અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન-વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.સ્થૂળથી ક્રમશઃ સુક્ષ્મ તરફ જવા ભગવાને આ અધ્યાયમાં પહેલાં ક્ષર અને પછી અક્ષરનું વિવેચન કર્યા પછી અંતે પુરૂષોત્તમનું વર્ણન કર્યું.પોતાના પુરૂષોત્તમતત્વને સિદ્ધ કર્યું.આવું વર્ણન કરવાનું તાત્પર્ય અને પ્રયોજન શું છે? તેને ગીતા(૧૫/૨૦)માં બતાવતાં ભગવાન કહે છે..
ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમિદમુક્તં મયાનધ
એતદ્ બુદ્ધવા બુદ્ધિમાન્સ્યાકૃતકૃત્યશ્ચ ભારત..
હે નિષ્પાપ અર્જુન ! આમ આ ઘણું જ ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું છે તેને જાણીને માણસ જ્ઞાની(જ્ઞાત જ્ઞાતવ્ય) તથા પ્રાપ્ત પ્રાપ્તવ્ય અને કૃતકૃત્ય થઇ જાય છે.
અર્જુનને નિષ્પાપ એટલા માટે કહેવામાં આવ્યો છે કે તેઓ દોષદ્રષ્ટિથી રહિત છે.દોષદ્રષ્ટિ કરવી એ પાપ છે.એનાથી અંતઃકરણ અશુદ્ધ થાય છે.જે દોષદ્રષ્ટિથી રહિત હોય તે જ ભક્તિનો અધિકારી છે.ગોપનીય વાત દોષદ્રષ્ટિ વિનાના મનુષ્યની સમક્ષ જ કહેવામાં આવે છે.જો દોષદ્રષ્ટિવાળા મનુષ્યની સામે ગોપનીય વાત કહી દેવામાં આવે તો એ મનુષ્યની ઉપર તે વાતની અવળી અસર પડે છે એટલે કે તે ગોપનીય વાતનો વિપરીત અર્થ કરીને વક્તામાં પણ દોષ જોવા લાગે છે કે આ આત્મશ્ર્લાઘી છે,બીજાઓને મોહિત કરવા માટે કહે છે વગેરે વગેરે..આથી દોષદ્રષ્ટિવાળા મનુષ્યને બહુ જ હાની થાય છે.
દોષદ્રષ્ટિ હોવામાં અભિમાન ખાસ કારણ છે.મનુષ્યમાં જે વાતનું અભિમાન હોય તે વાતની તેનામાં ઉણપ હોય છે, તે ઉણપને તે બીજાઓમાં દેખવા લાગે છે.પોતાનામાં સારાપણાનું અભિમાન હોવાથી બીજાઓમાં બૂરાઇ દેખાય છે તેથી પોતાનામાં સારાપણાનું અભિમાન આવે છે.
ભગવાન પ્રત્યે દોષદ્રષ્ટિ થવાથી તેનું બહુ જ અહિત થાય છે એટલા માટે ભગવાન અને સંતજનો દોષદ્રષ્ટિવાળા અશ્રદ્ધાળુ મનુષ્યો સમક્ષ ગોપનીય વાતો પ્રગટ કરતા નથી.ચૌદમા અધ્યાય(૧૪/૨૬)માં અવ્યભિચારીણી ભક્તિની વાત કહ્યા પછી પંદરમા અધ્યાયના પહેલા શ્ર્લોકથી ઓગણીસમા શ્ર્લોક સુધી જે ક્ષર-અક્ષર અને પુરૂષોત્તમ વિષયનું વર્ણન કર્યું છે તે વિષયની પૂર્ણતા અને લક્ષ્યનો નિર્દેશ અહી ઇતિ ઇદમ્ પદથી કરવામાં આવ્યો છે.
નાટકમાં વેશ ધારણ કરેલા પુરૂષની જેમ ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્યનો સ્વાંગ ધારણ કરીને અવતરીત થાય છે અને એવો વર્તાવ કરે છે કે અજ્ઞાની મનુષ્યો તેમને જાણી શકતા નથી.(ગીતાઃ૭/૨૪) સ્વાંગમાં પોતાનો વાસ્તવિક પરીચય ગુપ્ત રાખવામાં આવે છે પરંતુ ભગવાને આ અધ્યાયમાં (૧૫/૧૮) પોતાનો વાસ્તવિક પરીચય આપીને અત્યંત ગોપનીય વાત પ્રગટ કરી દીધી કે હું જ પુરૂષોત્તમ છું એટલા માટે આ અધ્યાયને ગુહ્યતમ કહેવામાં આવ્યો છે.
