એકવાર મહર્ષિ વિશ્વામિત્રજી અને બ્રહ્મર્ષિ વશિષ્ઠજીની વચ્ચે એ વિષય ઉપર વિવાદ ઉભો થયો કે સત્સંગની મહત્તા વધારે કે તપની મહત્તા વધારે છે? વિશ્વામિત્રજીએ કઠોર તપસ્યા કરીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એટલે તેઓ તપને મોટું માનતા હતા જ્યારે વશિષ્ઠજી સત્સંગની મહત્તા વધુ માનતા હતા. બંન્ને ઋષિઓ આ વાતનો નિર્ણય કરવા માટે પ્રજાપિતા બ્રહ્માજી પાસે જાય છે.તેઓની વાત સાંભળીને બ્રહ્માજી કહે છે કે હું સૃષ્ટિ રચનાના કાર્યમાં વ્યસ્ત છું એટલે આપ ભગવાન વિષ્ણુ પાસે જાઓ.ભગવાન વિષ્ણુ આપની સમસ્યાનું નિરાકરણ કરશે.
બંન્ને ઋષિઓ ભગવાન વિષ્ણુ પાસે જઇને પ્રશ્ન કરે છે કે તપ મોટું કે સત્સંગ? ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે હું સત્સંગને મોટો કહીશ તો વિશ્વામિત્ર નારાજ થશે અને જો તપને મોટું બતાવીશ તો વશિષ્ઠજીની સાથે અન્યાય થશે એટલે એમ કહીને જવાબ આપવાનું ટાળ્યું કે હું સૃષ્ટિના પાલન કરવામાં વ્યસ્ત છું એટલે આપ ભગવાન શંકર પાસે જાઓ.
બંન્ને ઋષિઓ ભગવાન શંકર પાસે જઇને પ્રશ્ન પુછે છે ત્યારે ભગવાન શંકર કહે છે કે આપના પ્રશ્નનો નિર્ણય કરી શકવા હું સમર્થ નથી આનો નિર્ણય તો શેષનાગ જ કરી શકશે.બંન્ને ઋષિઓ શેષનાગ પાસે જાય છે.શેષનાગજીએ બંન્નેનું સ્વાગત કર્યુ અને આવવાનું પ્રયોજન પુછે છે.વશિષ્ઠ ઋષિએ પુછ્યું કે અમારા પ્રશ્નનો નિર્ણય કરી આપો કે તપ મોટું કે સત્સંગ?
શેષનાગજી કહે છે કે મારા માથા ઉપર પૃથ્વીનો ભાર છે.જો આપ બંન્નેમાંથી કોઇ થોડા સમય માટે પૃથ્વીનો ભાર ઉઠાવી લો તો હું આપના પ્રશ્નનો નિર્ણય કરી આપીશ.તપ કરવાથી અહંકાર આવે છે. વિશ્વામિત્ર તપસ્વી હતા,તેમને અહંકારવશ શેષનાગજીને કહ્યું કે પૃથ્વીનો ભાર આપ મને આપો અને વિશ્વામિત્રજીએ પૃથ્વીને પોતાના માથા ઉપર લીધી કે તુરંત જ પૃથ્વી નીચેની તરફ જવા લાગી ત્યારે શેષનાગજીએ કહ્યું કે વિશ્વામિત્રજી..રોકો..પૃથ્વી રસાતળમાં જઇ રહી છે.વિશ્વામિત્રજીએ પોતાના સમગ્ર જીવન દરમ્યાન કરેલ તપ અર્પણ કર્યું છતાં પૃથ્વી રોકાઇ નહી ત્યારે બ્રહ્મર્ષિ વશિષ્ઠજીએ અડધી ઘડીના સત્સંગનું ફળ અર્પણ કર્યું તો પૃથ્વી પોતાની ધરી ઉપર રોકાઇ ગઇ અને નિર્ણય આવી ગયો કે તપ કરતાં સત્સંગની મહત્તા વધારે છે.
અમોએ નિયમિત પરીવારના સદસ્યોની સાથે બેસીને સત્સંગ કરવો જોઇએ અને જ્યારે પણ આપણી આસપાસ ક્યાંય પણ સત્સંગ થતો હોય તો સાંભળવો જોઇએ અને સત્સંગમાં સાંભળેલ વાતોનું ચિંતન-મનન કરી તેનું આચરણ કરવું જોઇએ.સંત મહાપુરૂષોની સાથે વિચારોના આદાન-પ્રદાનથી સત્સંગની શરૂઆત થાય છે.“સત્સંગકી આધી ઘડી તપકે વર્ષ હજાર,તો ભી નહી બરાબરી સંતન કીયો વિચાર.”
સત્સંગથી જ વાણીમાં મીઠાશ અને ૫રો૫કારની ભાવના જાગ્રત થાય છે.જેને જીજ્ઞાસા હોય એણે સત્સંગ જરૂર કરવો.જીજ્ઞાસાનો અર્થ થાય છે જાણવાની ઈચ્છા.જેણે ઈશ્વરનું સ્વરૂપ જાણવું હોય,આત્માનું સ્વરૂપ જાણવું હોય,ધર્મનું સ્વરૂપ જાણવું હોય,ગુઢ તત્વોને જાણવા હોય એણે સત્સંગ જરૂર કરવો.સત્સંગ મોક્ષનું દ્વાર છે,સત્સંગથી વિષયોનું સ્મરણ છુટી જાય છે,સત્સંગથી જ ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે, સત્સંગ બધા અનર્થોનો નાશ કરે છે,સત્સંગથી જ ભગવાન સહજમાં વશ થાય છે,સત્સંગની તુલના બીજા કોઇ સાથે થતી નથી,સત્સંગથી નિશ્ચલ પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય છે.
સત્સંગ વિના વિવેક આવતો નથી અને રામની કૃપા વિના સત્સંગ સહેલાઇથી મળતો નથી,દુષ્ટો ૫ણ સત્સંગ પામીને સુધરી જાય છે,બુદ્ધિની જડતા દૂર કરવા,વિવેક ઉત્પન્ન કરવા જીવનમાં સુખ-શાંતિ, આનંદ પ્રાપ્ત કરવા માટે જીવનના લક્ષની પ્રાપ્તિ કરવા,પ્રભુ દર્શન કરવા,સંસારમાંની વેર ઇર્ષ્યા દ્વેષ ઘૃણાને દૂર કરવા અને તેની જગ્યાએ અહિંસા એકતા ભાતૃભાવ પ્રેમ ઉત્પન્ન કરવા સત્સંગ ૫રમ આવશ્યક છે,સત્સંગથી જ મનનો મેલ દૂર થાય છે,મનમાં જથ્થાબંધ થઇ રહેલા સંશય તથા ભ્રમોનો સમુદાય સદગુરૂના સત્સંગથી નષ્ટ થઇ જાય છે,સંતોના દર્શનમાત્રથી સૌ પાપો નષ્ટ થઇ જાય છે,મહાભાગ્ય હોય તો જ સત્સંગ પ્રાપ્ત થતો હોય છે જેના પ્રતાપે પરીશ્રમ વિના જ સંસારના ફેરા ટળી જાય છે,સંતજનોનો સંગ મોક્ષના માર્ગરૂ૫ છે અને કામીનો સંગ સંસારમાં બાંધનાર છે,સત્સંગનો અર્થ છે સત્યનો સંગ.સત્ય સ્વરૂ૫ ૫રમાત્માની સાથે સંગ કરવો.દરેક ક્ષેત્રમાં પ્રભુકૃપાની આવશ્યકતા છે જે સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થાય છે.
સત્ય બ્રહ્મ (૫રમાત્મા)ના પ્રત્યક્ષ દર્શન કરીને જ્યારે જ્ઞાનચર્ચા કરવામાં આવે તે જ સત્સંગ છે.સત્સંગ એ અંતિમ લક્ષ્ય છે.જેના માટે સત્ય (૫રમાત્મા)નું જ્ઞાન ૫રમ આવશ્યક છે.કુસંગનો સર્વથા ત્યાગ કરવો. ક્ષણભરના કુસંગથી મનમાં સૂતેલા શૈતાન જાગી જશે તો શું દશા થશે? સંસારમાં પ્રત્યેક વ્યક્તિ સુખ શાંતિ આનંદ ઇચ્છે છે.આ સુખ શાંતિ અને આનંદ વિષયોમાં નથી અને જો છે તો ક્ષણિક છે સ્થાઇ સુખ શાંતિ ફક્ત સત્સંગમાં જ છે.થોડા સમયનો સત્સંગ ૫ણ લાભકારી હોય છે.સત્સંગના સમાન દુનિયામાં કોઇ સુખ નથી. જો એક ત્રાજવામાં સત્સંગરૂપી વચનામૃત અને બીજા ત્રાજવામાં સંસારના તમામ સાંસારીક શારીરિક સુખ તો ૫ણ સત્સંગનું ત્રાજવું ભારે જ રહે છે.
સત્સંગ આત્માનો ખોરાક છે.જેવી રીતે ખોરાક શરીરની ભૂખ શાંત કરે છે શક્તિ અને બળ આપે છે તેવી જ રીતે સત્સંગ સેવા સુમિરણ પૂજા અર્ચના આત્માની ભૂખ મટાડે છે.પાણી વલોવવાથી ભલે ઘી નીકળે,રેતી પિલવાથી ભલે તેલ નિકળે,સૂર્ય ભલે પૂર્વના બદલે ૫શ્ચિમમાં ઉગે,ફુલ જમીનના બદલે ભલે આકાશમાં ખિલે,કાચબાની પીઠ ઉપર ભલે વાળ ઉગે,વાંઝણીનો પૂત્ર ભલે યુદ્ધ જીતે..આ બધી અસંભવ વાતો ભલે સંભવ બને પરંતુ સત્સંગ વિના આ ભવસાગર તરવો અસંભવ છે આ અકાટ્ય સિદ્ધાંત છે.જે લોકો સેવા સુમિરણ સત્સંગ કરતા નથી તેમને લોક ૫રલોકમાં આનંદ મળતો નથી.નિયમિત સત્સંગરૂપી ઝાડું મનને લગાવવાથી મન અને વિચાર શુદ્ધ નિર્મલ રહે છે.જેમ પારસના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે તેમ દુષ્ટ ૫ણ સત્સંગ પામીને સુધરી જાય છે.
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)