Gujarat

તમામના શરીરમાં હું પ્રાણ અને અપાનથી યુક્ત વૈશ્વાનર જઠરાગ્નિરૂપે ચાર પ્રકારના અન્નને પચાવું છું.

અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે તેથી તેના ધારક ઉત્પાદક પાલક સંરક્ષક પ્રકાશક ભગવાન છે.ભગવાનની શક્તિ હોવાથી અપરા પ્રકૃતિ ભગવાનથી અભિન્ન છે.સમષ્ટિશક્તિમાં પોતાનો પ્રભાવ બતાવ્યા પછી જે શક્તિથી વ્યષ્ટિજગતમાં ક્રિયાઓ થઇ રહી છે તેમાં પોતાનો પ્રભાવ બતાવતાં ભગવાન ગીતા(૧૫/૧૪)માં કહે છે કે..

 

અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ

પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્

તમામ પ્રાણીઓના શરીરમાં રહેવાવાળો હું જ પ્રાણ અને અપાનથી યુક્ત વૈશ્વાનર જઠરાગ્નિ થઇને ચાર પ્રકારના અન્નને પચાવું છું.પ્રાણીઓના શરીરને પુષ્ઠ કરવા તથા તેઓના પ્રાણોની રક્ષા કરવાને માટે ભગવાન જ વૈશ્વાનર જઠરાગ્નિના રૂપે એ પ્રાણીઓના શરીરમાં રહે છે.

અગ્નિનાં બે કાર્યો છેઃપ્રકાશ કરવો અને પચાવવું, જે ભગવાનની જ શક્તિથી થાય છે.પ્રાણીઓના શરીરોને પુષ્ઠ કરવા તથા તેઓના પ્રાણોની રક્ષા કરવા માટે ભગવાન જ વૈશ્વાનર અગ્નિના રૂપે એ પ્રાણીઓના શરીરમાં રહી ચાર પ્રકારના અન્નને પચાવે છે.

શરીરમાં પ્રાણ અપાન સમાન ઉદાન અને વ્યાન-આ પાંચ મુખ્ય વાયુ તેમજ નાગ કૂર્મ કૃકર દેવદત્ત અને ધનંજય-આ પાંચ ઉપપ્રધાન વાયુ રહે છે.આ દશ પ્રાણવાયુઓના અલગ-અલગ કાર્યો છે.

પ્રાણવાયુનું સ્થાન હ્રદય છે.શ્વાસ બહાર કાઢવો, ખાધેલા અન્નને પચાવવું વગેરે તેના કાર્યો છે.

અપાનવાયુનું નિવાસસ્થાન ગુદા છે.શ્વાસને અંદર લઇ જવો,મળ-મૂત્રને બહાર કાઢવાં ગર્ભને બહાર કાઢવો વગેરે તેનાં કાર્યો છે.

સમાનવાયુનું નિવાસસ્થાન નાભિ છે.પચેલા ભોજનના રસને બધા અંગોમાં વહેંચવો તેનાં કાર્યો છે.

ઉદાનવાયુનું નિવાસસ્થાન કંઠ છે.જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે તેના ઘટભાગ અને જળભાગને તે અલગ-અલગ કરે છે.સૂક્ષ્મશરીરને સ્થૂળશરીરથી બહાર કાઢવાનું તથા તેને બીજા શરીર કે લોકમાં લઇ જવાનું પણ તેનું જ કાર્ય છે.

વ્યાનવાયુનું નિવાસસ્થાન સમગ્ર શરીર છે.શરીર તથા તેના અંગોને સંકોચવાં કે ફેલાવવાં તેનું કાર્ય છે.

નાગવાયુનું કાર્ય ઓડકાર લેવાનું છે.

કૂર્મવાયુનું કાર્ય આંખોને ખોલવી અને બંધ કરવાનું છે.

કૃકરવાયુનું કાર્ય છીંક ખાવાનું છે.

દેવદત્તવાયુનું કાર્ય બગાસુ ખાવાનું છે.

ધનંજયવાયુ મૃત્યુ પછી પણ શરીરમાં રહે છે.

વાયુ પાસેથી સંગ્રહ ન કરવો, ગતિ-નિર્લિ૫તા અને અપરીગ્રહતાની વાતો શિખવાની છે.વાયુ એટલે અંદર રહેવાવાળો પ્રાણવાયુ અને બહાર ફરવાવાળો વાયુ.અંદર રહેવાવાળો પ્રાણવાયુ જેટલાથી શરીર ચાલે તેટલો જ વાયુ ઉપાડે છે તેવી જ રીતે જીવનમાં જરૂરી હોય તેટલા જ વિષયભોગ લેવા જોઇએ.આમ સંગ્રહ ના કરવો એ એક પ્રકારનો વિકાસ છે તે વાયુ પાસેથી શિખવાનો છે.બહાર ફરવાવાળો વાયુ ફુલની સુગંધ તથા ર્દુગંધ બંને લઇને આવે છે.સુગંધ તથા ર્દુગંધ બંનેને આશ્રય આપીને પોતે અલિપ્ત રહે છે.