શાસ્ત્રમાં મોટાભાગે સંસાર-જીવાત્મા અને પરમાત્માનું વર્ણન આવે છે.આ ત્રણેનું વર્ણન ગીતાના પંદરમા અધ્યાયમાં કરવામાં આવ્યું છે એટલા માટે આ અધ્યાયને શાસ્ત્ર પણ કહેવાય છે.સર્વશાસ્ત્રમયી ગીતામાં ફક્ત આ અધ્યાયને જ શાસ્ત્રની ઉપાધિ મળેલ છે.આમાં પુરૂષોત્તમનું વર્ણન મુખ્ય હોવાના કારણે આ અધ્યાયને ગુહ્યત્તમ શાસ્ત્ર કહેવામાં આવ્યો છે.આ ગુહ્યત્તમ શાસ્ત્રમાં ભગવાને પોતાની પ્રાપ્તિના છ ઉપાયોનું વર્ણન કરેલ છે. સંસારને તત્વથી જાણવો(૧), સંસાર સાથે માનેલા સબંધનો વિચ્છેદ કરીને એક ભગવાનના શરણે જવું(૪), પોતાનામાં સ્થિત પરમાત્મા તત્વને જાણવું(૧૧), વેદાધ્યનના દ્વારા તત્વને જાણવું(૧૫), ભગવાનને પુરૂષોત્તમ જાણીને સર્વ રીતે તેમનું ભજન કરવું(૧૯) અને સંપૂર્ણ અધ્યાયને તત્વથી જાણવો(૨૦).
તમામ ભૌતિક જગતના પ્રકાશક અને અધિષ્ઠાન,તમામ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત,વેદોના દ્વારા જાણવા યોગ્ય તેમજ ક્ષર-અક્ષર બંન્નેથી ઉત્તમ સાક્ષાત્ મારા પુરૂષોત્તમ દ્વારા જ આ ગુહ્યત્તમ શાસ્ત્ર અત્યંત કૃપાપૂર્વક કહેવામાં આવ્યું છે.પોતાના વિશે જે હું કહી શકું છું તેવું બીજો કોઇ કહી શકતો નથી કારણ કે બીજો પહેલાં મારી જ કૃપાથી જ મને જાણશે પછી તે મારા વિષયમાં કંઇક કહેશે જ્યારે મારામાં અજાણપણું છે જ નહી.વાસ્તવમાં સ્વંય ભગવાનના સિવાય બીજો કોઇપણ એમને પૂર્ણરૂપે જાણી શકતો નથી.
સોઇ જાનઇ જેહિ દેહુ જનાઇ, જાનત તુમ્હહિ તુમ્હઇ હોઇ જાઇ,
તુમ્હરિહિ કૃપા તુમ્હહિ રઘુનંદન, જાનહિ ભગત ભગત ઉર ચંદન.
સમગ્ર અધ્યાયમાં ભગવાને જે સંસારની વાસ્તવિકતા,જીવાત્માનું સ્વરૂપ અને પોતાના અપ્રતિમ પ્રભાવ તેમજ ગોપનીયતાનું વર્ણન કર્યું છે તેનો નિર્દેશ એતત્ પદથી કરવામાં આવ્યો છે.આ ગુહ્યત્તમ શાસ્ત્રને જે મનુષ્ય તત્વથી જાણી લે છે તે જ્ઞાનવાન એટલે કે જ્ઞાતજ્ઞાતવ્ય થઇ જાય છે.તેને માટે કંઇપણ જાણવાનું બાકી રહેતું નથી કેમકે તેણે જાણવા યોગ્ય પુરૂષોત્તમને જાણી લીધા છે.
પરમાત્મા તત્વને જાણવાથી મનુષ્યની મૂઢતા નષ્ટ થઇ જાય છે.જગતની તમામ વિદ્યા જાણી લેવાથી મૂઢતા દૂર થતી નથી કારણ કે તે આરંભ અને અંતવાળી તથા અપૂર્ણ છે.તે બધી પરમાત્મામાંથી જ પ્રગટ થઇ છે તેથી તે પરમાત્માને કેવી રીતે પ્રકાશિત કરી શકે.આ બધી લૌકિક વિદ્યાઓથી અજાણ હોવા છતાં જેણે પરમાત્માને જાણી લીધા છે તે વાસ્તવમાં જ્ઞાનવાન છે.
ભગવત્તત્વની એ વિલક્ષણતા છે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણેમાંથી કોઇ એકની સિદ્ધિથી કૃતકૃત્યતા જ્ઞાનજ્ઞાતવ્ય અને પ્રાપ્તવ્યતા ત્રણેની પ્રાપ્તિ થાય છે.એટલા માટે જે ભગવત્તત્વને જાણી લે છે તેના માટે પછી કંઇ જાણવાનું પામવાનું અને કરવાનું શેષ રહેતું નથી.તેનું મનુષ્ય જનમ સફળ થઇ જાય છે. મારે મારા માટે કશું કરવું નથી-આવો અનુભવ થવાથી મનુષ્ય કૃતકૃત્ય થઇ જાય છે. શરીર મારૂં નથી, શરીર પર મારો અધિકાર નથી તથા શરીર સાથે મારો સબંધ નથી-આવો અનુભવ થવાથી મનુષ્ય જ્ઞાતજ્ઞાતવ્ય થઇ જાય છે અને મારે કાંઇ જોઇતું નથી-આવો અનુભવ(સંતોષ) થવાથી મનુષ્ય પ્રાપ્ત પ્રાપ્તવ્ય થઇ જાય છે.
