રવિવારે રાજ્યના આરોગ્ય અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદના પાલડી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલની સેન્ટરની મુલાકાત લઈ વરસાદને કારણે શહેરની વર્તમાન સ્થિતીની સંપૂર્ણ વિગતો અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પાસેથી મેળવી હતી.
મંત્રીએ અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલની સંપુર્ણ વ્યવસ્થાની પણ વિગતવાર માહિતી મેળવી હતી.
આ મુલાકાતમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેર મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ પણ જાેડાયા હતા.
મંત્રી ઋષિકેશ પટેલે શહેરના વરસાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત તેમજ વરસાદી વિસ્તારોની સ્થિતિનું મોનીટરીંગ કર્યું હતું.
અમદાવાદ મહાનગરપાલિકાના કંટ્રોલરૂમની મુલાકાત દરમિયાન મંત્રી શ્રી એ વરસાદથી પ્રભાવિત શહેરના વિસ્તારોમાં રાહત અને રેસ્ક્યુ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ અમદાવાદના નીચાણવાળા વિસ્તારના અને કાચા મકાનો-ઝૂંપડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ તેમજ આકસ્મિક સંજાેગોમાં આ લોકોને સલામત સ્થળે સ્થળાંતર તથા તેમને આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વરસાદમાં શહેરમાં વરસાદી પાણી ભરાય તે સમસ્યા સાવર્ત્રિક છે જાેકે તેના નિકાલ માટે તંત્ર સતત કાર્યરત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઝડપથી વિકસેલું સ્માર્ટ અને હેરિટેજ સિટી અમદાવાદમાં રોડ , રસ્તા, પાણી, ગટર અને વરસાદી પાણીના નિકાલની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ઉપલબ્ધ થઇ છે.
આ બેઠકમાં શહેરમાં વરસાદી પાણીનો સત્વરે નિકાલ થાય તે સંદર્ભે વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી છે.
રાજ્યના ઈરીગેશન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસ દ્વારા વરસાદી પાણીનો સત્વરે નિકાલ થાય તે પ્રકારનું ભાવી આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.


