સાવરકુંડલા તા.
(બિપીન પાંધી દ્વારા)
નદી, નાળા છલકાતા જગતનો તાત ખુશ ખુશાલ થયો/વાતાવરણ ઠંડુગાર બનતા લોકોના ઘરોમાં ભજીયાની સુવાસ પ્રસરતી જોવા મળી.
———————————————————————
હવામાન વિભાગની પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહીના પગલે આજે સતત ચોથા દિવસે અમરેલી જિલ્લામાં મેઘ મહેર યથાવત રહેતા સમગ્ર પંથક પાણી પાણી થયો હતો. સાવરકુંડલાના આંબરડી ગામે વાવણી બાદ સીઝનનો પ્રથમ સારો કહી શકાય તેવો વરસાદ વરસી રહ્યો છે. આજે બપોરે ૧૨:૩૦ કલાકે એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા એક કલાક ધોધમાર વરસાદ ખાબકી જતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી હતી, આંબરડી ગામ સહિત મિતિયાળા, અભરામપરા, કૃશ્નગઢ,બાગોયા, ખોડીયાણા, નવી આંબરડી, દોલતી, દેતડ અને જાબાળ જેવા આસપાસના ગામોમાં અંદાજે દોઢ ઈંચ થી વધુ વરસાદ પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વાવણી બાદ ધરતીપુત્રો ‘પુર મે ‘ ની રાહ જોઈ રહ્યા હતા ત્યારે મેઘરાજા એ મેઘ મહેર કરતા ચોમેર ખુશી જોવા મળી રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે હાલ સાંજના છ કલાકે પણ ધીમીધારે વરસાદ અવિરત શરૂ રહ્યો છે.એમ આંબરડીથી સુભાષભાઈ સોલંકીની યાદીમાં જણાવાયું હતું