દરેક અધ્યાયની સમાપ્તિમાં મહર્ષિ વેદવ્યાસજીએ પુષ્પિકા લખી છે કે ૐ તત્સદિતિ શ્રીમદ ભગવદગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે પુરૂષોત્તમ યોગો નામ પંચદશોઙધ્યાયઃ જે શ્રીમદ ભગવદગીતાના વિશેષ માહાત્મય અને પ્રભુત્વને પ્રગટ કરે છે. ૐતત્સત્ એ ત્રણેય સચ્ચિદાનંદ ઘન પરમાત્માનાં પવિત્ર નામો છે.ગીતાનો પાઠ કરવામાં શ્લોક પદ અને અક્ષરોના ઉચ્ચારમાં જે જે ભૂલો થઇ છે એનું શુદ્ધિકરણ કરવા માટે અને સંસારથી સબંધ વિચ્છેદ કરવા અને ભગવત્સબંધની યાદ આવવા માટે દરેક અધ્યાયના અંતે ૐ તત્સત્ નું ઉચ્ચારણ કરવામાં આવે છે.અધ્યાયના અંતે ૐ નું ઉચ્ચારણ કરવાનો અર્થ એ છે કે મારી રચનાના અંગભૂતદોષો દૂર થાય. તત્ ના ઉચ્ચારણનો અર્થ છે મારી રચના ભગવત-પ્રેમ માટેની બને અને સત્ ના ઉચ્ચારણનો અર્થ છે મારી રચના સત્ એટલે કે અવિનાશી ફળ આપનારી બને.ઇતિ-બસ મારૂં આ જ પ્રયોજન છે, આ સિવાય મારૂં વ્યક્તિગત કોઇ પ્રયોજન નથી. શ્રીમત્ એટલે જે સર્વશોભાસંપન્ન છે અને જેનામાં સંપૂર્ણ ઐશ્વર્ય ધર્મ યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય-આ છ ભગ નિત્ય વિદ્યમાન રહે છે એવા ભગવાનના મુખેથી નીકળેલી હોવાથી તેને શ્રીમદ્ ભગવત્ કહેવાયેલ છે.
મનુષ્ય જ્યારે મસ્તીમાં,આનંદમાં હોય ત્યારે તેના મુખમાંથી આપોઆપ ગીત નીકળે છે.ભગવાને એને મસ્તીમાં આવીને ગાઇ છે આ કારણથી એનું નામ ગીતા છે.ગીતામાં તમામ ઉપનિષદોનું સારતત્વ સંગૃહિત છે અને એ પોતે પણ ભગવદવાણી હોવાથી ઉપનિષદ સ્વરૂપ છે તેથી તેને ઉપનિષદ કહેવાયું છે.
વર્ણ આશ્રમ સંપ્રદાય વગેરેનો આગ્રહ નહી રાખીને પ્રાણીમાત્રનું કલ્યાણ કરનારી સર્વશ્રેષ્ઠ વિદ્યા હોવાના કારણે એનું નામ બ્રહ્મવિદ્યા છે.આ બ્રહ્મવિદ્યાસ્વરૂપ ગીતામાં કર્મયોગ જ્ઞાનયોગ ધ્યાનયોગ ભક્તિયોગ વગેરે યોગ સાધનોનું શિક્ષણ આપવામાં આવ્યું છે જેથી સાધકને પરમાત્માની સાથેના નિત્ય સબંધનો અનુભવ થઇ જાય એટલા માટે આને યોગશાસ્ત્ર કહેવામાં આવ્યું છે.
આ સાક્ષાત પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ અને ભક્તોમાં મુખ્ય એવા અર્જુનનો સંવાદ છે.અર્જુને નિઃસંકોચ ભાવથી વાતો પુછી છે અને ભગવાને ઉદારતાપૂર્વક એમના જવાબો આપ્યા છે.આ બંન્નેયના ભાવ તેમાં છે આ કારણથી એ બંન્નેયના નામથી આ ગીતાશાસ્ત્રનું વિશેષ મહત્વ હોવાથી એને શ્રીકૃષ્ણાર્જુન સંવાદ એવા નામથી ઓળખાવ્યું છે.
દરેક અધ્યાયના અંતમાં પુષ્પિકા આપવાનું તાત્પર્ય એ છે કે જો સાધક એક અધ્યાયનું પણ સારી રીતે મનન-ચિંતન કરે તો તે એક જ અધ્યાયથી તેનું કલ્યાણ થઇ જશે.
પવિત્ર પુરૂષોત્તમ માસની શરૂઆતથી જ શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાય પુરૂષોત્તમ યોગના એકથી વીસ શ્લોકના વિવેચનનું આપણે દરરોજ ચિંતન કરતા હતા જે આજે પૂર્ણ થાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


