અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.પંદરમા અધ્યાય પાંચ પાંચ શ્ર્લોકના ચાર પ્રકરણો છે.ત્રીજા પ્રકરણમાં બારથી પંદરમા શ્લોક સુધી ભગવાનના પ્રભાવ અને મહત્વને પ્રગટ કરેલ છે.છઠ્ઠા શ્લોકમાં જે વિષય(પરમધામને સૂર્ય-ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતાં) સ્પષ્ટ થઇ શક્યો નહોતો તેનું સ્પષ્ટ વિવેચન પંદરમા અધ્યાયના શ્લોક-૧૨માં કરતાં ભગવાન કહે છે કે..
યદાદિત્યગતં તેજો જગદ્ભાસતેઅખિલમ્
યચ્ચંદ્રમસિ યચ્ચાગ્નો તત્તેજો વિદ્ધિ મામકમ્..
સૂર્યને પ્રાપ્ત થયેલું જે તેજ આખા જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્રમાં છે અને જે અગ્નિમાં છે એને તૂં મારૂં તેજ જાણ.
પ્રભાવ અને મહત્વની તરફ આકર્ષિત થવું એ જીવનો સ્વભાવ છે.પ્રાકૃત પદાર્થોના સબંધથી જીવ પ્રાકૃત પદાર્થોના પ્રભાવથી પ્રભાવિત થઇ જાય છે કારણ એ છે કે પ્રકૃતિમાં સ્થિત થવાના કારણે જીવને ભગવાનનું નહી પરંતુ પ્રાકૃત પદાર્થો શરીર સ્ત્રી પૂત્ર ધન વગેરેનું મહત્વ દેખાય છે.આથી જીવ ઉપર પડેલ પ્રાકૃત પદાર્થોનો પ્રભાવ હટાવવા માટે પોતાના પ્રભાવનું વર્ણન કરતાં ભગવાન રહસ્ય પ્રગટ કરે છે કે પ્રાકૃત પદાર્થોમાં જે પ્રભાવ અને મહત્વ દેખાય છે તે મૂળમાં મારૂં જ છે.સર્વોપરી પ્રભાવશાળી હું જ છું.મારા પ્રકાશથી જ બધાં પ્રકાશિત થઇ રહ્યાં છે.
જેવી રીતે મનમાં સ્થિત કામનાઓ મનનો ધર્મ કે સ્વરૂપ ન હોઇ આગંતુક છે તેવી જ રીતે સૂર્યમાં સ્થિત તેજ સૂર્યનો ધર્મ કે સ્વરૂપ ન હોઇને આગંતુક છે એટલે કે તે તેજ સૂર્યનું પોતાનું નહી પરંતુ ભગવાન પાસેથી આવેલું છે.સૂર્ય નેત્રના અધિષ્ઠાન દેવતા છે.આથી નેત્રોમાં જે પ્રકાશ (જોવાની શક્તિ) છે, ચંદ્રમાં પ્રકાશની સાથે શિતળતા મધુરતા પોષણ વગેરે જે પણ ગુણો છે તે બધો ભગવાનનો જ પ્રભાવ છે.ચંદ્ર મનના દેવતા છે એટલે મનની મનન કરવાની શક્તિ ભગવાન પાસેથી આવેલી સમજવી જોઇએ તથા અગ્નિની પ્રકાશિકા શક્તિ અને દાહિકા શક્તિ ભગવાનની છે આમ પરમાત્મા જ તમામ શક્તિઓના મૂળ છે.
આ સબંધમાં કેનોઉપનિષદમાં એક વાર્તા આવે છે કે એકવાર ભગવાને દેવતાઓને અસુરો ઉપર વિજ્ય પ્રાપ્ત કરાવ્યો પરંતુ વિજ્ય મળતાં દેવતાઓને પોતાની શક્તિનું અભિમાન થયું.તેઓ પોતાની શક્તિથી જ અસુરો ઉપર વિજ્ય મેળવ્યો છે એવું સમજવા લાગ્યા.દેવતાઓના આ અભિમાનને નષ્ટ કરવા માટે ભગવાન યક્ષનું રૂપ લઇને તેમની સામે પ્રગટ થયા.યક્ષને જોઇને દેવતાઓ આશ્ચર્યચક્તિ થઇને વિચારવા લાગ્યા કે આ યક્ષ કોન છે? તેમનો પરીચય મેળવવા માટે દેવતાઓએ અગ્નિદેવને તેમની પાસે મોકલ્યા.યક્ષના પુછવાથી અગ્નિદેવે કહ્યું કે હું જાતવેદા નામથી પ્રસિદ્ધ અગ્નિદેવતા છું અને હું ધારૂં તો પૃથ્વીમાં જે કાંઇ છે તે તમામને બાળીને ભસ્મ કરી શકું છું.ત્યારે યક્ષે તેમની સામે એક ઘાસનું તણખલું મુક્યું અને કહ્યું કે તમે આ તણખલાને બાળી નાખો.અગ્નિદેવ તેમની પુરી શક્તિ લગાવીને પણ તે તણખલાને બાળી શક્યા નહી.અગ્નિદેવ લજ્જિત થઇને દેવતાઓ પાસે ચાલ્યા આવ્યા અને કહ્યું કે તે યક્ષ કોન છે તે હું જાણી શક્તો નથી.ત્યારે દેવતાઓએ વાયુદેવને યક્ષ પાસે મોકલ્યા.યક્ષના પુછવાથી વાયુદેવે કહ્યું કે હું માતરિશ્વા નામથી પ્રસિદ્ધ વાયુદેવતા છું અને હું ધારૂં તો પૃથ્વીમાં જે કાંઇ છે તેને ઉડાડી શકું છું. ત્યારે યક્ષે તેમની સામે પણ એક તણખલું મુકીને કહ્યું કે તમે આ તણખલાને ઉડાડી દો.વાયુદેવ પોતાની તમામ શક્તિ લગાવીને પણ તે તણખલાને ઉડાડી ના શક્યા.તેઓ પણ લજ્જિત થઇને દેવતાઓ પાસે ચાલ્યા આવ્યા અને કહ્યું કે હું તે યક્ષને જાણી શક્યો નથી.ત્યારે દેવતાઓએ ઇન્દ્રને તે યક્ષનો પરીચય જાણવા માટે મોકલલ્યા પરંતુ ઇન્દ્રના ત્યાં પહોંચતાં જ યક્ષ અંતર્ધાન થઇ ગયા અને તેમની જગ્યાએ હિમાચલ પૂત્રી ઉમાદેવી પ્રગટ થયાં અને કહ્યું કે સ્વંય ભગવાન જ તમારા લોકોનું અભિમાન નષ્ટ કરવા માટે યક્ષના રૂપમાં પ્રગટ થયા હતા.કહેવાનો ભાવ એ છે કે પરમાત્માની સાચી માહિતી કોન પુરી પડે? બ્રહ્મવિદ્યા. ભગવતી ઉમાદેવીની જેમ સાધકના જીવનમાં ગુરૂકૃપાથી બ્રહ્મવિદ્યાનો પ્રકાશ પ્રગટે છે ત્યારે તમામ શંકાઓ અને ભ્રાન્તિઓ દૂર થાય છે અને સમજ નિર્માણ થાય છે કે સૃષ્ટિમાં જે કાંઇ બળવત્તા, વિશેષતા, વિલક્ષણતા જોવામાં આવે છે તે બધી ભગવાનમાંથી જ આવેલી છે.
ભગવાન કહે છે કે જે જે ઐશ્વર્યસંપન્ન શોભાયુક્ત અને શક્તિયુક્ત પ્રાણી તથા પદાર્થો છે તેને તૂં મારા જ તેજ (યોગ- સામર્થ્ય)ના અંશથી ઉત્પન્ન થયેલું સમજ.સંસારમાત્રમાં જે કાંઇ સજીવ-નિર્જીવ વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ ગુણ ભાવ ક્રિયા વગેરેમાં જે કંઇ ઐશ્વર્ય દેખાય, શોભા કે સૌદર્ય દેખાય તથા જે કંઇપણ વિશેષતા વિલક્ષણતા યોગ્યતા દેખાય તે બધાં મારા તેજના એક અંશથી ઉત્પન થયેલાં જાણ.
મનુષ્યને જેમાં જેમાં વિશેષતા માલૂમ પડે તેમાં તેમાં ભગવાનની જ વિશેષતા માનીને ભગવાનનું જ ચિંતન થવું જોઇએ.જો ભગવાનને છોડીને બીજી વસ્તુ-વ્યક્તિ વગેરેની વિશેષતા દેખાય તો એ પતનનું કારણ છે.જેવી રીતે પતિવ્રતા સ્ત્રી પોતાના મનમાં જો પતિના સિવાય બીજા કોઇ પુરૂષની વિશેષતા રાખે તો તેનું પાતિવ્રત્ય ભંગ થઇ જાય છે એવી રીતે ભગવાન સિવાય બીજી કોઇ વસ્તુની વિશેષતાને લીધે મન ખેંચાય તો વ્યભિચારદોષ આવી જાય છે એટલે કે ભગવાનના અનન્યભાવનું વ્રત ભંગ થઇ જાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
