જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા તમામ ખેડૂતો ચાલુ વર્ષ 2023- 24 માં બાગાયત
વિભાગની 'ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ' માં વિવિધ પ્રકારની સહાય મેળવવા માટે અરજી કરી શકે છે. આ યોજના
હેઠળ આંબા/ કેરી, જામફળ અને કેળના પાક માટે સહાય મેળવી શકાશે. આંબા/ કેરીના પાક માટે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની
મર્યાદા સુધીમાં ઓછામાં ઓછા 400 કલમ પ્રતિ હેકટર દીઠ કલમ માટે રૂ. 100 નિર્ધારિત કરાયા છે. જો ખર્ચ ઓછો થયેલ હોય
તો તેને ધ્યાનમાં રાખીને રૂ. 40,000 પ્રતિ હેકટર અને પહેલા વર્ષમાં અન્ય બાગાયતી પાકોનું આંતરપાક તરીકે વાવેતર કરવામાં
આવ્યું હોય તો પ્લાન્ટિંગ મટિરિયલના 50% લેખે અથવા રૂ. 10,000 પ્રતિ હેકટર દીઠ સહાય મળવાપાત્ર રહેશે.
તેમજ, જામફળના પાક માટે ઓછામાં ઓછા 555 કલમ રોપા પ્રતિ હેકટર દીઠ કલમ માટે રૂ. 80 મળવાપાત્ર રહેશે. જો ખર્ચ
ઓછો થયેલો હોય તો તેને ધ્યાનમાં રાખીને રૂ. 44,000 પ્રતિ હેકટર અને પહેલા વર્ષમાં જો અન્ય બાગાયતી પાકોનું આંતરપાક
તરીકે વાવેતર કરવામાં આવ્યું હોય તો પ્લાન્ટિંગ મટીરીયલના ખર્ચના 50% લેખે અથવા રૂ. 6,000 પ્રતિ હેકટર દીઠ સહાય
મળવાપાત્ર રહેશે. તેમજ કેળના પાકમાં ટીસ્યુ રોપા દીઠ રૂ. 5 અને થયેલા ખર્ચને ધ્યાનમાં રાખીને મહત્તમ રૂ. 15,000 પ્રતિ
હેકટર દીઠ સહાય મળવાપાત્ર રહેશે.
ઉક્ત યોજનાનો લાભ મેળવવા માટે ઈચ્છુક જિલ્લાના તમામ બાગાયતી ખેતી કરતા ખેડૂતો આગામી તા. 17 ઓગસ્ટ સુધીમાં
આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ નકલ અને જરૂરી સાધનિક
કાગળો સહિત અત્રેની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન- 4, પ્રથમ માળ, રૂમ નં. 48, સુભાષ પૂલ
પાસે, જામનગર ખાતે રૂબરૂ અથવા ટપાલના માધ્યમથી જમા કરાવવાની રહેશે. આ અંગે, વધુ માહિતી મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નં. 0288- 2571565 પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ
બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