જગતમાં ઘણા અવાજો આવશે પરંતુ જીવન વિકાસ સાધવાનો પ્રયત્ન કરનારે પોતાના કાર્યમાં એકાગ્ર રહેવું જોઇએ.આસન અને પ્રાણાયામ વડે પ્રાણને જીતીને અભ્યાસ અને વૈરાગ્યના દ્રારા પોતાના મનને વશમાં કરી લેવું અને ૫છી પોતાના લક્ષ્ય સ્વ-સ્વરૂ૫માં લગાવવું.જયારે ૫રમાનંદ સ્વરૂ૫ ૫રમાત્મામાં મન સ્થિ‍ર થઇ જાય છે ત્યા‍ર ૫છી ધીરે ધીરે વાસનાઓની ધૂળ ધોવાઇ જાય છે.જેમ ઇંધન વિના અગ્નિત શાંત ૫ડી જાય છે તેમ સત્વરગુણની વૃધ્ધિ થવાથી રજોગુણ અને તમોગુણી વૃત્તિઓનો ત્યાગ થવાથી મન શાંત બની જાય છે.

પ્રાણવાયુની ગતિ દીર્ધ અને અપાનવાયુની ગતિ લઘુ હોય છે.આ બંન્નેને સમ કરવા માટે ૫હેલાં ડાબી નાસિકાથી અપાનવાયુને અંદર લઇ જઇને જમણી નાસિકાથી પ્રાણવાયુને બહાર કાઢવો પછી જમણી નાસિકાથી અપાનવાયુને અંદર લઇ જઇને ડાબી નાસિકાથી પ્રાણવાયુને બહાર કાઢવો.આ બધી ક્રિયાઓમાં યોગ્ય સમય લાગવો જોઇએ.આ રીતે નિરંતર અભ્યાસ કરવાથી પ્રાણ અને અપાનવાયુની ગતિ સમ, શાંત અને સૂક્ષ્મ બની જાય છે.જ્યારે નાસિકાની બહાર અને અંદર તથા કંઠ વગેરે ભાગમાં વાયુના સ્પર્શનું જ્ઞાન ન રહે ત્યારે સમજવું જોઇએ કે પ્રાણ અપાનની ગતિ સમ બની ગઇ છે.આ બંન્નેની ગતિ સમ થતાં લક્ષ્ય  ૫રમાત્માનું જ રહેવાથી મન વડે સ્વાભાવિક જ ૫રમાત્માનું ચિંતન થવા લાગે છે.

જીવને બે શક્તિઓ મળેલી છેઃપ્રાણશક્તિ જેનાથી શ્વાસોનું આવાગમન થાય છે અને ઇચ્છાશક્તિ જેનાથી ભોગોને ભોગવવાની ઇચ્છા થાય છે.પ્રાણશક્તિ શ્વાસોચ્છવાસ દ્વારા ક્ષીણ થતી રહે છે.પ્રાણશક્તિનું ક્ષીણ થવું એ જ મૃત્યુ કહેવાય છે.જડનો સંગ કરવાથી કંઇક કરવા અને પામવાની ઇચ્છા ચાલુ રહે છે. પ્રાણશક્તિ રહેતાં જ ઇચ્છાશક્તિ એટલે કે કંઇક કરવાની અને પામવાની ઇચ્છા દૂર થઇ જાય તો મનુષ્ય જીવનમુક્ત બની જાય છે.પ્રાણશક્તિ નષ્ટ થઇ જાય અને ઇચ્છાઓ ચાલુ રહે તો બીજો જન્મ લેવો ૫ડે છે. નવું શરીર મળતાં ઇચ્છાશક્તિ તો તે જ પૂર્વજન્મની રહે છે,પ્રાણશક્તિ નવી મળી જાય છે.

પ્રાણીઓ ચાર પ્રકારના અન્નનું ભોજન કરે છે.

ભોજ્ય-જે અન્ન દાંતોથી ચાવીને ખાવામાં આવે છે જેવાં કે રોટલી-રોટલા પૂળા વગેરે

પેય-જે અન્ન ગળવામાં આવે છે જેમકે દૂધ-રસ વગેરે

ચોષ્ય-દાંતોથી દબાવીને જે ખાદ્યપદાર્થનો રસ ચૂસવામાં આવે છે અને બચેલા અસાર ભાગને થુંકી દેવામાં આવે છે જેવાં કે શેરડી કેરી વગેરે.વૃક્ષ વગેરે સ્થાવર યોનિઓ આ રીતે અન્નને ગ્રહણ કરે છે.

લેહ્ય-જે અન્ન જીભથી ચાટવામાં આવે છે જેવાં કે ચટણી-મધ વગેરે.

પૃથ્વીમાં પ્રવિષ્ટ થઇને તમામ પ્રાણીઓને ધારણ કરવાં,ચંદ્રમા થઇને તમામ વનસ્પતિઓનું પોષણ કરવું પછી તે વનસ્પતિઓને ખાનારાં પ્રાણીઓની અંદર જઠરાગ્નિ થઇને ખાધેલા અન્નને પચાવવું વગેરે બધાં જ કાર્યો ભગવાનની જ શક્તિથી થાય છે પરંતુ મનુષ્યો તે કાર્યોને પોતાના દ્વારા થતાં હોવાનું માનીને ફોગટમાં જ અભિમાન કરે છે. અહંકરોમીતિ વૃથાભિમાનઃ જેમકે બળદગાડાની નીચે ચાલનારૂં કૂતરૂં સમજે છે કે બળદગાડું હું જ ચલાવું છું !

 

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *