વંથલી: લુશાળા ગામે નવાપ્લોટ તથા દેવીપુજક વિસ્તારમાં રોડ રસ્તાની બીસ્માર હાલત ને લઈ ગ્રામજનો દ્વારા TDO ને લેખિત રજૂઆત કરાઈ
TDO તાત્કાલિક પરિસ્થિતિનો તાગ મેળવવા સ્થળ પર પહોંચ્યા..
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના લુશાળા ગામે આવેલ નવા પ્લોટ વિસ્તાર તથા દેવીપુજક વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા ની બીસ્માર હાલતને લઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
હાલ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે આવનાર દિવસોની અંદર લુશાળા ગામમાં આવેલ નવા પ્લોટ વિસ્તાર તથા દેવીપુજક વિસ્તારમાં રહેતા લોકોના હાલ બે હાલ થવાની ભીતી સેવાઈ રહી છે જેને લઇ આજરોજ વંથલી તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનો દ્વારા લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે અગાઉ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તેવું જણાવી મીડિયા સાથેની વધુ વાતચીતમાં જણાવ્યું હતું કે આવનાર દિવસની અંદર રોડ રસ્તા ની બિસ્માર હાલતને લઈ કોઈ સંતોષકારક નિરાકરણ નહિ આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં ગ્રામજનોએ તૈયારી બતાવી હતી
ગ્રામજનોની રજૂઆત ને ધ્યાને લઈ વંથલી તાલુકા વિકાસ અધિકારી વાઘેલા દ્વારા તાત્કાલિક ધોરણે લુશાળા ગ્રામ પંચાયતના તલાટીમંત્રી ને સાથે રાખીને લુશાળા ગામની સ્થળ મુલાકાત કરી ગ્રામજનોને પડતી હાલાકી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.અને સ્થાનિકોને આવનાર દિવસોમાં યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


