હરિયાણા
હરિયાણાના નૂહમાં ભડકેલી હિંસા પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પોલીસ દરેકની સુરક્ષા કરી શકતી નથી. રાજ્યની વસ્તી ૨.૭ કરોડ છે. અમારી પાસે ૬૦,૦૦૦ જવાન છે. આવી સ્થિતિમાં પોલીસ દરેકની સુરક્ષા કરી શકતી નથી. મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, રાજ્યમાં સાંપ્રદાયિક હિંસામાં ૨ હોમગાર્ડ સહિત ૬ લોકો માર્યા ગયા. આ મામલામાં ૧૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, નૂહ અથડામણ બાદ અન્ય સ્થળોએ હિંસાની ઘટનાઓ નિયંત્રણમાં આવી ગઈ છે અને સ્થિતિ હવે સામાન્ય છે. તેમણે વધુમાં કહ્યું કે, ઘાયલોને નૂહના નલહડ અને ગુરુગ્રામના મેદાંતા સહિત જુદી-જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઝ્રસ્ ખટ્ટરે જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવશે. ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી ખટ્ટરે નૂહમાં થયેલી હિંસાને દુઃખદ ગણાવી અને લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી. તેમણે કહ્યું કે હરિયાણા પોલીસ કર્મચારીઓ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા દળોની ૨૦ કંપનીઓ રાજ્યમાં તૈનાત કરવામાં આવી છે. સીએમ ખટ્ટરે રાજ્યમાં સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય દળોની વધુ ૪ કંપનીઓની માંગણી કરી છે. તેમણે કહ્યું કે ઇન્ડિયન રિઝર્વ બટાલિયનની એક બટાલિયન પણ નૂહમાં તૈનાત કરવામાં આવશે. હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ હિંસા અંગે કહ્યું કે, નૂહમાં ધાર્મિક શોભાયાત્રાના આયોજકોએ સંભવિત ભીડ વિશે જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી ન હતી. કદાચ આ કારણે હિંસાની સ્થિતિ સર્જાઈ હોય. તેમણે કહ્યું કે નૂહમાં એક ધાર્મિક સરઘસ પર ટોળાએ હુમલો કર્યો હતો, જે બાદ તણાવની સ્થિતિ સર્જાઈ હતી.દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, રાજ્યના ઈતિહાસમાં આવી ઘટના ક્યારેય બની નથી. સોમવારે નૂહ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. ટૂંક સમયમાં જ તેણે ગુરુગ્રામને પણ ઝપેટમાં લીધું હતું. તેમણે કહ્યું કે હિંસાના દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને સુરક્ષા કડક કરવામાં આવી છે.