*જિલ્લા કન્ટ્રોલરૂમ અને તમામ તાલુકા મથકે તાલુકા કન્ટ્રોલરૂમ કાર્યરત કરાયા. ઇમરજન્સી નંબરો જાહેર કરાયા*
“બિપરજોય” વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી અન્વયે પૂર્વ તૈયારી તથા કામગીરીની સમીક્ષા સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી વરુણ કુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને આજે સાંજે પાલનપુર ખાતે તમામ સરકારી વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં પ્રાંત કચેરીના અધિકારીશ્રીઓ વિડિયો કોન્ફરન્સ રૂમથી જરૂરી વિગતો સાથે જોડાયા હતા. બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી વરુણ કુમાર બરનવાલે વાવાઝોડાની સંભવિત અસરો અને જોખમો સામેની સાવચેતી સલામતીની સંપૂર્ણ ખાતરી સાથેની પૂર્વ તૈયારીઓ અને આયોજન વ્યવસ્થાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો, માર્ગદર્શન અને વ્યયવસ્થાઓ ગોઠવવા આદેશ કર્યા હતાં. તેમજ તમામ કર્મચારીઓને વાવાઝોડાની અસર ટળે નહિ ત્યાં સુધી હેડક્વાર્ટર ન છોડવા ખાસ સૂચના આપી હતી.
“બિપરજોય” વાવાઝોડું કચ્છ થી બનાસકાંઠા જિલ્લા તરફ ફંટાવવાની સંભાવના છે ત્યારે અગાઉ બનાસકાંઠા જિલ્લાને ઓરેન્જ એલર્ટ અપાયેલું છે. અને જિલ્લામાં ભારે વરસાદ સાથે તેજ ગતિએ પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે, ત્યારે અગમચેતી એજ સલામતી એમ જણાવતાં જિલ્લા કલેકટરશ્રીએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને વાવાઝોડાની ચેતવણીને ગંભીરતાથી લઈ તે મુજબની તૈયારીઓ અને વ્યવસ્થાઓ ચકાસી લેવા ખાસ તાકીદ કરી હતી. જિલ્લામાં પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં બનાવાયેલી કમિટીને તેનું સતત મોનીટરીંગ કરવા અને બચાવ રાહત માટેની જરૂરી સાધન સામગ્રીઓ ઉપસ્થિત રહે, તે માટેની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની ચેતવણી અને તેની અસરો વધુમાં વધુ લોકો અને ખેડૂતો સુધી પહોંચે એ માટે “આત્મા ” ના વોટ્સએપ ગ્રુપ, સંકલન સમિતિના વોટ્સએપ ગ્રુપ અને સોસીયલ મીડિયા હેન્ડલર પરથી જરૂરી સંદેશો અને વાવાઝોડા સમયે રાખવાની સાવચેતીનો ઓડિયો સંદેશ પ્રસારીત કરવા જણાવ્યું હતું. વધુમાં તમામ પ્રાંત કચેરીઓમાં એક પોલીસ, એક રેવન્યુ, એક ફોરેસ્ટ, તાલુકા પંચાયત/ નગરપાલિકાના કર્મચારીઓની ટીમ રાઉન્ડ ધ કલોક હાજર રહે તેવો આદેશ જારી કર્યો છે. સસ્તા અનાજની દુકાનો મારફતે જિલ્લાના છેવાડાના ગામો સુધી અનાજનો પુરવઠો સમયસર પહોંચે અને આફતના સમયે કોઈ મુશ્કેલી ન સર્જાય તે જોવા ખાસ સૂચના આપતા બે દિવસમાં રાશનનો પુરવઠો વિતરણ કરી દેવા જણાવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રીએ નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં જણાવ્યું કે, જે તે શેલ્ટર હોમમાં પાણી, ભોજન, વીજળી, ટોયલેટ, ડિજી સેટ જેવી જરૂરિયાત ઉપલબ્ધ કરવા, તેમજ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં ડિઝાસ્ટર વાયરલેસ સેટ, પૂરતા પ્રમાણમાં જે.સીબી. મશીનો, આરોગ્યની ટિમો, ડીઝલ બેઝ જનરેટર સહિતની જરૂરિયાતોની આપૂર્તિ માટે ખાસ તકેદારી રાખવા આદેશ કર્યો હતો.
નદી કે નીચાણ વાળા વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવા પડે તેવી સ્થિતિ માટેની તમામ તૈયારીઓ અને આગોતરી જાણ કરી આવા વિસ્તારના રહીશોને સુરક્ષિત સ્થળે ખસી જવા જરૂરી ચેતવણી આપવાનું આયોજન ગ્રાસ રૂટ લેવલે ગોઠવાય તે જોવા અનુરોધ કર્યો હતો. તો સગર્ભા સ્ત્રીઓની યાદી અને ડયું ડેટ પાસ થઈ ગઈ હોય એવી સગર્ભા સ્ત્રીઓની યાદી અગાઉ થી તૈયાર કરી તેમને પોષણ કીટ મળી રહે તેવી વ્યવસ્થા કરવા, કાચાં મકાનો અને જર્જરિત મકાનોમાં રહેતા લોકોની યાદી તૈયાર કરવી, સ્વૈચ્છિક ટિમો તૈયાર રાખવી, ગામની પ્રાથમિક શાળાઓમાં સુરક્ષિત આશરો લઈ શકાય તેવી વ્યવસ્થા તેમજ ફૂડ પેકેટ્સ , ભોજનની વ્યવસ્થા, હોર્ડિંગ્સ ઉતારી લેવા, સરપંચ તલાટી અને ગામ આગેવાનો સાથે મિટિંગ અને સંભવિત આફત સામેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેકટરસુશ્રી આર.એન.પંડ્યા સહિત તમામ સરકારી વિભાગના અધિકારીશ્રીઓ જોડાયા હતા.


