છોટાઉદેપુર તાલુકામા વર્ષોથી જીઆઇડીસી પ્રોજેકટની સ્થાપના થાય તે ખૂબ જરૂરી હતું. વધતી જતી બેરોજગારી, ઉદ્યોગોનો અભાવ પ્રજાને હિજરત કરવા પર મજબૂર કરતો હતો. જેના કારણે છોટા ઉદેપુરના યુવાનો પર પ્રાંતમાં મજુરી કરવા મંજબુર બન્યા હતા. જ્યારે અતિ પછાત ગણાતો છોટા ઉદેપુર તાલુકો ઔધોગિક વિકાસ ની દ્રષ્ટિ એ ખૂબ પાછળ રહી ગયો હતો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા છોટા ઉદેપુર તાલુકાના વનાર ગામે જીઆઇડીસી પ્રોજેકટ મંજૂર કરતા સમગ્ર પંથકના લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
તા.14-7-23 ના રોજ છોટા ઉદેપુર ના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને છોટા ઉદેપુર તાલુકામાં મંજુર થયેલ જીઆઇડીસીનું બાંધકામ કરવા ભલામણ કરી હતી. જેમાં જણાવ્યુ હતુ કે છોટા ઉદેપુર તાલુકાના વનાર ગામે જીઆઇડીસી પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યો છે.
સરકારી પડતર સર્વે નંબર 155, ક્ષેત્રફળ 8-96-84 વાળી જમીન ઔધોગિક વસાહત બનાવવાં માટે જમીન ફાળવવા ભલામણ કરી હતી. પ્રાદેશિક મેનેજર જીઆઇડીસી, વડોદરા દ્વારા જંત્રીની કિંમત પ્રમાણે રું. 1,44,92,934/- ચલણથી ભરપાઈ કરી દીધા હતા. જે અંગે મામલતદાર દ્વારા પ્રાંત અધિકારીને આપેલ અભિપ્રાય અને શરતોને આધીન ઔધોગિક વસાહત બનાવવાં ક્લેક્ટર શાખા દ્વારા તા. 7-10-2022 એ હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.
સદર જગ્યાની કામગીરી શરૂ ન થતાં અંગત રસ લઈ જીઆઇડીસી વહેલી શરૂ થાય તે અંગે ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. અગાઉ તા.17-3-23 ના રોજ પણ છોટા ઉદેપુર તાલુકામાં જ જીઆઇડીસી સ્થપાય તેવી લેખિત રજૂઆત મુખ્ય મંત્રીને કરી હતી. જેનાં ભાગરૂપે સકારાત્મક જવાબ મળતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી ફેલાઇ છે.
પ્રોજેક્ટ માટે જમીન પણ કબજે કરી લેવાઈ છે છોટાઉદેપુર તાલુકામા જ વનાર ગામ ખાતે જીઆઇડીસી પ્રોજેકટની સ્થાપના થવાની છે. તેમાં કોઇ બેમત નથી. તાજેતરમાં અને અગાઉ કરેલી રજૂઆતોના જવાબમાં પ્રાદેશિક મેનેજર જીઆઇડીસી વડોદરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે છોટા ઉદેપુર તાલુકાનાં વનાર ગામે જીઆઇડીસી પ્રોજેકટ માટે જમીન પણ કબ્જે કરી લેવામાં આવી છે.
અને ટુંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. તેમ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે અગાઉ જે જીઆઇડીસી અન્ય સ્થળે ખસેડવાની જે વહેતી થઈ હતી તે સત્યથી વેગળી છે. જીઆઇડીસી પ્રોજેકટની સ્થાપના છોટાઉદેપુર તાલુકામાં જ કરવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર