સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આમ તો શહેરની કોઈ ફૂટપાથને જ પોતાની હંગામી ઓફિસ બનાવી અખબારી વિતરણનું કામ કરતાં આવા અખબારી એજન્સી ધરાવતાં વ્યાવસાયિકો કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વગર સંન્માનપૂર્વક પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે વાચકોને વર્તમાન સમયથી સસ્મિત પરિચિત કરાવતાં જોવા મળે છે. વદન પર સ્મિત હોય પરંતુ એ વ્યથિત હ્રદયને વાચા પણ હોય છે. ફકત તેને સાંભળવા માટે તંત્રની સંવેદનશીલ દ્રષ્ટિ જરૂરી છે.
———————————————————————
એક વાત લોકોનાં ધ્યાન બારી હોય તેવું સ્પષ્ટ લાગે છે. ઘણી વખત એકાદ અખબારની એજન્સી ધરાવનાર અખબારી એજન્ટ કમ પત્રકાર કમ અખબાર વિતરક (ફેરીયા) ની બહુઆયામી ફરજો બજાવતા એ અખબાર વિતરકની વ્યથાને પણ વાચા આપવી જરૂરી છે. સાવરકુંડલાની જ વાત કરીએ તો સાવરકુંડલામાં જ એવાં અખબારી એજન્સી ધરાવતાં વ્યાવસાયિકો છે જે ખુદ પત્રકાર, અખબારી એજન્ટ અને અખબાર વિતરક તરીકે બહુઆયામી કામગીરી કરતાં જોવા મળે છે. જો કે આવા અખબારી એજન્સી ધરાવતાં લોકોનો વ્યક્તિગત સંપર્ક કરતાં તેમણે પણ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે પોતે ફેરિયાઓ (અખબારી વિતરકો રાખી શકે એવી આર્થિક સ્થિતિમાં નથી.) આર્થિક રીતે થોડા ઘણા નફાથી ચાવતાં તેના વ્યવસાયમાં ફેરીયા રાખવા આર્થિક રીતે પરવડે તેમ નથી. જો કે પોતે જાતે સ્યંમ અખબાર વિતરણ કરવા જતાં હોવાથી સમગ્ર શહેર કે વિસ્તારોની વિસ્તૃત અને વાસ્તવિક ઘટનાઓથી માહિતગાર હોય છે અને પરિણામે જ તેમનું રીપોર્ટીંગ પણ ઘણું દમદાર અને વાસ્તવિકતાથી વધુ નજીક હોય છે. આવા અખબાર જગત સાથે સંકળાયેલા લોકોની પણ એક અનોખી કહાની હોય છે. જો કે પત્રકાર તરીકે લોકપ્રશ્નોને વાચા આપવા એડીચોટીનું જોર લગાવતાં આ અખબારી એજન્સી ધરાવતાં પત્રકારો કમ ફેરીયાની વ્યથાને વાચા આપવાવાળું કોણ? શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ રાજકારણીઓ, સામાજિક સેવાભાવીઓ, સંતો મહંતો સાથે તાદાત્મ્ય સાધી શહેરની અનેક સમસ્યાઓને પોતાની કલમ દ્વારા અખબારોમાં વાચા આપતાં હોય છે. પરંતુ તેના જીવનનો સંઘર્ષ અને વ્યથા તંત્રના ધ્યાનમા આવે છે કે કેમ? એ તો ઈશ્વર જાણે.. પરંતુ વાસ્તવિકતા એ છે કે આવા લોકતંત્રના પ્રહરી સમા અખબારી વિતરકોને પણ સરકાર શ્રી દ્વારા કોઈ વિશેષ લાભો મળે એ સાંપ્રત સમયની માંગ પણ છે અને લોકતંત્રને ધબકતું રાખવા માટે આવશ્યક પણ ગણાય. આવા અખબારી એજન્સી ધરાવતાં પત્રકારો એક ફેરીયાની માફક જ વહેલી સવારે જ્યારે લોકો મીઠી નિંદ્રામાં પોઢી રહ્યાં હોય ત્યારે પોતાની સાયકલ દ્વારા અખબાર વિતરણનું કાર્ય કરતાં જોવા મળે છે. વરસાદ હોય, ગલીઓ શહેરોનાં રસ્તા પર પાણી હોય, શેરીઓના કૂતરાઓથી સાવધાની રાખી, ટાઢ તડકો કે વિષમ વાતાવરણની પરવા કર્યા વિના ડોર ટુ ડોર અખબાર વિતરણ કરતાં પણ જોવા મળે છે. ક્યારેક કોઈ ટેકનીકલ મુશ્કેલીને કારણે પણ અખબારની ડિલિવરી લેટ થાય તો વાંચકોનાં મીઠાં ઠપકાનો ભોગ પણ બનતાં જોવા મળે છે. હા, ઘણીવખત સાત આઠ કે તેથી વધુ અખબારી એજન્સીઓ ધરાવતાં વ્યાવસાયિકો અખબારી ફેરીયાઓ દ્વારા અખબાર વિતરણ કરાવી શકે પરંતુ એકાદ અખબારી એજન્સી ધરાવતાં વ્યાવસાયિકો માટે એ થોડું મુશ્કેલ હોય છે. આમ એકાદ અખબારી એજન્સી ધરાવતાં વિતરક , લોકમતના પ્રહરી બની લોકતંત્રની મશાલને પ્રજ્વલિત કરનારા એવાં આ અખબારી એજન્ટોનાં જીવનમાં પણ પ્રકાશ પાથરીને લોકતંત્રને સદૈવ ધબકતું રાખી શકાય છે. તંત્ર દ્વારા આવાં અખબારી એજન્સીઓ ધરાવતાં વ્યાવસાયિકો યાટે કોઈ ઠોસ કલ્યાણકારી યોજનાઓ વિશે ચિંતન થાય એ જ અપેક્ષા. અને એ જ પરિપક્વ લોકતંત્રનનો નિચોડ ગણાય. ગ્રામ્ય વિસ્તારના આવા વ્યાવસાયિકોની કથા પણ લગભગ એકસરખી હોય છે…
