Gujarat

સબ સ્ટાન્ડર્ડ અથવા મિસ બ્રાન્ડેડ જાહેર થયેલાં નમૂનાના આઠ કિસ્સામાં પેઢીઓને ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ દંડ ફટકારવામાં આવ્યો

ગાંધીનગર, મંગળવારઃ
ગાંધીનગર જિલ્લાના એડજ્યુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેકટર, ગાંધીનગરની કોર્ટ દ્વારા ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ, ૨૦૦૬ અન્વયે ચાલતા કેસો પૈકી સબ સ્ટાન્ડર્ડ અથવા મિસ બ્રાન્ડેડ જાહેર થયેલાં નમૂનાના કુલ-૮ કેસોમાં પ્રોડક્ટ માલિકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કાર્યવાહી અંતર્ગત આબાદ દેશી ઘી, ગણેશા ફુડ પ્રોડક્ટ્‌સનો “ચોકલેટ ટુટીફુટી પાત્રા”, ભૂમિ ગાયનું ઘી, સાંઈ પ્રોડક્ટ્‌સ, આસ્થા સુપર માર્કેટનો ઓર્ગેનિક ગોળ, ફ્રોઝન સીટીનું પીણું, સત્વમ રોક સોલ્ટ પાવડર અને ક્રિષ્ણા સિગ્નેચર સ્વીટ સહિતની કેટલીક પ્રોડક્ટ સબસ્ટાન્ડર્ડ કે મિસબ્રાન્ડેડ જણાઈ હતી. આ અંગે પ્રોડક્ટ માલિકોને થનાર સંભવિત નફો અને ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ ધારાની કલમ ૫૧ અને ૫૨ હેઠળ દરેક કેસમાં અલગ અલગ દંડ ફટકારવામાં આવ્યો છે. તદઅનુસાર પ્રોડક્ટ આબાદ દેશી ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં આ કેસમાં ૪,૯૦,૦૦૦ (ચાર લાખ નેવુ હજાર), ગણેશા ફુડ પ્રોડક્ટ્‌સનો “ચોકલેટ ટુટીફુટી પાત્રા”ના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં રૂ. ૨,૨૫,૦૦૦ (બે લાખ પચીસ હજાર) અને ‘ભૂમિ ગાયનું ઘી’ના કેસમાં ૨,૦૦,૦૦૦ (અંકે રૂપિયા બે લાખ) દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત મિસબ્રાન્ડેડ પ્રોડક્ટને કલમ ૫૨ હેઠળ દંડ ફટકારવામાં આવ્યો છે જેમાં સાંઈ પ્રોડક્ટ્‌સના કેસમાં રૂ. ૧,૨૫,૦૦૦ (એક લાખ પચીસ હજાર), આસ્થા સુપર માર્કેટનો ઓર્ગેનિક ગોળના કેસમાં ૧,૯૦,૦૦૦ (એક લાખ નેવું હજાર) અને સત્વમ રોક સોલ્ટ પાવડરના કેસમાં ૨૩૫૦૦૦ (બે લાખ પાંત્રીસ હજાર)નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય ફ્રોઝન સીટીના પીણાંના નમૂના સબ સ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ જણાતા આ કેસમાં કલમ ૫૧ અને ૫૨ હેઠળ ૩૦૦,૦૦૦ (રૂપિયા ત્રણ લાખ) તેમજ ક્રિષ્ણા સિગ્નેચર સ્વીટના ડેરી બેઇઝ્‌ડ ડેઝર્ટના નમૂના મિસબ્રાન્ડેડ જાહેર થતા આ કેસમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ ધારાની કલમ ૫૦ અને ૫૨ હેઠળ ૧૨૫૦૦૦ (એક લાખ પચીસ હજાર)નો દંડ કરવામાં આવ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *