ખનીજ વિભાગના કમિશ્નર ડૉ.ધવલ પટેલ અને અન્ય અધિકારી આર.બી. ધ્રુવની સંપત્તિની તપાસ કરવાની પણ માંગ કરી
શિક્ષણ બાબતે ખાણ ખનીજ વિભાગના કમિશનરે લખેલા પત્રનો વિવાદ વધુ વકર્યો છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રો.શંકરભાઇ રાઠવાએ કમિશ્નર ડૉ.ધવલ પટેલની સામે મુખ્યમંત્રીને પત્ર લખી ખનીજ વિભાગના કમિશનર ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
શાળા પ્રવેશોત્સવમાં છોટાઉદેપુર તાલુકાની શાળાઓમાં આવેલાં ખાણ ખનીજ વિભાગના કમિશ્નર આઇએએસ ડૉ.ધવલ પટેલે શિક્ષણ સચિવને પત્ર લખી શાળા મુલાકાત દરમિયાન તેમના અનુભવો વર્ણવ્યા હતા, જેમાં શાળાઓમાં નિમ્ન કક્ષાનું શિક્ષણ હોવાની વાત કરી હતી. 8મા ધોરણમાં વિદ્યાર્થીઓને વાંચતા લખતા ન આવડતું હોવાનું જણાવી સડેલા શિક્ષણ જેવા શબ્દનો પત્રમાં પ્રયોગ કર્યો હતો. જે પત્ર વાપરલ થતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.
જે બાબતે હવે છોટાઉદેપુર જિલ્લાના ભાજપના મહામંત્રી પ્રોફેસર શંકર રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર લખી ડો.ધવલ પટેલ અને ખાણ ખનીજ વિભાગ ઉપર આકરા પ્રહારો કર્યા છે. શંકર રાઠવાએ શિક્ષણને સડેલા કહેવા ઉપર ખૂબ જ તીખી પ્રતિક્રિયા આપી છે. સાથે ખાણ ખનીજ વિભાગ હેઠળ ચાલતા રેતી ખનન સામે પણ સવાલો ઊભા કર્યા છે. એટલું જ નહી ખનીજ વિભાગના કમિશ્નર ડૉ.ધવલ પટેલ આર.બી. ધ્રુવની સંપત્તિની તપાસ કરવાની પણ માગ કરી દીધી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર