્રમનું આયોજન થાય. એમાં એમની જીવાય ગયેલી જિંદગી એટલે કે એમના જમાનાની કેટલીક વ્યક્તિઓ, ઘટનાઓ કે રિવાજો અને એ સમયની દિન- ચર્યા વિશે વાતો થાય, એ સમયની સમાજ વ્યવસ્થા કે અન્ય સાથેના સબંધોની મીઠાશ પર વાતો થાય. એ સમયની ખામીઓ અને ખૂબીઓ વિશે ચર્ચા થાય. એ લોકો રમી શકે એવી રમતો રમાય. અરે!એ જમાનાના ફિલ્મી ગીતો પર ડાન્સ કરવાનો એને મોકો આપવામાં આવે.વક્તવ્યો અપાય. વડીલોને જે નથી મળી શક્યું એ આપવાની કોશિશ કરીએ. એમના અનુભવના અમૂલ્ય ખજાનાને ખોલવાની તક આપીએ. એમની રીયલ કાઠિયાવાડી તળપદી ભાષાશૈલીમાં એમને સાંભળીએ. વક્તાઓ પણ 60+ ના જ હોવા જોઈએ. આપણે આંખની ઓળખાણ ન હોય એવા કોઈ 95/97 વરસના માજી પોતાની સાવ સાદી છતાં એક અલગ જ શૈલી માં વાત કરતો વિડિઓ facebook કે youtube માં નજર ચડે તો એક વાર, બે વાર જ નહીં અસંખ્ય વાર આપણે રસથી જોઈએ છીએ. અને વળી મજા આવે છે. તો કલ્પના કરો એ પોતાના જ દાદા કે બા સ્ટેજ પર આવી વાતો કરતા હશે તો આપણા બાળકો કેટલા ખુશ થશે! એટલે જ સ્પેશ્યલી શ્રોતાઓ તરીકે આપણે આપણા બાળકો સહિત હાજરી આપીએ. જેથી કરીને 06+ અને 60+ વચ્ચે સમયનો ગેપ મિટાવીને સન્માન અને સ્નેહનો સેતુ રચી શકીએ. મિત્રો એ સેતુ રચવા માટે આપણી પેઢી એ એન્જીનિયર થવું જોઈએ. પ્લાન બનાવવો જોઈએ. આપણે જ ઈંટ, પાણી ને પથ્થર બની સેતુ બાંધવો જોઈએ.
મિત્રો જેનો જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત છે. આ કુદરતના ક્રમને કોઈ બદલાવી નથી શકવાનું. માણસના મૃત્યુ બાદની તેમના જીવાત્મા ને ખુશ કરવા થતી શ્રાદ્ધક્રિયાથી કોઈ ફરક નહિ પડતો સાચું તર્પણ તો જીવતા જાણવામાં જ છે. વડીલોના મૃત્યુ પછી એના આત્માની સુખાકારી માટે કેટલું બધું કરવા કરતાં એમની હયાતીમાં જ એના આત્માને ખુશી આપીએ વ્હાલ આપીએ,સન્માન આપીએ અને સૌથી કિંમતી એવો થોડો સમય આપીએ.
– *પારુલ મનન*


