તાજેતરમાં જી.એસ.આર.ટી.સી. દ્વારા કંડકટરની બહાર પાડવામાં આવેલ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી એવા ફર્સ્ટ એઈડનું સર્ટિફિકેટ ન હોવાથી ઘણા ઉમેદવારો અગવડતા અનુભવી રહ્યા હતા. તેના અનુસંધાને કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ઉમેદવારોની મુશ્કેલીઓ નિવારવા માટે ત્વરિત જૂનાગઢ, માંગરોળ, માણાવદર અને વિસાવદર ખાતે તા.૧૭-૮-૨૦૨૩થી ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ માટેની તાલીમ પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો છે.
કંડકટરની ભરતી સંદર્ભે તેમાં ઓનલાઈન ફોર્મમાં જરૂરી એવા ફર્સ્ટ એઈડ (પ્રાથમિક સારવાર)ના તાલીમ વર્ગોનું જૂનાગઢ કલેક્ટરશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સિવિલ સર્જનશ્રી તથા રેડ ક્રોસ સોસાયટી, જૂનાગઢ દ્વારા ફક્ત જૂનાગઢ જિલ્લાના ઉમેદવારો માટે તા.૧૭-૮-૨૦૨૩થી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો-૧૨ પાસ તથા ૧૮ વર્ષ પુરા ફરજિયાત છે તથા પ્રથમવાર સર્ટિફિકેટ મેળવતા કે જે ઉમેદવારએ અગાઉ કઢાવેલ સર્ટિફિકેટ પૂર્ણ થઈ ગયા હોય તે તમામ લોકોએ ૮ દિવસ દરરોજ બે કલાક તાલીમ લેવી ફરજિયાત રહેશે. તાલીમ પૂર્ણ થયે તમામ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપવામાં આવશે.
આ તાલીમ જૂનાગઢ તથા મેંદરડા તાલુકાના ઉમેદવારોએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રૂમ નં.૨૦૯, માણાવદર તથા વંથલી તાલુકાના માણાવદર તાલુકા હેલ્થ કચેરી ખાતે, માંગરોળ અને માળીયા તથા કેશોદ તાલુકાને માંગરોળ હેલ્થ કચેરી ખાતે, વિસાવદર તથા ભેસાણ તાલુકાને વિસાવદર હેલ્થ કચેરી ખાતે જવાનું રહેશે.
આ સ્થળોએ તા.૧૭-૮-૨૦૨૩નાં રોજ ધો -૧૨ની માર્કશીટ, લિવિંગ સર્ટી, અને આધાર કાર્ડની ઝેરોક્ષ ઉપરાંત બે પાસપોર્ટ ફોટા અને રૂ.૬૦૦ની ફી સાથે સવારે ૧૦ કલાકે જવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, આ તાલીમની સુવિધા જૂનાગઢ જિલ્લાના રહેવાસી હોય તેવા ઉમેદવાર પૂરતી જ મર્યાદિત છે.
