ટોલપ્લાઝા પર ટેક્સ તો ના ચૂકવ્યો, ઉલટાનું કર્મચારી પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ ?
પેટા
ટોલપ્લાઝાનો ઈજાગ્રસ્ત કર્માચારી જુનાગઢ દવાખાને સારવાર હેઠળ : કલ્પેશ ચાવડા સામે ફરિયાદ નોંધાવવા તજવીજ
ધોરાજી તાલુકા પંચાયતના ભાજપના મહિલા પ્રમુખના પતિએ અગાઉ ઉપલેટા નજીકના ટોલનાકે બખેડો કર્યા બાદ ગઈકાલે સાંજે હવે ધો.તા.પંચાયતના પ્રમુખના દિયરે ટોલ ન ચૂકવી, આતંક મચાવી ટોલનાકાના કર્મચારી પર કાર ચડાવી દઈને નાસી છૂટ્યાની ઘટના સીસી કેમેરામાં કેદ થઇ જતા ટોલનાકાના કર્મચારીઓ ભયના ઓથાર તળે આવી ગયા છે. બીજીબાજુ ઈજાગ્રસ્ત અને જુનાગઢ દવાખાને ખસેડાયેલા અનિલભાઈ મેણસીભાઈ ચન્દ્રવાડીયાની ફરિયાદ પરથી ઉપલેટા પોલીસે જીજે ૦૯ બી.ઈ. ૦૬૮૧ નામની કારના ચાલક કલ્પેશ ચાવડા સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાગૃત લોકો કહે છે કે ભાજપના રાજમાં ગુંડાગીરી ડામવા કેન્દ્ર સરકાર અથાગ પ્રયત્નો કરે છે પણ સરકારના જોરે જ પક્ષના અમુક આગેવાનો દાદાગીરી આચરતા હોવાથી અંતે મરો સામાન્ય પ્રજાનો થાય છે.
આ બાબતે મળતી વિગતો મુજબ થોડા દિવસ પહેલા ધોરાજી તાલુકા પંચાયતના(ભાજપના) પ્રમુખ નીતાબેન ચાવડાના પતિએ ડુમીયાણી ટોલ પ્લાઝા ઉપર ધોકા અને પાઇપથી આતંક મચાવી પોતાની મનમાની અને દાદાગીરી આચર્યાના બનાવની શ્યાહી સુકાઇ નથી ત્યાં ગઈકાલે સાંજે નીતાબેનના દિયર કલ્પેશ ચાવડાએ જીજે ૦૯ બી.ઈ. ૦૬૮૧ નંબરની કર લઈને આવી ટોલટેક્સ ન ભરી, આતંક મચાવી ટોલપ્લાઝાના કર્મચારી પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરી નાસી ગયાની ઘટના બનતા સારાયે ઉપલેટા પંથકમાં ચકચાર જાગી છે.
પ્રથમ દ્રષ્ટીએ આવો બનાવ બન્યાનું કોઈ માનતું ના હતું પણ ટોલપ્લાઝા પર રહેલા સીસી કેમેરાના ફૂટેજમાં કલ્પેશની દાદાગીરી કેદ થઇ જતા પોલીસને પણ આ વાત સ્વીકારવી પડી હતી પણ પ્રવર્તમાન સરકારના ડરથી આરોપી સામે સામાન્ય કલમો લગાડીને કામગીરી કર્યાનો દેખાડો કર્યાનો આક્ષેપ થયો છે. અત્ર્રે એ ઉલ્લેખનીય છે કે ધોરાજી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિએ પણ ડુંમિયાણી ટોલપ્લાઝા પર આતંક મચાવ્યાની ઘટનામાં કોઈ નિવેડો આવ્યો નથી ત્યાં ફરી વખત આ મહિલાના દિયરે ગઈકાલે આચરેલી દાદાગીરીની મૂંગામોઢે ટીકા થઇ રહી છે. જાગૃત લોકોનો આક્ષેપ છે કે જો કોઈ બીજા પક્ષના આગેવાને કે તેમના માણસોએ કોઈ પણ જગ્યાએ દાદાગીરી આચરી હોય તો પોલીસ મારતે ઘોડે બનાવ સ્થળે પહોચીને ફરિયાદ લઈને, તહોમતદારને પકડી પાડે છે પણ અહી વર્તમાન સરકારના પક્ષના માણસો ગમે તેવી ગુંડાગીરી કરે તો પણ કેમ ચલાવી લેવાય છે ? દાદાગીરી કરનાર ભાજપના માણસો સામે પગલાં ભરતા કેમ ખાખીના હાથ ધ્રુજે છે ? તેવા સવાલોના જવાબ આપવા પોલીસે કોઈ ઘડારૂપ કામગીરી, કાર્યવાહી કરવી જોઈએ તેવું સભ્યસમાજમાં ચર્ચાઈ રહ્યું છે.
બોક્સ :
પોલીસનું આતંક મચાવનાર શખ્શ સામે કુણું વલણ ?
પોતાના પર ગાડી ચડાવીને હત્યાનો પ્રયાસ કરાયો હોવા છતાં પોલીસે આરોપી એટલેકે કલ્પેશ ચાવડા સામે માત્ર સામાન્ય કલમોનો ગુનો નોંધી કામગીરીનો દેખાડો કર્યાનો ઈજાગ્રસ્ત કર્મચારી તેમજ ટોલ પ્લાઝાના મેનેજર સહિતના લોકોએ કર્યો છે. ટોલ પ્લાઝા સંચાલકો કહે છે કે કલ્પેશ ચાવડાની દાદાગીરી સીસી ફૂટેજમાં કાયદેસર કેદ થઇ ગઈ છે અને પોલીસને બતાવાઈ પણ છે છતાં પોલીસે કલ્પેશ સામે કુણું વલણ દાખવ્યું તે વાત પ્રવર્તમાન સરકાનો પોલીસે બતાવેલો ભય વ્યક્ત થઇ રહ્યો છે. આ બાબતે જે હોય તે પણ ભાજપના આગેવાનો કોઈ ગુંડાગીરી કરે તો તેઓની સામે પણ કેમ આકરા પગલા ભરતા પોલીસ ડરે છે ? તેવું ડુમિયાણી ટોલ પ્લાઝા સંચાલકો અને ઘાયલ થયેલા કર્મચારી જણાવે છે.
બોક્સ : પોતાના ટ્રાન્સપોર્ટના વાહનોને ટેક્સ ન ભરવો પડે એટલે બખેડા કરાય છે ?ડુમિયાણી ટોલપ્લાઝા મથકે આજે કલ્પેશ ચાવડાએ કરેલ કર્મચારી પરના હિચકારા હત્યાના પ્રયાસ મામલે ટોલપ્લાઝાના સંચાલકોએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે કલ્પેશ ચાવડા અને રસિક એમ બંને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હોય તેમના અનેક વાહનો આ ટોલનાકા પરથી પસાર થાય છે અને ટોલ ટેક્સ ન ભરવા આવી રીતે હાલતા ચાલતા દાદાગીરી અને આતંક મચાવીને ભય ઉભો કરવા હીન પ્રયાસો કરવામાં આવે છે. આજે તો એક કર્મચારીનો જીવ લેવા પ્રયાસ થયો છતાં પોલીસે ઉચિત ગુનાની કલમોનો એફઆઈઆરમાં ઉમેરો કર્યો નથી.–

