નવીદિલ્હી
ક્રિકેટના મેદાન પર જાનવર આવવાના કારણે ઘણી વખત મેચ રોકવી પડે છે. કૂતરા, પક્ષી કે ચાહક ગ્રાઉન્ડમાં ઘૂસી જવાને કારણે મેચ રોકવી સામાન્ય વાત છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી શ્રીલંકામાં ચાલી રહેલી લંકા પ્રીમિયર લીગમાં સાપે હાહાકાર મચાવ્યો છે. આ ટી-૨૦ લીગ દરમિયાન ઘણી વખત મેદાન પર સાપ આવવાને કારણે મેચ રોકી દેવામાં આવી છે. આ દિવસોમાં શ્રીલંકામાં ટી-૨૦ લીગ લંકા પ્રીમિયર લીગ રમાઈ રહી છે. આ લીગમાં પાકિસ્તાન અને વિશ્વના ઘણા દેશોના ખેલાડીઓ ભાગ લે છે. ટૂર્નામેન્ટની છેલ્લી ઘણી મેચોમાં મેદાન પર સાપ આવી ગયાના અહેવાલો સામે આવ્યા છે. કેટલાક વીડિયો એવા પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં મેચ દરમિયાન એક સાપ મેદાન પર પહોંચી ગયો હતો. જેના કારણે મેચ રોકવી પડી હતી. લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે જે બી લવ કેન્ડી અને જાફના કિંગ્સ વચ્ચેની મેચનો છે. જેમાં શ્રીલંકન ખેલાડી સાપના ડંખથી બચી ગયો હતો. કેન્ડી અને જાફના વચ્ચે ૧૨ ઓગસ્ટે રમાયેલી મેચ સાપને કારણે રોકી દેવામાં આવી હતી. આ મેચમાં જ્યારે જાફનાનો ખેલાડી ઈસુરુ ઉડાના ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે મેદાન પર એક સાપ આવી ગયો હતો. ઉદાના સાપની એટલી નજીક હતો કે તેનો પગ તેના પર પડવાનો જ હતો પરંતુ તે બચી ગયો. મેચ દરમિયાન સાપ કેમેરા મેનની નજીક પણ પહોંચી ગયો હતો. જેના કારણે બધાએ પોતાની જગ્યાએથી પીછેહઠ કરવી પડી હતી. તમને જણાવી દઇએ કે, પાકિસ્તાનની સાથે એશિયા કપની મેચો શ્રીલંકામાં પણ યોજાશે. કુલ ૧૩ મેચોમાંથી માત્ર ૪ પાકિસ્તાનમાં રમાશે. બાકીની મેચો શ્રીલંકાએ યોજી છે. ભારતીય ટીમ તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે. પાકિસ્તાનના લાખ પ્રયાસો પછી પણ ભારતે પાકિસ્તાનમાં ન રમવાનો ર્નિણય બદલ્યો નથી. તે ૩૦ ઓગસ્ટથી ૧૭ સપ્ટેમ્બર સુધી રમાશે.


