નવીદિલ્હી
ડેવિડ મલાન અને હેરી બ્રુકની શાનદાર ઈનિંગ્સની મદદથી પ્રથમ ટી૨૦માં ન્યૂઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડનો સાત વિકેટે આસાન વિજય થયો હતો. આ સાથે જ ચાર ટી૨૦ ક્રિકટ શ્રેણીમાં ઈંગ્લેન્ડે ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. મલાને ફિફ્ટી ફટકારી હતી જ્યારે હેરી બ્રુકે અણને ૪૩ રન નોંધાવતા ત્રીજી વિકેટ માટે ૫૪ રનની પાર્ટનરશિપ કરીને ઈંગ્લેન્ડને સાત વિકેટે વિજય અપાવ્યો હતો. ન્યૂઝીલેન્ડે નિર્ધારિત ઓવરમાં નવ વિકેટે ૧૩૯ રન કર્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે ૧૪ ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને ટારગેટ હાંસલ કરી લીધો હતો. ઈંગ્લેન્ડના પસંદગીકારોએ હેરી બ્રુકને વન-ડે વર્લ્ડ કપની ટીમમાંથી આશ્ચર્યજનક રીતે બાકાત રાખ્યો હતો. બ્રુકે કિવી સામેની પ્રથમ ટી૨૦માં શાનદાર રમત થકી ટિકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. બ્રુકે ૪૩ રનની અણનમ ઈનિંગ્સમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડે ૧૪૦ રનના ન્યૂઝીલેન્ડના લક્ષ્નો પીછો કરતા જાેની બેરસ્ટોની (૪)ની બીજા જ બોલ પર વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ વિલ જેક્સ (૨૨) અને ડેવિડ મલાને બીજી વિકેટ માટે ૬૧ રન જાેડ્યા હતા. મલાને પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ટી૨૦માં ૧૬મી અડધી સદી ફટકારીને ટીમને જીત તરફ દોરી ગયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી સાઉથી, ફર્ગ્યુસન અને સોઢીએ એક-એક વિકેટ ઝડપી હતી. ટોસ જીતીને ઈંગ્લેન્ડે પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહેતા ૧૨ બોલમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. ટોચના ક્રમના બેટ્સમેનો નિષ્ફળ ગયા હતા અને ૫૦ રનની અંદર ચાર વિકેટ પડતાં કિવી ટીમ દબાણમાં આવી ગઈ હતી. ગ્લેન ફિલિપ્સે સર્વાધિક ૪૧ રન નોંધાવ્યા હતા અને તેને બાદ કરતા અન્ય કોઈ બેટર ૨૫ રનથી વધુનો સ્કોર નોંધાવી શક્યો નહતો. ઈંગ્લેન્ડના પેસ બોલર બ્રાયડન કાર્સે ટી૨૦માં ડેબ્યૂ સાથે ૨૩ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. લ્યુક વૂડે પણ ત્રણ વિકેટ ઝડપી હતી. આદિલ રાશિદ, મોઈન અલી અને લિયામ લિવિંગસ્ટોને એક-એક વિકેટ લીધી હતી.

