મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જામનગર જિલ્લાની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું
છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહેસૂલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અંતર્ગત ભૂમિ સન્માન એવોર્ડ માટે જામનગર
જિલ્લાની પસંદગી કરવામાં આવી છે.
આજ રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહ, ડિસ્ટ્રિક્ટ
ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ શ્રી ફોરમ કુબાવત, આઈ.જી.આર.શ્રી અજયકુમાર ચરેલ વગેરેએ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે આ ભૂમિ
સન્માન-પ્લેટિનમ સર્ટિફિકેટ’ મેળવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ સરકારી યોજનાના લાભથી છેવાડાનો કોઈપણ નાગરિક વંચિત ન રહે તે માટે વર્ષ ૨૦૨૨ના બજેટ પછી
યોજાયેલા વેબિનાર મારફતે ખાસ તાકીદ કરી હતી. ઉપરાંત, ૩ જુલાઈ, ૨૦૨૩ના રોજ મંત્રી પરિષદની બેઠકમાં પણ
પ્રધાનમંત્રીશ્રીએ યોજનાના તમામ ઘટકોના ૧૦૦ ટકા સેચ્યુરેશન માટે આહવાન કર્યું હતું. જેના ભાગરૂપે ડિજિટલ
ટેકનોલૉજીના ઉપયોગથી જમીનના રેકોર્ડ્સની આધુનિક, સર્વગ્રાહી અને પારદર્શક સિસ્ટમ બનાવવામાં આવી છે. રાષ્ટ્રપતિશ્રી
દ્વારા પણ લોકસુખાકારીની સ્કીમથી એક પણ નાગરિક વંચિત ન રહી જાય તેના પર ભાર મૂકવા સૂચન કરવામાં આવ્યું છે.
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ દિશામાં અમલી કાર્યક્રમ ‘ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન
પ્રોગ્રામ’-DILRMP હેઠળ રાજ્યમાં મહેસૂલી સેવાઓને ઓનલાઈન, અદ્યતન તથા પારદર્શક બનાવવા અંગે ઉત્કૃષ્ટ કામગીરી
કરવામાં આવી રહી છે. તે અંતર્ગત કેન્દ્ર સરકારના નિર્ધારિત માપદંડો મુજબ સફળતાપૂર્વક કામગીરી કરવા અંગે તમામ ૬
કેટેગરીમાં સૌથી ઉચ્ચ-પ્લેટિનમ સર્ટિફિકેટ એવોર્ડ માટે રાજ્યના ૬ જિલ્લા અરવલ્લી, ડાંગ, જામનગર, મહેસાણા, નર્મદા અને
સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રેકર્ડ ડિજિટાઇઝેશન દ્વારા ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટ માટે કરેલા આહવાનને ગુજરાતે ઝીલી
લીધું છે. ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ-DILRMP યોજના અંતર્ગત રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે
બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે, મિલકત સંબંધી લેવડ-દેવડના દસ્તાવેજ નોંધણીની કામગીરી
પણ કમ્પ્યૂટરાઈઝ્ડ કરવામાં આવી છે. તેમજ પારદર્શિતા જાળવવાના હેતુથી તમામ રેકોર્ડ અદ્યતન અને ડિજિટાઈઝ્ડ કરી પોર્ટલ
પર મૂકવામાં આવ્યા છે.
DILRMP યોજનાના કુલ છ અંગભૂત ઘટકો છે – ૧) કમ્પ્યુટરાઈઝેશન ઓફ લેન્ડ રેકોર્ડ્સ (RoR), ૨) ડિજિટલ ઓફ કેડસ્ટ્રલ
મેપ્સ/FMBs, ૩) લીન્કેજીસ ઓફ RoR વિથ કેડસ્ટ્રલ મેપ્સ, ૪) કમ્પ્યુટરાઈઝેશન ઑફ રજિસ્ટ્રેશન, ૫) ઇન્ટીગ્રેશન ઑફ
રજિસ્ટ્રેશન (SRO) વિથ લેન્ડ રેકોર્ડ્સ (રેવન્યુ ઓફિસ) અને ૬) મોર્ડન રેકોર્ડ રૂમ.
આ બધા જ ઘટકોમાં ૯૯ ટકા કે તેથી વધુ સફળતાપૂર્વક કામગીરી કરનાર રાજ્યને પ્લેટિનમ સર્ટિફિકેટ, ૯૫ ટકાથી ૯૯ ટકા
સુધી સફળતાપૂર્વક કામગીરી પાર પાડનાર રાજ્યોને ગોલ્ડ સર્ટિફિકેટ તથા ૯૦ ટકાથી ૯૫ ટકા સુધી સફળતાપૂર્વક કામગીરી
કરનારા રાજ્યોને સિલ્વર સર્ટિફિકેટ માટે પસંદ કરવામાં આવ્યા છે.
ગુજરાતના છ જિલ્લાઓને DILRMPના બધા જ ૬ ઘટકોમાં ૯૯ ટકાથી વધુ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્લેટિનમ સર્ટિફિકેટથી
સન્માનિત કરવામાં આવ્યાં છે. ગુજરાત સરકાર વતી કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ શ્રી પી.સ્વરૂપ, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ
સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક શ્રી જેનું દેવન, સેટલમેન્ટ કમિશનર શ્રી એમ.એ.પંડ્યાએ આ એવૉર્ડ સ્વીકાર્યા હતા.
આ ઉપરાંત, સંબંધિત જિલ્લાના કલેકટરશ્રી અને જિલ્લા ટીમને પણ રાષ્ટ્રપતિશ્રી દ્વારા પ્લેટિનમ સર્ટિફિકેટ એનાયત કરાયા
હતા.
ઉલ્લેખનીય છે કે, દેશ આઝાદી કા અમૃત કાળ તરફ જઈ રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨થી વર્ષ
૨૦૨૫-૨૬ સુધી ડીઆઇએલઆરએમપી યોજના પૂર્ણ કરવા માટે વિશેષ ઝોક આપવામાં આવી રહ્યો છે.